Wed Jun 10 2026

Logo

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ફિચે નાણાકીય વર્ષ 2027નાં જીડીપીનો અંદાજ ઘટાડીને 6.4 ટકા કર્યો

2026-06-09 19:53:20
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં આગામી સપ્ટેમ્બર અને ડિસેમ્બર અંતનાં ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ મંદ પડવાની શક્યતાને ધ્યાનમાં લેતા અગ્રણી રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ માટે દેશનાં આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.7 ટકા મૂક્યો હતો તે ઘટાડીને 6.4 ટકા કર્યો છે. 

ફિચે જણાવ્યું હતું કે અમારા મતે વર્તમાન નાણાકીય વર્ષમાં ક્રૂડતેલના ભાવમાં વધારો, વાસ્તવિક આવકમાં ઘટાડો, ગ્રાહકની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની સાથે મૂડીગત્‌‍ ખર્ચ જળવાઈ રહેવાને કારણે દેશનો આર્થિક વૃદ્ધિદર જે આગલા નાણાકીય વર્ષ 2026માં 7.4 ટકાની સપાટીએ હતો તેની સામે મંદ પડશે. આથી અમે ગત માર્ચ મહિનામાં મૂકેલા અંદાજની તુલનામાં 0.3 બેસિસ પૉઈન્ટ ઘટાડીને 6.4 ટકાનો મૂક્યો છે. એકંદરે વૃદ્ધિનું મુખ્ય પરિબળ સ્થાનિક માગ જ રહેશે, પરંતુ વાસ્તવિક ધોરણે ઓછી આયાત ચોખ્ખી બાહ્ય માગમાંથી વૃદ્ધિમાં સકારાત્મક યોગદાન સૂચવે છે, એમ ફિચ રેટિંગ્સે તેનાં જૂન મહિનાના ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ પણ વર્તમાન નાણાકીય વર્ષ માટેનાં વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 6.6 ટકા અને ફુગાવાનો અંદાજ વધારીને 5.1 ટકા કર્યો હતો. 
રેટિંગ્સ એજન્સીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2027નાં બીજા અને ત્રીજા ત્રિમાસિકગાળામાં ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવ વધારાને કારણે ઈંધણના ભાવ વધી આવવાની સાથે વાસ્તવિક આવકો અને ગ્રાહકોની ખરીદશક્તિમાં ઘટાડો થતાં આર્થિક મંદીની અસર જણાશે. ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લાં થોડા સપ્તાહ દરમિયાન બન્ને ઈંધણના ભાવમાં ચારથી પાંચ ટકાનો વધારો થયો છે. 

જોકે, નાણાકીય વર્ષ 2028માં ઈંધણના આંચકાઓ હળવા થવાની સાથે ગ્રાહકોની ખરીદશક્તિ અને રોકાણમાં વધારો થવાથી આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેશે અને ત્યાર બાદ નાણાકીય વર્ષ 2027 માટે 6.4 ટકા આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ફિચે મૂક્યો છે.

અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફિચે વર્ષ 2026 માટે વૈશ્વિક વૃદ્ધિદરનો અંદાજ પણ જે અગાઉના અંદાજની તુલનામાં 0.2 બેસિસ પૉઈન્ટ ઘટાડીને 2.4 ટકા મૂક્યો છે. ક્રૂડતેલના ભાવવધારાનાં આંચકાથી વૈશ્વિક વૃદ્ધિની સંભાવનાઓ પર માઠી અસર પડી છે અને વૃદ્ધિ ઘટવાનું જોખમ વધી રહ્યું છે, પરંતુ વૈશ્વિક સ્તરે આઈટી ક્ષેત્ર પાછળ વધી રહેલા ખર્ચને ધ્યાનમાં લેતા અમે સ્પષ્ટ તેજી જોઈ રહ્યા છીએ.

તેને કારણે ખાસ કરીને એશિયામાં પ્રવૃત્તિઓ પરની અસર હળવી થશે, એમ ફિચના ચીફ ઈકોનોમિસ્ટ બ્રિઆન કોલ્ટને જણાવ્યું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ હજુ 14 સપ્તાહ બંધ રહેશે અને જુલાઈ સુધી ખૂલે તેવી શક્યતા ન હોવાથી ફિચે વર્ષ 2026 માટેનાં ક્રૂડતેલના સરેરાશ ભાવનો અંદાજ જે ગત માર્ચ મહિનામાં બેરલદીઠ 70 ડૉલરનો મૂક્યો હતો તે વધારીને 87 ડૉલર કર્યો છે. ક્રૂડતેલના વધતા ભાવ વૈશ્વિક વૃદ્ધિ સામેનો મજબૂત પડકાર છે, પરંતુ તેનો બેઝ કેસ વર્ષ 1970નાં દાયકાના વિનાશક આંચકા કરતાં ઘણો ઓછો ગંભીર છે. વર્ષ 1979માં તેલની વાસ્તવિક કિંમત બેરલદીઠ 170 ડૉલર (વર્તમાન કિંમતો મુજબ) સુધી પહોંચી હતી અને ઓપેકે તે સમયે ખૂબ અલગ ભૂમિકા ભજવી હતી. જોકે, હવે વૈશ્વિક જીડીપીમાં તેલના વપરાશનો હિસ્સો વર્ષ 1980ની સરખામણીમાં અડધો થઈ ગયો છે.