(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં એક જ પરિવારના ચાર લોકોના કલીંગર અને બિરયાની ખાધા પછી મોત થયા હોવાની ઘટના હજી તાજી છે ત્યારે રાજ્યાના અહિલ્યાનગર જિલ્લાના શેવગાંવમાં એક જ પરિવારના સાત લોકોના કેરીના રસ પીધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે.શેવગાવમાં રહેતા જાયભાઉં પરિવારના સાત લોકોને ગયા રવિવારે કેરીનો રસ પીધા પછી ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ પરિવારની સારવાર કરી રહેલા ડોક્ટરોના જણાવ્યા અનુસાર સંબંધિત પરિવારના સભ્યોએ કાચી કેરીઓ પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કર્યો હોવો જોઈએ.
હાલમાં કેરીની સિઝન ચાલી રહી હોવાથી વિવિધ જાતની કેરીઓ બજારમાં વેચાણ માટે આવી છે. શેવગાંવ શહેરના આરે વસાહતમાં રહેતા ભાઉસાહેબ જાયભાઉંએે પણ બજારમાંથી કેરી ખરીદી હતી. આખા પરિવારે કેરીનો રસ પીધો હતો, ત્યારબાદ પરિવારના સાત સભ્યોને ચક્કર આવવા લાગ્યા અને સંતુલન ગુમાવવાનું શરૂ થયું. સંબંધીઓએ શરૂઆતમાં બધાને સારવાર માટે શેવગાંવની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ તેમની સ્થિતિ વધુ ખરાબ થતાં તેમને અહિલ્યાનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમની સારવાર કરી રહેલા ડો. સચિન પંડુલેએ જણાવ્યું હતું કે આવી સમસ્યાઓ કેટલાક રસાયણોના સેવનને કારણે થઈ શકે છે. દરમિયાન, સાત દર્દીઓમાંથી છ દર્દીઓને અલગ અલગ દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને એક હજુ પણ સારવાર હેઠળ છે, પરંતુ તે બધાની હાલત સ્થિર છે. જાયભાઉં પરિવારની સારવાર કરી રહેલા ડોક્ટરોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે સંબંધિત પરિવારના સભ્યોએ ખાધેલી કેરીઓને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કર્યો હશે. કેલ્શિયમ કાર્બાઇડ ભેજના સંપર્કમાં આવે ત્યારે એસિટિલીન નામનો ગેસ છોડે છે, જે મનુષ્યો માટે હાનિકારક છે. આ રીતે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ ગેરકાયદેસર છે.
ડો. સચિન પંડુલેએ આ અનુમાન હોસ્પિટલમાં લાવ્યા પછી સંબંધિત પરિવારને દેખાતા લક્ષણોના આધારે કરી છે. આ દરમ્યાન અહિલ્યાનગર જિલ્લાના પાથર્ડી શહેરમાં રાસાયણિક રીતે પાકેલી કેરી વેચાઈ રહી હોવાની માહિતી મળ્યા બાદ, પંચાયત સમિતિ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરીની શંકા હોવાથી, વેચાણકર્તાઓ પાસેથી કેરીના નમૂના તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલી કેરીઓને પુણેની પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવશે. રસાયણોથી પાકેલી કેરી બાળકો સહિત નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરો હોવાની શક્યતા છે. તેથી જ આરોગ્ય વિભાગે આ તપાસ અભિયાન હાથ ધર્યું છે. નિરીક્ષણ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, આ નિરીક્ષણ અભિયાન બાદ પાથર્ડી શહેરમાં ફળ વેચનારાઓમાં ખળભળાટ મચી ગયો છે.