Sat May 23 2026

Logo

રાજકોટમાં 'ઓપરેશન મિલાપ' અંતર્ગત રેસ્ક્યુ કરાયેલી સગીરા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો

2026-05-23 21:56:13
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ગત 4 ઓક્ટોબર, 2025ના રોજ કામ પર જવાનું કહીને ગુમ થયેલી સગીરાને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા 'ઓપરેશન મિલાપ' અંતર્ગત હેમખેમ શોધી કાઢવામાં આવી હતી. પરિવારની ફરિયાદ મુજબ, મૂળ બિહારનો વિરાજ ચૌહાણ નામનો ઓળખીતો શખ્સ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. ભક્તિનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયા બાદ, ટેકનિકલ સર્વેલન્સ અને સોર્સના આધારે તપાસ કરતા સગીરાનું લોકેશન ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ ફરી રાજકોટ ટ્રેસ થતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીરાને શોધી કાઢી હતી અને તેનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

જોકે, સગીરાના રેસ્ક્યુ બાદ કરવામાં આવેલા મેડિકલ ચેકઅપમાં તે ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરાજ સગીરાને ભગાડીને ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે આવેલા એક મરઘી ફાર્મમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર હકીકતો સામે આવતા ભક્તિનગર પોલીસે આરોપી વિરાજ ચૌહાણ વિરુદ્ધ અગાઉ નોંધાયેલા અપહરણના ગુનામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરી, ફરાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.