Sat May 23 2026

Logo

ક્રૂડતેલના ભાવવધારા સાથે વૈશ્વિક સોનામાં પીછેહઠ

2026-05-23 19:52:30
Author: Ramesh Gohil
Article Image

રમેશ ગોહિલ

સોના-ચાંદીમાં ડ્યૂટી વધારા પશ્ચાત ઠપ પડેલી માગ, રિટેલ ગ્રાહકો અવઢવમાં 

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ જવાનો બન્ને દેશો તરફથી આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો હોવા છતાં રોકાણકારોમાં શાંતિ કરાર વાસ્તવિકતામાં પરિણમવા બાબતે અને દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલવા અંગે આશંકા સેવાઈ રહી હોવાથી ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેતા ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર રહેવાની સાથે અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ ઊંચા સ્તરે રહી હોવાથી સતત બીજા સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ એક તરફ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક સ્તરે આ મહિનાના આરંભે સરકારે ગબડતા રૂપિયાને કારણે સોના-ચાંદીની આયાત પેટે થતાં ડૉલરના બાહ્યપ્રવાહને ખાળવા માટે આયાત જકાત વધારીને 15 ટકા કરી હતી. તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને સોના-ચાંદીની અનાવશ્યક ખરીદી ટાળવા માટે અનુરોધ કર્યો હોવાથી દેશમાં રિટેલ ગ્રાહકો અવઢવમાં મુકાઈ જતાં ગત સપ્તાહે રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં ગત બુધવાર સુધી ડૉલર સામે રૂપિયામાં એકતરફી ધોવાણ થઈ રહ્યું હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિક સોનામાં ભાવઘટાડો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હતો.
 
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં વેરારહિત ધોરણે હાજરમાં 999 સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 15મી મેના 10 ગ્રામદીઠ રૂ. 1,58,210ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,57,821ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં 1,57,739 અને ઉપરમાં રૂ. 1,59,077ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 93ના ઘટાડા સાથે રૂ. 1,58,117ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 15મી મેના કિલોદીઠ રૂ. 2,68,500ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,66,778ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,64,679 અને ઉપરમાં રૂ. 2,70,221ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 2500ના ઘટાડા સાથે રૂ. 2,66,000ના મથાળે બંધ રહ્યા હતા.

એકંદરે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં નરમાઈનું વલણ અને સ્થાનિક સ્તરે સરકાર દ્વારા આયાત ઘટાડવા માટે આયાત જકાતમાં કરવામાં આવેલા વધારા અને અનાવશ્યક ખરીદીથી દૂર રહેવા કરેલા આહ્વાનને ધ્યાનમાં લેતાં હાલ રિટેલ સ્તરના ગ્રાહકો અવઢવ અનુભવી રહ્યા હોવાથી અને ભાવમાં સ્થિરતા આવે તેની રાહ જોઈ રહ્યા હોય તેમ નવી ખરીદી મોકૂફ રાખી હોવાનું જણાય છે, એમ કોલકાતા સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું. વધુમાં હવે લગ્નસરાની મોસમ પણ પૂરી થવાના આરે હોવાથી જ્વેલરી ઉત્પાદકો પણ નવી ખરીદીથી દૂર રહ્યા હોવાથી ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 78 ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટ આૈંસદીઠ 207 ડૉલરની ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું. 

એકંદરે ગત સપ્તાહે અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટોનાં મિશ્ર અહેવાલો વચ્ચે વૈશ્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં સોના અને ચાંદીમાં અનુક્રમે એક ટકાનો અને બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને રોકાણકારોએ અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો આસપાસના વિરોધાભાસી નિર્દેશોને ધ્યાનમાં લેતાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો અને ધ્યાન ફુગાવાની ચિંતાઓ અને વૈશ્વિક સ્તરે વ્યાજદર માટેના દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગત સપ્તાહે તહેરાને જણાવ્યું હતું કે અમેરિકાની તાજેતરની દરખાસ્તે બન્ને પક્ષો વચ્ચેના મતભેદોને આંશિકપણે ઘટાડ્યા હોવાથી વાટાઘાટોમાં પ્રગતિ થવાનો આશાવાદ છે. જોકે, પ્રાપ્ત અહેવાલો અનુસાર ઈરાનના સર્વોચ્ચ નેતાએ દેશનાં સમૃદ્ધ યુરેનિયમના ભંડારને ઈરાની સરહદોની અંદર જ રાખવાનો આદેશ આપ્યો હતો, જે પરિસ્થિતિને વધુ જટીલ બનાવે છે. કેમ કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવો એ અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ છે. 

વધુમાં અહેવાલો એવા પણ સંકેત આપે છે કે ઈરાન ઓમાન સાથેના સહયોગમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગમાં શિપિંગ ટ્રાફિક માટે કાયમી ધોરણે ટોલ યંત્રણા ગોઠવવાની દિશામાં વિચારણા કરી રહ્યું છે. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હોવાનું કહેવાય છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઈરાન તેની લશ્કરી ક્ષમતાઓનું અપેક્ષા કરતાં ઝડપભેર પુનઃ નિર્માણ કરી રહ્યું છે, જેના કારણે ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની ચિંતા સપાટી પર આવી હતી. તેમ જ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવવધારાને કારણે ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા કેન્દ્રવર્તી બૅન્કો કડક નાણાનીતિ અપનાવે તેવી શક્યતા પબળ બની હતી. 

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે જાહેર થયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકમાં જો ફુગાવો અપેક્ષિત બે ટકા કરતાં ઊંચી સપાટીએ રહે તો ઘણાં અધિકારીઓ વ્યાજદરમાં વધારો કરવા સહમત હતા. એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍનડ એડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહે વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 4280 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 4720 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ આૈંસદીઠ 65થી 83 ડૉલર આસપાસની રેન્જમાં રહી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્થાનિકમાં આગામી સપ્તાહે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,50,000થી 1,64,000ની રેન્જમાં અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2,45,000થી 2,85,000ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન ગત સપ્તાહના અંતે ફુગાવામાં વધારો થવાની અને તેને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4515.83 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4523.20 ડૉલરના મથાળે રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 75.85 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતાં. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલર જે અત્યાર સુધી નીચા વ્યાજદરની તરફેણ કરી રહ્યા હતા તેમણે ગત સપ્તાહે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે હાલમાં હળવી નાણાનીતિથી દૂર રહેવાની સાથે સંભવિત વ્યાજદરમાં વધારા માટે દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. આમ ક્રૂડતેલના ભાવમાં વધારાને કારણે આ વર્ષના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 58 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો જોઈ રહ્યા છે. આમ વ્યાજદરમાં વધારાના સંજોગોમાં રોકાણકારો સોના અને ચાંદી સહિતની કિંમતી અસ્ક્યામતોમાં રોકાણથી દૂર રહેતાં હોય છે.