Wed Jun 10 2026

Logo

સમુદ્રમાં ‘ડાર્ક શિપિંગ’નો ખેલ: હોર્મુઝની ખાડીમાં કેમ અદ્રશ્ય થઈ રહ્યા છે ઓઈલ ટેન્કર્સ?

Dubai   2026-06-09 17:23:39
Author: mumbai samachar team
Article Image

દુબઈઃ અમેરિકા-ઈરાન અને ઈઝરાયલ વચ્ચે થયેલા યુદ્ધને 100 દિવસ પૂરા થઈ ગયા છે, હજુ પણ છૂટાછવાયા હુમલા ચાલુ જ છે. આ કારણે સમગ્ર મિડલ ઈસ્ટનો માહોલ તણાવગ્રસ્ત બની ગયો છે. આ યુદ્ધના કારમે સમુદ્રના રસ્તેથી થતી અનેક એવી કોમોડિટીની સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ક્રૂડના ભાવ આસમાને પહોંચતા પેટ્રોલ-ડીઝલ તથા ગેસ મોંઘા થયા છે તો બીજી તરફ મોંઘવારીએ અનેક એવા મધ્યમવર્ગના પરિવારના બજેટમાં અણધાર્યા ગાબડા પાડ્યા છે. હવે સમુદ્રી રસ્તે થનારા વેપારની શૈલી બદલી રહી છે. હોર્મુઝ જળમાર્ગ પર લટકતી તલવારને કારણે અનેક એવી શિપિંગ કંપનીઓએ વૈકલ્પિક માર્ગ અપનાવ્યો છે.

ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરવાથી ફાયદો?
દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ અને ગેસ પહોંચાડનારા વિશાળ કદના જહાજ હવે રડારમાંથી બચીને ચાલી રહ્યા છે. આ માટે જળમાર્ગ બદલવો પડે તો સુરક્ષિત રીતે બદલી દે છે. ખાસકરીને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થનારા ઓઈલ ટેન્કર પોતાની ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દે છે, જેથી કરીને એમના જહાજ પર કોઈ રીતે હુમલો ન થાય. શિપિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાંતોનું એવું માનવું છે કે, ડાર્ક શિપિંગ હવે કોઈ નવી વાત નથી, આ હવે કામ કરવાનો માટેનો વધુ એક વિકલ્પ બની ગયો છે. ખાસ કરીને UAE, કતાર, સાઉદી અરેબિયા તથા દુબઈ જેવા મોટા ક્રૂડ ઓઈલના ઉત્પાદકોની રાષ્ટ્રીય કંપનીઓના જહાજ પણ હવે આ રણનીતિને ફોલો કરતા થયા છે. આ પાછળનું એક કારણ એ છે કે, આવા જહાજ પર હુમલો થાય એ કોઈને પોસાય એમ નથી. આર્થિક રીતે નુકસાન થાય અને ક્રૂડ ઓઈલ બગડે એ પરવડે એમ નથી. 

નિયમ શું છે?
આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિહારના નિયમ અનુસાર ઓટોમેટિક શિપિંગ ટ્રેકિંગ સિસ્ટમ સતત ચાલું રહેવી જોઈએ. ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી જહાજ પસાર થઈ રહ્યું હોય ત્યારે. આ સિસ્ટમ જ્યારે બંધ કરી દેવામાં આવે છે ત્યારે જહાજ સમુદ્રી જળમાર્ગમાંથી કે ચોક્કસ રૂટ પરથી સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઈ જાય છે. રડારમાં એનું ટ્રેકિંગ થતું નથી. જીપીએસ એક્ટિવ હોવા છતા એ સિગ્નલ રડાર સુધી પહોંચતા નથી. હોર્મુઝ જેવા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તા પર ઘણીવાર અન્ય જહાજ સાથે ટક્કર થવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. યુદ્ધ જેવી સ્થિતિમાં આ ડરથી અનેક શિપિંગ કંપનીઓ ફફડી ઊઠે છે. એક રિપોર્ટ અનુસાર ક્રૂડ ઓઈલ, પેટ્રોલ-ડીઝલ, ગેસ, જેટ ફ્યુઅલ તથા LNG લઈને જતા જહાજ આ જ પોલિસીને અનુસરે છે. મિડલ ઈસ્ટમાં હુમલાઓને કારણે ભારત માટે પણ ક્રૂડ ઓઈલ, LNG તથા LPG લઈને આવતા જહાજોની ખેપ સામે જોમખ ઊભું થયું હતું. 

જોખમ કેટલું?
આ માહોલ વચ્ચે ભારત માટે આવતા જહાજની ખેપ કોઈ કારણે ક્યારેક લાંબા સમય સુધી અટવાઈ જાય છે.ભારત પાસે સોનાની ખાણ નથી અને તેલના કોઈ કુવા નથી. કુલ જરૂરિયાતનો 40 ટકા LNG અને 60 LPGનો સ્ટોક આયાત કરવામાં આવે છે. રિપોર્ટમાંથી એક વાત પણ મળી છે કે, ક્રૂડ ઓઈલની સાથે હવે અન્ય ઉત્પાદન જેવા કે, ક્લિન પેટ્રોલ, ડીઝલ, ગેસ, રસોઈનું તેલ લાવતા જહાજ પણ ડાર્ક રૂટ કે ડાર્ક મોડનો ઉપયોગ કરીને ભારતીય સમુદ્ર કિનારા સુધી પહોંચે છે. પણ ક્યારેક રડારમાંથી અચાનક ગાયબ થવાનું જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને રાતના સમયે આગળ વધવામાં જ્યારે આગળ જહાજ હોય તો અણધારી ટક્કર ઓચિંતી મુશ્કેલી નોતરી શકે છે.