નવી દિલ્હીઃ ચીનના શાંક્સી પ્રાંતમાં આવેલી એક કોલસાની ખાણમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 82 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને ચીનમાં છેલ્લા એક દાયકાનો સૌથી મોટો કોલસાની ખાણનો અકસ્માત માનવામાં આવી રહ્યો છે.
સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ શુક્રવારે શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો. આ વિસ્તાર બેઇજિંગથી આશરે 520 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલો છે. અકસ્માત પહેલા ખાણમાં કાર્બન મોનોક્સાઇડ ગેસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય બાદ જ એક જોરદાર વિસ્ફોટ થયો હતો.
જે સમયે વિસ્ફોટ થયો, તે સમયે ખાણની અંદર 247 મજૂરો કામ કરી રહ્યા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
રસપ્રદ વાત એ છે કે, અકસ્માતના પછી શિન્હુઆએ તેના શરૂઆતના અહેવાલમાં માત્ર આઠ લોકોના મોતની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે 200થી વધુ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ અચાનક મૃતકોની સંખ્યા વધીને 82 હોવાનું જણાવવામાં આવ્યું. સરકારી મીડિયાએ એ સ્પષ્ટ નથી કર્યું કે આ આંકડો આટલી ઝડપથી કેવી રીતે વધી ગયો.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દુર્ઘટના બાદ બચાવ ટુકડીઓને ગુમ થયેલા લોકોને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ અકસ્માત માટે જવાબદાર લોકોને છોડવામાં (બક્ષવામાં) નહીં આવે.
કાર્બન મોનોક્સાઇડ ગેસથી વિસ્ફોટની આશંકા
સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, ખાણની અંદર કાર્બન મોનોક્સાઇડ ગેસનું સ્તર ખૂબ જ વધી ગયું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ જ કારણે વિસ્ફોટ થયો હતો. હાલમાં અકસ્માતના અસલી કારણની તપાસ કરવામાં આવી રહી છે.
જિનપિંગે ચીનની સ્ટેટ કાઉન્સિલના સુરક્ષા વિભાગને પણ જણાવ્યું છે કે તેઓ સ્થાનિક સત્તાધિકારીઓને તેમની જવાબદારીઓનું ભાન કરાવે.