Wed Jun 10 2026

Logo

અમદાવાદમા પોશ વિસ્તારમાં બંગલા બહાર ગેમ રમતા માસૂમ પર કૂતરાનો હુમલો, જાણો વિગત

2026-06-10 14:01:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં કૂતરાના હુમલાની વધુ એક ઘટના સામે આવી હતી. વસ્ત્રાપુર વિસ્તારમાં લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા યુવકના દીકરા પર સોસાયટીમાં ખુલ્લા ફરતા રોટવિલરે હુમલો કર્યો હતો. બાળક બંગલાની બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમતો હતો, ત્યારે કૂતરાએ હુમલો કરતા બાળકના માથામાં અને આંખ પર ઇજા પહોંચી હતી.

મળતી વિગત પ્રમાણે, વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતો યુવક તેના 9 વર્ષના પુત્રને લઈ બંગલાનું કામકાજ કરવા ગયો હતો. દીકરાને બંગલાની બહાર બેસાડ્યો હતો. તેનો દીકરો મોબાઈલમાં ગેમ રમતો હતો. થોડાવારમાં કોઈને આવીને તેમના દીકરાને કૂતરું કરડ્યું હોવાની જાણ કરી હતી. તેમણે બહાર આવીને જોયું તો દીકરાના માથાના ભાગેથી લોહી નીકળતું હતું અને આંખ નજીક પણ નખ વાગ્યાના નિશાન હતા.

તપાસ કરતાં આ કૂતરું સોસાયટીમાં રહેતા એક મહિલાનું હોવાનું અને છૂટું મૂક્યાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ સોસાયટીના લોકોએ જણાવ્યું કે, મહિલા તેના કૂતરાને ખુલ્લું રાખતી હતી. તેમજ ગાર્ડનમાં પણ લઈ જતા હતા, જેના કારણે બાળકો ગભરાતા હતા. એક વખત અચાનક કૂતરું ભસતા એક મહિલા બાંકડા પરથી પડી ગયા હતા અને હાથમાં ઈજા પહોંચી હતી. 

કૂતરાના માલિકે જણાવ્યું કે, હું મારા ડોગને સાથે બાંધીને લઈ ગઈ હતી અને પરત લાવી રહી હતી ત્યારે ડોગે આ બાળક પર હુમલો કર્યો હતો. હુમલો કરતા બાળકને માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી હું અને મારા પતિ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અગાઉ પણ આવી ઘટના બની છે. જાન્યુઆરી 2026માં બોપલમાં કૂતરાએ મહિલા પર હુમલો કર્યો હતો. મહિલા જ્યારે પોતાના ફ્લેટની સીડીઓ ચઢી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સોસાયટીના જ અન્ય એક ફ્લેટમાં રહેતો પરિવાર પોતાના પાલતુ શ્વાનને નીચે લઈ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક શ્વાને મહિલા પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગત વર્ષે હાથીજણ વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. એક પાલતુ કૂતરાએ 4 મહિનાની નાનકડી બાળકી પર હુમલો કર્યો હતો. એક યુવતી તેના પાલતુ કૂતરાને લઈને રેસિડન્સીના પરિસરમાં બહાર નીકળી હતી. યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતી અને આ દરમિયાન તેનું ધ્યાન કૂતરા પરથી હટી ગયું હતું. આ અવસરનો લાભ લઈને કૂતરું તેના હાથમાંથી છૂટી ગયું અને નજીકમાં રમી રહેલી 4 મહિનાની બાળકી પર તૂટી પડ્યું હતું. કૂતરાએ બાળકી પર આક્રમક રીતે હુમલો કર્યો હતો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.  ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.