Sat May 23 2026

Logo

દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો,ગાજીવીજ સાથે વરસાદ પડતા ગરમીમાંથી રાહત

2026-05-23 21:23:51
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી અગનભઠ્ઠી બનેલી રાજધાની દિલ્હીમાં શનિવારે નાગરિકોને થોડી રાહત મળી હતી. શનિવારની સાંજે દિલ્હીના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું હતું. શનિવારે દિલ્હીના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ હતી. 

ગાજવીજ સાથે પડયો વરસાદ

દિલ્હીના કેટલાક વિસ્તારમાં શનિવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા ધૂળની ડમરીઓ ઊડી હતી. આ કારણે થોડા સમય માટે વિઝિબિલ્ટી ઝીરો થઈ ગઈ હતી. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, 40-50 કિમી/કલાકની ઝડપથી દિલ્હીમાં પવન ફૂંકાઈ શકે છે. વાતાવરણમાં ચોમાસું માહોલ હોય એવું અંધારૂ જોવા મળ્યું હતું.વરસાદને કારણે તાપમાન એકાએક નીચું ઊતર્યું હતું. આનાથી લોકોને થોડા સમય માટે ભીષણ ગરમીમાંથી મોટી રાહત મળી હતી. દિલ્હીમાં સતત 10 દિવસ સુધી હીટવેવ બાદ વરસાદ પડતા વાતાવરણ ઠંડું થયું છે. ખાસ કરીને સાઉથ દિલ્હીના કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. હવામાન વિભાગે આગાહી કરતા ઉમેર્યું હતું કે, તા.23થી 28 મે સુધી વરસાદ ભારે પવન સાથે પડી શકે છે. આ દિવસો દરમિાયન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 

તાપ ઘટ્યો પણ બફારો યથાવત

શનિવારે બપોર બાદ દિલ્હીનું વાતાવરણ બદલાતા વરસાદ પડ્યો હતો. રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. હજુ ત્રણ દિવસ સુધી ચોમાસા જેવો માહોલ દિલ્હી શહેરમાં જોવા મળશે. ખાસ કરીને વહેલી સવારે ઠંડક વર્તાશે અને ગરમીમાંથી થોડી રાહત થશે.આ વર્ષે ઉનાળો ભારતના દરેક મહાનગર માટે આકરો રહ્યો છે. સતત તાપના કારણે દિવસ કરતા રાત પસાર કરવી અઘરી બની રહી છે. સતત બફારાને કારણે નાગરિકો પરેશાન થયા છે. દિલ્હીના આરોગ્ય વિભાગે હવામાનની આ સ્થિતિને ગંભીરતાથી લઈને ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. દિલ્હી મહાનગર જેવા શહેરમાં અનેક એવી સોસાયટીઓને જોડતા રસ્તાઓ બપોરના સમયે સુમસાન જોવા મળે છે. છેલ્લા બે દિવસથી દિલ્હીના કર્તવ્ય પથ અને સિવિલ લાઈન્સ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના સમયે આ પ્રકારના વાતાવરણને કારણે તાપ ઓછો લાગતો હતો પણ બફારાનું પ્રમાણ વધી ગયું હતું.