ન્યૂ યૉર્કઃ ટચૂકડા દેશો 11મી જૂને શરૂ થઈ રહેલા ફૂટબૉલ વર્લ્ડ કપ (ફિફા વર્લ્ડ કપ)ના મોટા મંચ પર ધમાલ મચાવવાની તૈયારીમાં છે. ચાર દેશ એવા છે જેમની ટીમ પહેલી જ વખત ફૂટબૉલની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં રમશે. વધુ નવાઈની વાત એ છે કે આ ચારેય દેશ આબાદીની દૃષ્ટિએ ભારતના નાના શહેરોથી પણ ઓછી છે.
ફિફા (Fifa) વિશ્વ કપના ઇતિહાસમાં પહેલી જ વખત 48 દેશની ટીમ ભાગ લેવાની છે અને એ બધામાં આ ચાર ટચૂકડા દેશોનો પણ સમાવેશ છે. અગાઉ વધુમાં વધુ 32 દેશનો વર્લ્ડ કપ રમાયો હતો, પણ આ વખતે ફિફાની યોજના મુજબ 48 ટીમ ક્વૉલિફાય થઈ છે અને એને 12 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ વર્લ્ડ કપ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં રમાવાનો છે.
કયૂરસૉ (Curacao) એવો દેશ છે જે ફિફા વર્લ્ડ કપમાં ઇતિહાસ સર્જવાનો છે. આટલા નાના દેશે અગાઉ ક્યારેય ફૂટબૉલ વર્લ્ડ કપમાં ભાગ નહોતો લીધો. કૅરિબિયન સમુદ્રમાં સ્થિત ટચૂકડા ટાપુ સમાન કયૂરસૉની આબાદી તથા વિસ્તાર ભારતના નાના શહેરોથી પણ ઓછી છે. આ નાના દેશની આબાદી 1.60 લાખ છે. એના ગ્રૂપ-ઇમાં જર્મની જેવી ધરખમ ટીમ છે. આ ગ્રૂપની બાકીની બે ટીમ આઇવરી કોસ્ટ અને ઇક્વેડોર છે.
ફિફા વર્લ્ડ કપનો બીજો ટચૂકડો દેશ છે કેપ વર્ડે. ઍટલાન્ટિક મહાસાગરમાં પશ્ચિમી કિનારા નજીક સ્થિત આ દેશ એવો છે જે 10 જ્વાળામુખીના સમૂહ સમાન ગણાય છે. મોટી ટીમોને પાછળ રાખીને આ દેશે ફિફા વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું છે. એના ગ્રૂપ-એચમાં સ્પેન, સાઉદી અરેબિયા અને ઉરુગ્વે છે.
મધ્ય પૂર્વનો જોર્ડન દેશ પણ આ વખતના વર્લ્ડ કપમાં ભાગ લેશે. એ દેશે એશિયા કપના શાનદાર પર્ફોર્મન્સ બદલ વિશ્વ કપમાં સ્થાન મેળવ્યું છે. આ દેશના ગ્રૂપ-જેમાં આર્જેન્ટિના, અલ્જિરિયા અને ઑસ્ટ્રિયા જેવા ધરખમ દેશો છે.
ચોથો નાનો દેશ છે, ઉઝબેકિસ્તાન. મધ્ય એશિયાના આ દેશની ટીમ અગાઉ ઘણી વખત ફિફા વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવાની નજીક આવી ગઈ હતી, પરંતુ દરેક વખતે ચૂકી ગઈ હતી. જોકે 2026માં એનું સપનું સાકાર થઈ રહ્યું છે અને એના ગ્રૂપ-કેમાં પોર્ટુગલ, કોલમ્બિયા અને ડીઆર કૉન્ગો સામેલ છે.