Wed Jun 10 2026

Logo

ભંગારમાં મોતનો સામાન: ગાંધીધામના મીઠીરોહરમાં જીવંત હેન્ડ ગ્રેનેડ મળતાં ભારે ખળભળાટ!

2026-06-10 09:54:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામ સંકુલના મીઠીરોહર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ભંગારના ઢગલામાંથી આર્મી ગ્રેડનો જીવંત હેન્ડ ગ્રેનેડ બોમ્બ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ભયનો માહોલ પ્રસરી ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મીઠીરોહર સીમમાં પ્લોટ નંબર ૩૨૭માં આવેલી ‘મિલ સ્કેલ’ બનાવતી કંપનીમાં ગત સાંજે શ્રમિકો રોજિંદી કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન લોખંડના ભંગારના જથ્થામાંથી એક ગોળાકાર શંકાસ્પદ લોખંડની વસ્તુ નજરે ચડી હતી. કંપનીના કર્મચારી પ્રકાશ ગોવિંદ રાણાને આ વસ્તુ બોમ્બ જેવી લાગતાં તેમણે તુરંત ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પી.આઈ. એસ.વી. ગોજિયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગોદામને કોર્ડન કરી લીધું હતું.

તાબડતોબ ભુજથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને એફ.એસ.એલ.ની નિષ્ણાત ટીમોને બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આ વસ્તુ આશરે વર્ષ ૧૯૬૦-૬૫ની આર્મી બનાવટનો અત્યંત જોખમી હેન્ડ ગ્રેનેડ હોવાનું સ્પષ્ટ થયું હતું. બોમ્બ સ્ક્વોડની ટીમે ભારે જહેમત બાદ આ જીવંત બોમ્બને સુરક્ષિત રીતે ડિફ્યુઝ કરી વધુ જોખમ ટાળ્યું હતું. ત્યારબાદ મેટલ ડિટેક્ટરની મદદથી આખા ગોદામમાં અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી છે કે કેમ તેની સઘન તપાસ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ગાંધીધામ અને કંડલા પંથકના ઔદ્યોગિક એકમોમાં વિદેશોમાંથી મોટા પાયે લોખંડનો ભંગાર આયાત કરવામાં આવે છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ જીવંત બોમ્બ પણ ભંગારની આયાત સાથે જ અહીં આવી ગયો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આથી, પોલીસે આ ભંગાર કયા દેશમાંથી અને કઈ એજન્સી મારફતે આયાત કરાયો હતો તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મીઠીરોહર વિસ્તારની ફેક્ટરીઓમાંથી હજારો કિલો વજનના યુદ્ધમાં વપરાતા જૂના ફૂટેલા સેલ મળી ચુક્યા છે, ત્યારે વારંવાર આવી વિસ્ફોટક વસ્તુઓ મળી આવવી તે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા અને શ્રમિકોના જીવ માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે.

(ઉત્સવ વૈદ્ય)