બેઇજિંગ/નવી દિલ્હી: ચીનના શાંક્સી પ્રાંતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના ઘટી તેને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. અહીં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 90 મજૂરોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. ચીનના ઈતિહાસમાં છેલ્લા 16 વર્ષમાં બનેલી આ સૌથી મોટી અને ઘાતક ખાણ દુર્ઘટના માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો શોક
આ ભયાનક દુર્ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ત્યાંની જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર પોસ્ટ કરીને આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, ભારતના લોકો વતી, તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
Saddened by the loss of lives in a mining accident in Shanxi Province in China. On behalf of the people of India, my condolences to President Xi Jinping and the people of China. May the bereaved families find strength in this tragic hour. Praying for the early and safe recovery…
— Narendra Modi (@narendramodi) May 23, 2026
બ્લાસ્ટ સમયે 247 મજૂરો અંદર કામ કરી રહ્યા હતા
આ બ્લાસ્ટ શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં આવેલી 'લિયુશેનયુ કોલ માઇન'માં થયો હતો. શુક્રવારે રાત્રે જ્યારે મજૂરો જમીનની ઊંડાઈએ કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઝેરી ગેસના દબાણને કારણે મોટો વિસ્ફોટ થયો હતો. દુર્ઘટના સમયે ખાણની અંદર કુલ 247 મજૂરો શિફ્ટમાં કામ પર હતા. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે અંદર કામ કરી રહેલા 90 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે હજુ પણ અનેક લોકો ગૂંગળામણ અને કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ચીનમાં આ વર્ષ 2009 પછીની સૌથી મોટી ખાણ હોનારત છે. આ અગાઉ વર્ષ 2009માં હેઇલોન્ગજિયાંગ પ્રાંતની કોલસાની ખાણમાં થયેલા ગેસ બ્લાસ્ટમાં 108 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 133 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.