જયપુરઃ જયપુરમાં પ્રાયવેટ બસની ટક્કરે આઠ કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જયપુરમાં મુખ્યમંત્રીના વીઆઈપી કાફલાને પાસ કરાવવા માટે અટકાવેલા વાહનોની ભીડમાં પુરપાટ વેગે આવતી બસ ઘુસી જતા અકસ્માત થયો હતો. કારને ટક્કર લાગવાના કારણે એમાં બેઠેલા ઘણા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મળતી પ્રાથમિક વિગત અનુસાર બસની બ્રેક ફેઈલ થઈ જતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ટક્કર લાગ્યા બાદ બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી.
અમદાવાદથી હરિદ્વાર જતી હતી બસ
ઈજાગ્રસ્ત લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. ટક્કર લાગ્યા બાદ લાંબા સમય સુધી લોકોની ચીસ અહીંયાથી પડઘાઈ હતી. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી રસ્તો ક્લિન કરાવ્યો હતો. આ ઘટના જયપુરથી આશરે 25 કિમી દૂર આવેલા હરમાડા વિસ્તારમાં થઈ હતી. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારનો કાફલો જ્યારે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો એ સમયે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. કારને ટક્કર મારનાર બસ અમદાવાદથી હરિદ્વાર જઈ રહી હતી. જયપુરમાં આ બસ ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા માટે આવી હતી. આ ઘટનાની જાણ થતા જ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દીયા કુમારી પીડિતોને મળવા માટે દોડી ગયા હતા.
પોલીસે જણાવી હકીકત
હરમાળા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારી ઉદયસિંહ યાદવના જણાવ્યા અનુસાર સીકર રોડ પર આ અકસ્માત થયો હતો. આ એક સ્લીપર બસ હતી. બ્રેક ફેઈલ થઈ જવાને કારણે આગળ રહેલી કારને ટક્કર મારી દીધી હતી.આ અકસ્માતમાં આઠ કારને ગંભીર નુકસાન થયું છે. 12 જેટલા લોકોને ઈજા પહોંચી છે. પોલીસની કારમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયા હતા. જે લોકો કારમાં અંદર ફસાયેલા હતા, એમને બાહર કાઢવામાં આવ્યા હતા. કાચ તોડીને બાહર કાઢવામાં આવ્યા હતા. અનેક એવી કાર ટક્કરને કારણે પડીકું વળી ગઈ હતી. આવી કારને ક્રેઈનની મદદથી રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી. આ અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બસને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.