Sat May 23 2026

Logo

દરિયા કિનારા પર પર્યટકોની સુરક્ષા માટે લાઈફગાર્ડની સંખ્યામાં વધારો કરાશે

2026-05-23 22:42:54
Author: Sapna Desai
Article Image

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં દરિયાકિનારા પર આવતા પર્યટકો અને મુંબઈગરાની સુરક્ષા માટે લાઈફગાર્ડની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં ભરતી દરમ્યાન પર્યટકોના દરિયામાં તણાઈ જવાના  બનાવ વધી જતા હોય છે તેથી તેને ધ્યાનમાં રાખીને લાઈફગાર્ડની સંખ્યા વધારવામાં આવી છે.ચોમાસામાં દરિયામાં ઊંચા મોજાં ઉછળતાં હોય છે અને આ સમય દરમ્યાન દરિયાકિનારા પર ભારે ભીડ જોવા મળી રહી છે.  તેથી શહેરના ૧૪૯ કિલોમીટર લાંબા દરિયાકિનારા પર પર્યટકોના ડૂબી જવાનો સતત ભય રહેતો હોય છે.

મુંબઈ ફાયર બ્રિગેડે ભરતીના પ્રવાહો, ભૂપ્રદેશ અને પર્યટકોની  સંખ્યા (ઘનતા) જેવાં પરિબળોને આધારે ગિરગાંવ, દાદર, જુહુ, વર્સોવા, આક્સા અને ગોરાઈને ઉચ્ચ જોખમી દરિયાકિનારા તરીકે વર્ગીકૃત કર્યા છે. દરિયાકિનારા પર સલામતીનું સંચાલન કરવા માટે, બીએમસી વાર્ષિક ધોરણે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ૯૩ લાઇફગાર્ડ્સ તૈનાત કરે છે, જ્યારે ૧૧ પાલિકા કર્મચારીઓની વધારાની સ્ટેન્ડબાય રેસ્ક્યુ ટીમ કટોકટીની ઘટનાઓ માટે સતર્ક રહે છે.

પાલિકાએ ૨૦૨૨માં દૃષ્ટિ લાઇફ સેવિંગ પ્રા.લિ. ની નિમણૂક કરી હતી, જેની  ૩૦ જૂન, ૨૦૨૫ના કૉન્ટ્રેક્ટ પૂરા થતા ત્રણ વર્ષનાં સમયગાળા માટે મુંબઈ ફાયર બ્રિગેડ હેઠળ લાઇફગાર્ડ કામગીરી અને જાળવણીનું સંચાલન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, નવી એજન્સી માટે નવા ટેન્ડર બહાર પાડવા છતાં પાલિકાએ ઔપચારિક રીતે કરાર લંબાવ્યા વિના હાલની વ્યવસ્થા ચાલુ રાખી હતી.  

મુંબઈના દરિયા કિનારા પર ૨૪ કલાક નજર  રાખવા અને કટોકટી દરમિયાન ઝડપી પ્રતિભાવ આપવા માટે, શહેરના દરિયાકિનારા પર બે શિફ્ટમાં લાઇફગાર્ડ્સ તૈનાત કરવામાં આવશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં, મુંબઈના દરિયાકિનારા પર ૯૩ લાઇફગાર્ડ્સ તૈનાત છે. તાજેતરનાં વર્ષોમાં દરિયાકિનારા પર મુલાકાતીઓની સંખ્યામાં વધારો થવાને કારણે, નવી એજન્સીની નિમણૂક થયા પછી નાગરિક વહીવટીતંત્ર આ સંખ્યા વધારીને ૧૩૭ કરવાની યોજના ધરાવે છે.