Wed Jun 10 2026

Logo

તમારી પાસે એમએસ ધોની છે તો પછી બીજા કોઈને શોધવાની જરૂર જ શું છે!: અશ્વિને આવું શા માટે કહ્યું?

2026-05-23 17:14:33
Author: Ajay Motiwala
Article Image

PTI


ચેન્નઈઃ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આ વખતે 14માંથી ફક્ત આઠ મૅચ જીતી અને પ્લે-ઑફ રાઉન્ડના ઘણા દિવસ પહેલાં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ એટલે એના ખેલાડીઓ ઉપરાંત કોચિંગ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને સમજી શકાય એવું છતાં થોડું ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ટીમ એમએસ ધોનીને આવનારા મહિનાઓમાં કદાચ નવા રૂપમાં જોશે એવો સંકેત આપ્યો છે.

ધોની (Dhoni) અનફિટ હોવાને કારણે આ વખતે એકેય મૅચ ન રમી શક્યો. તે મોટા ભાગની મૅચો વખતે ટીમ સાથે ડ્રેસિંગ-રૂમમાં અને ડગઆઉટમાં હતો, પણ ટીમનો પર્ફોર્મન્સ એટલો બધો નબળો હતો કે સાથી ખેલાડી તરીકેનું તેનું માર્ગદર્શન પણ ટીમને પ્લે-ઑફમાં ન પહોંચાડી શક્યું. ન્યૂ ઝીલૅન્ડનો મહાન ખેલાડી સ્ટીફન ફ્લેમિંગ ઘણા વર્ષોથી સીએસકેનો કોચ છે અને હવે તેનું સ્થાન ધોની લઈ શકે એવો ઇશારો અશ્વિને `એક્સ' પર કર્યો છે.

ધોની જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી હવે આઇપીએલમાંથી (સીએસકેમાંથી) નિવૃત્તિ લઈ લેવાનું નક્કી કરશે તો સીએસકેનું ફ્રૅન્ચાઇઝી તેને છોડશે જ નહીં અને બની શકે કે તેને કોચિંગનો રોલ ઑફર કરશે. 2026ની આઇપીએલમાં સીએસકે ખૂબ ખરાબ પર્ફોર્મ કર્યું એને પગલે અટકળ થઈ રહી છે કે આ ફ્રૅન્ચાઇઝી સ્ટીફન ફ્લેમિંગને કદાચ છૂટો કરી દેશે. ખુદ ફ્લેમિંગે તાજેતરમાં એક અભિપ્રાયમાં કહ્યું હતું કે જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ ટીમ મૅનેજમેન્ટનો હશે.

ક્રિકેટચાહકની મજાક, અશ્વિને જવાબમાં કહ્યું...

`એક્સ' પર એક ક્રિકેટચાહકે અશ્વિન (Ashwin)ની યુટ્યૂબ ચૅનલને ધ્યાનમાં રાખીને મજાકમાં લખ્યું, `સીએસકે જો સ્ટીફન ફ્લેમિંગને ગુડબાય કરવાનું નક્કી કરશે તો કોચિંગની જવાબદારી અશ્વિનને નહીં જ સોંપે, કારણકે તે ટૉસ પહેલાં જ પ્લેઇંગ-ઇલેવન જાહેર કરશે.' અશ્વિને આ ક્રિકેટપ્રેમીને જવાબમાં લખ્યું, `હું તમારી વાત સાથે બિલકુલ સહમત છું. હું અગિયાર ખેલાડીઓના નામ જાહેર કરી દઈશ અને હરીફો બૅટિંગ તથા બોલિંગના પ્લાન ધ્યાનમાં રાખી લે એની પણ તકેદારી રાખીશ. હકીકત એ છે કે આવું બધુ કરીશ તો ઍન્ટિ-કરપ્શન યુનિટ મારી ખબર લઈ નાખશે અને હું પોતે જ મારી નિષ્ફળતા આવકારીશ.'

અશ્વિને આવી વળતી પ્રતિક્રિયા વ્યક્ત કર્યા પછી ધડાકો કરતા લખ્યું, `એમએસ ધોની તમારી પાસે છે તો પછી તમે બીજા કોઈની શોધ જ શા માટે કરો છો?'