નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની)માં અમેરિકાના અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. આ દાવા બાદ અમેરિકાએ મંગળવારે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ, ઈરાનનો દાવો છે કે અમેરિકાના અપાચે હેલિકોપ્ટરને તેમણે નથી તોડી પાડ્યું. સાથે જ ઈરાને એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા આ ઘટનાનું બહાનું બનાવીને તેમના પર હુમલા કરી રહ્યું છે.
માહિતી અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ અમેરિકી નૌસેનાના એક ડ્રોન બોટ ઓપરેશને ક્રૂના બંને સભ્યોને સુરક્ષિત બચાવી લીધા હતા. શરૂઆતમાં આ દુર્ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ તે પછી ટ્રમ્પે સીધો ઈરાન પર હેલિકોપ્ટર તોડી પાડવાનો આરોપ લગાવી દીધો.
ઇરાન પર હુમલાનો ત્રીજો તબક્કો
અમેરિકી મીડિયાના અહેવાલો મુજબ, એક અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે ઈરાન પર હુમલાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકી સેનાએ ઈરાન સામે નવા હુમલા શરૂ કરી દીધા છે અને આ સૈન્ય કાર્યવાહી હજી પણ ચાલુ છે.
'આ હુમલા ઈરાન માટે ચેતવણી'
અહેવાલો અનુસાર, એક અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે તાજેતરમાં કરાયેલા હુમલા ઈરાનને ચેતવણી આપવા માટે કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ હુમલાઓથી યુદ્ધનો અંત લાવવા માટે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર પડવાની આશંકા નથી.
ઈરાને અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા
હવે ઈરાને પણ અમેરિકી સૈન્ય મથકો (બેઝ) પર હુમલા શરૂ કર્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાનની ટોચની સંયુક્ત સૈન્ય કમાન (Top Joint Military Command) 'ખતમ અલ-અંબિયા'એ જણાવ્યું છે કે, 'દક્ષિણ ઈરાનમાં અમેરિકાની આક્રમકતા'ના જવાબમાં આ વિસ્તારમાં આવેલા કેટલાક અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
ઈરાનમાં ચારેય તરફ વિસ્ફોટોનો અવાજ
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનના કેશમ ટાપુ (Island) પર ફરીથી ધડાકાનો અવાજ સંભળાયો છે. આ સાથે જ બંદર અબ્બાસમાં પણ સતત કેટલાક વિસ્ફોટોના અવાજ સાંભળવા મળ્યા છે. આ સિવાય ઈરાનના સિરિક વિસ્તારમાં પણ વધુ એક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
અમેરિકાના હુમલા બાદ ઈરાનની કડક ચેતવણી
અમેરિકાની આ સૈન્ય કાર્યવાહી બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી (Abbas Araghchi) એ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો અમેરિકા સુરક્ષિત રહેવા માંગતું હોય, તો તેણે પર્શિયન ગલ્ફ (ફારસની ખાડી) વિસ્તારમાંથી બહાર નીકળી જવું જોઈએ.