Wed Jun 10 2026

Logo

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસવે પર પત્ની-બાળકોની નજર સામે જ પતિ ભડથું થઈ ગયો, જાણો વિગત

2026-06-10 10:21:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત સર્જાયો હતો. જેમાં પત્ની અને બાળકોની નજર સામે જ પતિ ભડથું થઈ ગયો હતો. પીકઅપ વાહનની પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી.

મળતી વિગત પ્રમાણે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક   પીકઅપ વાહનની પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી. જેના કારણે કારમાં આગ લાગી હતી. કારના ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતાં તે આગની જ્વાળામાં હોમાઈ ગયો હતો. જ્યારે કાર ચાલકના માતા, પત્ની અને બાળકો બહાર નીકળી ગયા હતા. પરિવારની સામેજ જીવતો ભૂંજાઈ જતાં આભ તૂટી પડ્યું હતું. 

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે આવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. 

મૂળ મહુવાના અને હાલ મહેસાણાના પિલવાઈ ગામે રહેતા સવિતાબેન પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના દીકરી, જમાઈ જગદીશભાઈ, વેવાણ અને ત્રણ બાળકો ઈકો કાર લઈને પિલવાઈ ગામે મહેમાનગતિએ આવ્યા હતા. 9 જૂનના રોજ આખો પરિવાર ઈકો કારમાં પિલવાઈથી વડોદરા જવા નીકળ્યો હતો. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક કટ નજીક એક બોલેરો પીકઅપનો ડ્રાઈવર હાઈવેની પહેલી લેનમાં જ પૂરઝડપે રિવર્સ ગાડી ચલાવી રહ્યો હતો. જેના કારણે પાછળથી આવતી ઈકો કાર આ પીકઅપ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત થતાં જ ઈકો કારમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ હતી. કારમાં સવાર સવિતાબેન, તેમની દીકરી, વેવાણ અને ત્રણેય બાળકો સમયસર કારમાંથી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. પરંતુ, કાર ચલાવી રહેલા જમાઈ જગદીશભાઈનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ ગયો હતો. તેઓ બહાર ન નીકળી શક્યા અને આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખા પરિવારની નજર સામે જ તેઓ કારની અંદર ભડથું થઈ ગયા અને તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.