અમદાવાદઃ ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડનારી રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી જાહેર કરી હતી. ગુજરાતમાંથી ભાજપના સાંસદો નરહિર અમીન, રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા તેમજ કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલની મુદત 21 જૂને પૂરી થઈ રહી છે. સંખ્યાબળના કારણે પ્રથમ વખત ગુજરાતમાંથી રાજ્યસભામાં કૉંગ્રેસનો ઉમેદવાર નહીં હોવાની શક્યતા છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. તેમાંથી ખાલી પડનારી ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોમાંથી કૉંગ્રેસના 12 ધારાસભ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે એક સાંસદને ચૂંટાવા માટે 182 ધારાસભ્યોમાંથી 37 ધારાસભ્યોની જરૂર પડે છે. જોકે, કૉંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી કોંગ્રેસના સાંસદ ચૂંટાય તેવી કોઈ શક્યતા નથી.
શક્તિસિંહ ગોહિલની મુદત પૂરી થતા ગુજરાતની સ્થાપના બાદ સૌ પ્રથમવાર હવે રાજ્યસભામાં ગુજરાતમાંથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ નહીં હોય. જોકે, રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે બિનહરિફ જાય તેવું કૉંગ્રેસ થવા દેશે નહીં. ઉમેદવાર બનવા માટે 10 ધારાસભ્યોના ટેકાની જરૂર પડે છે, ત્યારે કૉંગ્રેસ પાસે 12 ધારાસભ્યો હોવાથી કૉંગ્રેસ ઉમેદવાર ઊભો રાખશે. કૉંગ્રેસે ઉમેદવાર ઊભો રાખવા મન બનાવ્યું છે ત્યારે ચૂંટણી યોજાય જ નહીં તે માટે કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 10થી ઓછી થાય તેવો રાજકીય દાવ ભાજપ ખેલશે તેવી ચર્ચાએ હાલ જોર પક્ડયું છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના અનેક મહાનુભાવો ગુજરાતમાંથી ચૂંટાઈને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અહમદ પટેલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પૂર્વે જ 700થી વધુ બેઠકો બિનહરિફ કરવા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી હતી. તે જોતાં ભાજપના તમામ સભ્યો બિનહરિફ ચૂંટાય તે માટે કૉંગ્રેસ ઉમેદવાર જ ઊભો ન રાખી શકે તેવી સ્થિતિ સર્જવા ભાજપ વ્યૂહરચના ઘડી શકે છે.
ભાજપ ક્યારે જાહેર કરી શકે છે ઉમેદવારો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ભાજપ રાજ્યસભાના ઉમેદવારો 7 જૂન સુધીમાં જાહેર કરશે. મોટાભાગે રાજ્યસભા માટે એવુ બનતું આવ્યું છે કે કેન્દ્રમાં પ્રધાન મંડળમાં કોઇ રાજ્યના સક્ષમ ચહેરાને સ્થાન આપવાનું હોય ત્યારે જો સંબંધિત રાજ્યમાં બેઠક ખાલી ન હોય તો ગુજરાતના ક્વોટામાંથી સંસદમાં મોકલામાં આવે છે. જે અંતર્ગત હાલ વિદેશ પ્રધાન એસ. જયશંકર અને આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા ગુજરાતના પ્રતિનિધિ તરીકે સંસદમાં છે. તેથી ત્રીજા કોઇ બહારના ચહેરાને ગુજરાતમાંથી સંસદમાં લઇ જવાય તેવી શક્યતા ઘણી ઓછી છે. ભાજપ આદિવાસી, મહિલા ઉપરાંત કોઇ મજબૂત દલિત ચહેરો પણ પસંદ કરી શકે છે.