નવોદિત અર્શદ ખાનની 49મી ઓવરમાં છેલ્લી ત્રણેય વિકેટ પડી
દામ્બુલાઃ તિલક વર્માના નેતૃત્વમાં અહીં મંગળવારે ઇન્ડિયા-એની શ્રીલંકા-એ સામેની વન-ડે મૅચ આઇપીએલની ટી-20 મુકાબલા જેવી અત્યંત રોમાંચક થઈ ગઈ હતી અને એમાં ભારતીય ટીમે મૅચની છેલ્લી પળોમાં ભારે રસાકસી વચ્ચે વિજય મેળવ્યો હતો. નવોદિત પેસ બોલિંગ ઑલરાઉન્ડર અને તાજેતરની આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી રમનાર અર્શદ ખાન (Arshad Khan) છેલ્લા તબક્કાનો સુપરહીરો હતો. તેની 49મી ઓવરમાં શ્રીલંકા-એની અંતિમ ત્રણે ત્રણ વિકેટ પડતાં ભારતીય ટીમને દિલધડક વિજય અપાવ્યો હતો.
ઇન્ડિયા-એની ટીમે છ વિકેટે 277 રન બનાવ્યા બાદ શ્રીલંકા-એને જીતવા 278 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેમણે 93મા રને પ્રથમ વિકેટ ગુમાવી હતી અને ત્યાર પછી કેટલીક નાની-મોટી ભાગીદારીની મદદથી વિજયની આશા છેક સુધી જીવંત રાખી હતી. 48મી ઓવરમાં અંશુલ કમ્બોજે કૅપ્ટન સહાન અરાચ્ચિગે (74 રન)ને ક્લીન બોલ્ડ કરીને વાનુજા સહાન સાથેની પચીસ રનની ભાગીદારી તોડી હતી. એમ છતાં શ્રીલંકન ટીમના વિજયની સંભાવના પ્રબળ હતી, કારણકે ત્યારે ટીમનો સ્કોર 262/7 હતો અને તેમણે જીતવા 16 બૉલમાં 16 રન બનાવવાના હતા. જોકે કૅપ્ટન તિલક વર્માએ 49મી ઓવર અર્શદ ખાનને આપી હતી જેમાં તેણે બે વિકેટ લીધી હતી અને ત્રીજો બૅટ્સમૅન રનઆઉટ થયો હતો અને શ્રીલંકન ટીમ ઑલઆઉટ થઈ જતાં ભારતીય ટીમનો આઠ રનથી વિજય થયો હતો.
અર્શદ ખાન તેમ જ બીજા નવોદિત ખેલાડી અનુકૂલ રૉય, આયુષ બદોની અને વિપ્રજ નિગમે બે-બે વિકેટ તથા અંશુલ કમ્બોજે એક વિકેટ લીધી હતી. શ્રીલંકન ટીમ ભારતના સાત બોલરના આક્રમણને લીધે છેવટે હારી ગઈ હતી.
ગાયકવાડની સેન્ચુરી, તિલક સાથે 148ની ભાગીદારી
એ પહેલાં, ઇન્ડિયા-એ ટીમ વતી ઋતુરાજ ગાયકવાડે (101 રન, 114 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) સદી ફટકારી હતી. તેની અને કૅપ્ટન તિલક રાજ (60 રન, 97 બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 180 બૉલમાં 148 રનની ભાગીદારી થઈ હતી.
વૈભવ સૂર્યવંશીના 14 રન અને એક કૅચ
વૈભવ સૂયવંશી માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના સાથી ઓપનર પ્રભસિમરન સિંહ (બે રન)નું યોગદાન પણ સારું નહોતું. ભારતીય ટીમનું ઓપનિંગ સારું નહોતું, પણ મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોએ નાની-મોટી ભાગીદારીથી ટીમને 6/277નો સ્કોર અપાવ્યો હતો. પછીથી સૂર્યવંશીએ અનુભવી શ્રીલંકન બૅટ્સમૅન અવિષ્કા ફર્નાન્ડો (45 રન)નો કૅચ ઝીલીને શ્રીલંકન ટીમની 93 રનની ઓપનિંગ પાર્ટનરશિપ તોડાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.