Sat May 23 2026

Logo

જેતપુરમાં પતરાના શેડમાં ગોંધી રખાયેલા 13 બાળમજૂરો મુક્ત, 3 માલિકો સામે ગુનો નોંધાયો

2026-05-23 21:55:20
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

જેતપુર
: રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગના કારખાનાઓમાં બાળ મજૂરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને ઉદ્યોગનગર પોલીસે સંયુક્ત રીતે ત્રણ સ્થળોએ દરોડા પાડી 13 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડથી લવાયેલા આ બાળકોને કારખાનાના પતરાવાળા શેડમાં જ ગોંધી રખાતા હતા અને તેમની પાસે સવારના 7 થી રાતના 12 વાગ્યા સુધી કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. આટલી કઠોર મહેનત વચ્ચે જમવા માટે માત્ર બે કલાકનો સમય અપાતો અને દૈનિક ફક્ત 200 રૂપિયા વેતન ચૂકવવામાં આવતું હતું. જો કોઈ બાળક રજા માંગે તો તેને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો.

આ કાર્યવાહી અંતર્ગત ટીમે નંદાનીયા નગરના શિવ ફિનિશિંગમાંથી 12-13 વર્ષના 8 બાળકો, દાતાર તકીયા પાછળના પૂર્વાંચલ ફિનિશિંગમાંથી 10-13  વર્ષના 4 બાળકો અને શાંતિવન ઉદ્યોગ નગરમાં આવેલ રવિ પ્રિન્ટ્સમાંથી 1 મળીને કુલ 13 બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. તમામ મુક્ત કરાયેલા બાળકોને સુરક્ષિત રીતે ઉદ્યોગનગર પોલીસ મથકે લાવી રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ, પોલીસે કાયદાનો ભંગ કરી બાળ મજૂરી કરાવનાર ત્રણેય કારખાનાના માલિકો નિમેષ રાદડિયા, અન્સારી અલ્તાફ હુશેન અને મીત ભુવા વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.