Wed Jun 10 2026

Logo

કઈ રીતે થાય એનો પ્રયોગ?

2026-06-10 12:54:00
Author: Kishor Vyas
Article Image

કચ્છી ચોવક - કિશોર વ્યાસ

ચોવકોની મજા માણતાં માણતાં, આપણે ક્યારેય બોલચાલમાં તેનો ઉપયોગ કર્યો છે? અથવા તેનો ઉપયોગ ક્યારે કે કેવી રીતે થઈ શકે તેવું પણ વિચાર્યું છે ક્યારેય? એ તો હકીકત છે કે મોટાભાગે ચોવકનો પ્રયોગ કોઈ વાતના સમર્થન માટે કે તેને પુષ્ટિ આપવા માટે અથવા તો કોઈ વાતનો વિરોધ કરવા કે પછી વાતનું ખંડન કરવા માટે થતો હોય છે. એ અલગ વાત છે કે ચોવકોમાં તત્ત્વજ્ઞાન કે બોધનો અર્ક પણ જોવા મળે છે.

તો ચાલો, મારાથી જ ઉદાહરણની શરૂઆત કરું! ‘મુંબઈ સમાચાર’માં ‘કચ્છી ચોવક’ની કૉલમ શરૂ થઈ તેને ઘણાં વર્ષો થઈ ગયાં છે, હજુ પણ ઘણા ફોનમાં ‘મજા અચેતી’ ‘ઘચ જેડો જાણેલા ક માણેલા મિલેતો’ આવું વાચકો કહેતા હોય છે પણ ‘કોય હજી કોડા નાંય કઢેં !’  બસ, આ રીતે થાય છે, વાતચીતના વ્યવહારમાં ચોવકનો પ્રયોગ! ‘કોડા નાંય કઢે’નો અર્થ થાય કોઈ ગુસ્સે નથી થયું. ઘણા તો ચોવકનો પ્રયોગ કરીને કહે છે કે ‘વાંચીને અખમેં અમી અચેંતા’ એટલે કે આનંદ આવે છે. આમ અત્યંત સહજતાથી ચોવકો બોલચાલમાં સ્થાન લઈ શકે છે!

સમાજમાં કે સંસારમાં રાજીપો અને નારાજગી નામનાં પરિબળો આપણને સૌને વિંટળાઈ વળતાં હોય છે. કેટલોક રાજીપો આંખમાં હરખનાં આંસુ આવે ને વ્યક્ત થાય છે, જ્યારે કેટલીક નારાજગી અત્યંત અસહ્ય બની જતી હોય છે. જેના લીધે નારાજગી પેદા થઈ હોય છે તેવી વ્યક્તિ માટે મોઢામાંથી શ્રાપ આપવા જેવા શબ્દો નીકળી જતા હોય છે. આવા શબ્દોને કચ્છીમાં ‘પિટણાં ડીંણા’ એવું કહેવાય છે. આવા ‘પિટણાં’ માટે પણ કચ્છમાં કેટલીક ચોવકોનો ઉપયોગ થતો હોય છે. જેમ કે ‘અજ મરેં ત સવારે બ ડીં થિયેં’ સરળ શબ્દાર્થ એવો થાય છે કે ‘આજ મરે તો કાલે બે દિવસ થાય’ મતલબ કે ‘જાન છૂટે’ અથવા ‘તું મરી જા તો પણ મને  દુ:ખ નહીં થાય’! જેને આ ‘પિટણાં’ દેવાતાં હોય છે તેણે દેનારનું એટલું દિલ દુભાવ્યું હોય છે કે સહન ન થાય!

કોઈ આવાં ‘પિટણાં’ આપે ત્યારે કાંઈ સાચી વ્યક્તિ થોડી શાંત બેસી રહે? બન્ને જણ સામ સામે એક-બીજાને કદુવા આપે એવું પણ બને છે. વાંચો આ બે ચોવકો: ‘અભલો વડો થિંધો તડેં શેર જા  ત્રે પાડીંધો.’ તો સામેવાળો જવાબમાં કહે: ‘અલ્લા કંધો એડો જ વેંધો.’ ચોવકમાં સામી વ્યક્તિના સંતાનને નામ આપ્યું ‘અભલો’ અને કહ્યું કે અભલો મોટા થશે ત્યારે શેરના પાશેર કરશે! એટલે કે ઉઠમણું કરશે! તો, સામી વ્યક્તિ પણ એવાં જ ‘પિટણાં’ દ્વારા કહે છે કે, ‘ભગવાન કરશે તો તારું પણ એવું જ થશે’ એટલે કે નખ્ખોદ જશે! આવા ક્ષુલ્લક ઝઘડામાં પણ ચોવકો વપરાતી હોય છે.

આવા સંવાદો જ્યારે ચોવકના પ્રયોગ સાથે થતા હોય છે ત્યારે ઘણી વખત તેમાંથી હાસ્ય પણ ઉપજતું હોય છે, કારણ કે ચોવકમાંથી ઊંડો અને ધારો તેવો અર્થ નીકળી શકે તેવું તેનું કાઠું હોય છે. એક પરિવારમાં પત્ની તેના પતિને વારંવાર ટોણો મારતાં કહે: ‘આખર ક્યાં ન નોં નોં જા બ?’ એ કંઈ પણ કરે તો પત્ની આવો ટોણો, આ ચોવક દ્વારા મારે! એક વખત એ ભાઈ મને મળી ગયા અને પૂછ્યું: ‘નોં નોં જા બ’નો અર્થ શું થાય? મેં કહ્યું કે, ‘કામમાં ભલીવાર ન હોય’ તો આ ચોવક દ્વારા ટોણો મારવામાં આવે! એ ભાઈ વિચારમાં પડી ગયા એટલે મેં પૂછયું: ‘કો, કિં ઘોટ્ટ આય?’ (કેમ કાંઈ મૂંઝવણ છે?) ત્યારે તેણે કહ્યું કે મને સમજ નથી પડતી કે હું જે કંઈ કામ કરું મારી પત્ની મને એમ જ કીધે રાખે છે ‘આખર ક્યાં ન નોં નોં જા બ! પછી, એ મને કહે કે, એકવાર તો મેં પૂછ્યું મારી પત્ની ને કે તું કાયમ મને એમ જ કહ્યા કરે છે? ત્યારે તેણે જવાબમાં પૂરા નવ મહિને વારા ફરતી જન્મેલાં બે સંતાનો સામે આંગળી ચિંધી મોટેથી હસી પડતાં બોલી: બોલો, આ નથી તમારાં ‘નવ’ ‘નવ’નાં બે? હવે, હસવાનો વારો મારો હતો. હવે પૂરા દિવસે, બે સંતાનો જન્મે તેમાં તેનો પતિ શું કરી શકે? પણ, એ બહેન એ ચોવક દ્વારા તેના પતિને દબડાવતી જ રહી!

કેટલી લાંબી ચાલી એ ચોવકની અસર? એટલા માટે જ કહેવાય છે કે ‘મીં વસે બ ઘડિયૂં, છનૂં ત્રિમે છ ઘડિયું’ વરસાદ તો થોડી વાર જ ચાલુ રહે પણ ઘરનાં નેવાં તો ત્યાર પછી પણ નીતર્યાં કરતાં હોય છે! ચોવકોનું પણ એવું જ છે, તેનો આ લક્ષ્યવેધી ઉપયોગ થયો હોય તો, લાંબા સમય સુધી રહે છે!