Sat May 23 2026

Logo

દક્ષિણ મુંબઈમાં સતત બીજા દિવસે વીજળીના ધાંધિયા ગરમીને કારણે વીજળીની માગ ૪,૫૦૦ મેગાવોટને વટાવી ગઈ

2026-05-23 22:32:34
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સતત ગરમી અને વધતા તાપમાન વચ્ચે વારંવાર વીજળી ગુલ થવાથી દક્ષિણ મુંબઈના રહેવાસીઓ છેલ્લા અનેક દિવસોથી હાલાકી વેઠી રહ્યા છે. તેમાં પણ કિંગ્સ સર્કલ, ગિરગાવમાં સર્જાયેલી ખામીને કારણે દાદર અને વડાલામાં વીજ પુરવઠો ખંડિત થઈ જતા  નાગરિકો પારવાર હેરાન થઈ રહ્યા છે. શુક્રવારે કલાકો સુધી વીજપુરવઠો ખંડિત રહ્યા બાદ મોડી રાત્રે ઘણા બેસ્ટ નેટવર્ક પર વીજળી પુરવઠો પુન:સ્થાપિત થતા ગિરગાંવના રહેવાસીઓને રાહત મળી હતી, જ્યારે દાદર અને વડાલાના કેટલાક ભાગોમાં શનિવારે સવારે ફરીથી વીજળી ગુલ થઈ ગઈ હતી. બેસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ પડતી ગરમીને કારણે વચ્ચે એર કંડિશનરના વધુ પડતા ઉપયોગને કારણે રેકોર્ડબ્રેક વીજળી માંગને કારણે પાવર ગ્રીડ પર ભારે દબાણ આવી રહ્યું છે.

શનિવારે સવારે, દાદર પશ્ર્ચિમમાં ટર્મિનેશન કેબલમાં આગ લાગતા સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ફરી એક વખત અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો. ગરમીમાં સતત લાઈટ જતી રહેતી હોવાથી ઉશ્કેરાઈ ગયેલા સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ  મે મહિનાના બીજા અઠવાડિયાથી આ પ્રકારે સતત વીજ પુરવઠો ખંડિત થવાના બનાવ વધી ગયા છે. ખાસ કરીને મોડી રાતના સમયે જ્યારે  ગરમી વધુ હોય અને તેને કારણે ઍર કંડિશનર અને અન્ય ઠંડક ઉપકરણોનો ભારે ઉપયોગ થાય છે, જેના કારણે વીજળીની માંગમાં તીવ્ર વધારો થાય છે.

શુક્રવારે રાત્રે દાદરના કિંગ્સવે રીસીવિંગ સ્ટેશન અને ગિરગાંવ ચોપાટી પર મલ્ટીપલ ફોલ્ટને કારણે શહેરના ઘણા ભાગોમાં વીજળી ગુલ થવાના એક દિવસ બાદ ફરી વીજપુરવઠો ખંડિત થઈ ગયો હતો.  બેસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિંગ્સવે સ્ટેશન પર ટ્રાન્સફોર્મર નંબર ૨ અને ૩ માં ઍર ટ્રીપને કારણે દાદર, મહેશ્વરી ઉદ્યાન, નાયગાંવ અને વડાલા પૂર્વમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો, જ્યારે ગિરગાંવ ચોપાટી પર ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાથી ગિરગાંવ ચોપાટી અને ગાંવદેવીના કેટલાક ભાગો લગભગ એક કલાક સુધી વીજળી વગર રહ્યા હતા. 

બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ કિંગ્સવે રીસીવિંગ સબ-સ્ટેશન-ચાર ૩૩,૦૦૦-વોલ્ટ એક્સ્ટ્રા હાઇ-વોલ્ટેજ ફીડર લાઇન દ્વારા કામ કરે છે. ટ્રાન્સફોર્મર નંબર-એક સાથે જોડાયેલ એક ફીડર પહેલાથી જ સમારકામ હેઠળ હતું, જ્યારે ટ્રાન્સફોર્મર નંબર ૩માં શુક્રવારે સાંજે ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રાન્સફોર્મર નંબર-બે પર લોડ આવી ગયો હતો. ૩૦ મિનિટની અંદર તે ફીડર પણ ટ્રીપ થઈ ગયું, જેના કારણે ઘણા વિસ્તારોમાં લાઈટ જતી રહી હતી. 

બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે કિંગ્સવે આરએસએસ ટ્રાન્સફોર્મર નંબર-બે કેબલ રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ ટ્રીપ થઈ ગયો, જેના કારણે ત્રણ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા. મધ્યરાત્રિથી ૩ વાગ્યાની વચ્ચે લગભગ ૮૦% સપ્લાય પુન:સ્થાપિત કરવામાં આવ્યો, જ્યારે બાકીના વિસ્તારોમાં સવારે ૫.૨૦ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત્ થયો હતો. જોકે, સીતાલાદેવી-સાઈ શરણ કેબલ ટ્રીપ થયા બાદ શનિવારે સવારે ૧૧.૧૦ વાગ્યે દાદરમાં ફરી એકવાર લાઈટ જતી રહી હતી, જેમાં બપોરે ૧૨.૧૫ થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે તબક્કાવાર સપ્લાય પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો.

એરકંડિશન અને કુલરથી વીજ માગ વધી
વીજળી નિષ્ણાતના કહેવા મુજબ એર કંડિશનર અને કૂલિંગ ઉપકરણોના વ્યાપક ઉપયોગને કારણે વધતી વીજળીની માંગ નેટવર્ક પર ભારે તાણ લાવી રહી છે. બેસ્ટ સપ્લાય વિસ્તારોમાં ઘણા કેબલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ જૂની થઈ ગઈ છે અને તેમને તાત્કાલિક રિપ્લેસમેન્ટની જરૂર છે. 

વીજળીની માગ ૪,૩૦૦ મેગાવોટને વટાવી ગઈ
બેસ્ટ કમિટીના અધ્યક્ષ તૃષ્ણા વિશ્ર્વાસરાવે જણાવ્યું હતું કે બેસ્ટ વીજ પુરવઠાના ડેટા અનુસાર મુંબઈની વીજળીની માંગ આ અઠવાડિયે લગભગ ૪,૫૦૦ મેગાવોટની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીને વટાવી ગઈ છે, જે મે ૨૦૨૪માં નોંધાયેલા ૪,૩૦૦ મેગાવોટના અગાઉના શિખરને વટાવી ગઈ છે. ફક્ત શનિવારે જ, શહેરની માંગ ૧૨.૩૦ વાગ્યા સુધીમાં ૩,૮૭૮ મેગાવોટ પર પહોંચી ગઈ હતી. અગાઉ ૧૪ મેના રોજ, સીતલાદેવી રીસીવિંગ સબસ્ટેશન પર કેબલ ખામીને કારણે દાદર, સીતલાદેવી અને માટુંગા રોડના બેસ્ટ ગ્રાહકો લાંબા સમય સુધી વીજળી વગર રહ્યા હતા.