Sat May 23 2026

Logo
IPL 2026:

પંજાબે ફીલ્ડિંગ પસંદ કરીઃ અર્જુન તેન્ડુલકરનું આજે લખનઊ વતી ડેબ્યૂ

2026-05-23 19:38:11
Author: Ajay Motiwala
Article Image

શું પંતની ફોજ શ્રેયસની ટીમની બાજી બગાડશે?: પંજાબ આજે હારશે તો ટૂર્નામેન્ટની બહાર થશે

લખનઊઃ
પંજાબ કિંગ્સે લખનઊ સુપર જાયન્ટ્સ સામેની અત્યંત મહત્ત્વની મૅચમાં ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. પંજાબની ટીમમાં માર્કો યેનસેન અને વિજયકુમાર વૈશાકનું કમબૅક થયું છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar) આજે લખનઊની ટીમ વતી ડેબ્યૂ કરી રહ્યો છે.

લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન અગાઉ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો, પણ તેને લખનઊએ 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. જોકે આખી ટૂર્નામેન્ટમાં તેને લખનઊ (Lucknow) વતી રમવાનો એક પણ મોકો નહોતો આપવામાં આવ્યો અને છેક આજે લખનઊની અંતિમ લીગ મૅચમાં તેને રમવાની તક અપાઈ છે.

લખનઊએ અર્શિન કુલકર્ણીને પણ આજે રમવાનો મોકો આપ્યો છે. લખનઊની ટીમમાં માત્ર બે વિદેશી ખેલાડી (નિકોલસ પૂરન અને જૉશ ઇંગ્લિસ) સામેલ છે.

19મી એપ્રિલે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં લખનઊ-પંજાબ વચ્ચે આ વખતનો જે પહેલો લીગ મુકાબલો થયો હતો એમાં પંજાબે પ્રિયાંશ આર્ય અને કૂપર કૉનોલીના 87 રનની મદદથી સાત વિકેટે 254 રન બનાવ્યા હતા. વર્તમાન ટૂર્નામેન્ટમાં ઘણા દિવસ સુધી એ હાઇએસ્ટ ટીમ-સ્કોર તરીકે રહ્યો હતો. લખનઊની ટીમ પાંચ વિકેટે 200 રન બનાવી શકતા 54 રનથી હારી ગઈ હતી. લખનઊની ત્યારે એ સતત ત્રીજી હાર હતી અને એ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં આઠમા નંબરે પહોંચી ગઈ હતી અને પછીથી બહુ ઉપર આવી જ નહોતી શકી અને છેવટે 10મા સ્થાને રહી હતી. લખનઊ આજની મૅચમાં એ આઘાતનો બદલો પંજાબને હરાવીને એને પ્લે-ઑફથી વંચિત કરાવીને લઈ શકે.

લખનઊની ટીમઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), જૉશ ઇંગ્લિસ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેન્ડુલકર, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસિન ખાન. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ શાહબાઝ અહમદ, દિગ્વેશ રાઠી, એમ. સિદ્ધાર્થ, હિમ્મત સિંહ અને આકાશ સિંહ.

પંજાબની ટીમઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, કૂપર કૉનોલી, શ્રેયાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઇ, માર્કો યેનસેન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ હરપ્રીત બ્રાર, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ અને પ્રવીણ દુબે.