(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં માર્ગ અકસ્માતો રોજિંદા બન્યા છે, આ ભયાનક દુર્ઘટનાઓમાં નિર્દોશ લોકોના મોતથી પરિવારો વિખેરાઈ જાય છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક બન્યો હતો. એક ખાનગી બસ અને કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતો.
અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી
બન્ને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ફૂરચા નિકળી ગયા હતા. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, કારમાં રહેલા ત્રણેય લોકોના મોત થયા હતા. ત્રણ પૈકીના બે મૃતકો જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા અને બાલુબેન ચતુરભાઈ ગઢીયા તરીકે થઈ છે.
પોલીસે ખાનગી બસના ચાલકની શોધખોળ હાથ ધરી
પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે ખાનગી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર મુસાફરોના નિવેદનો લેવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે જ હાઈવે પર સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.