Wed Jun 10 2026

Logo

સિક્વલ ફિલ્મની સીરિઝઃ કોમેડી અને દેશભક્તિના રંગથી ભરપૂર રહેશે આ ફિલ્મો, આવારાપન-2 અલગ પડશે

2026-06-10 09:42:00
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ આ વર્ષે બોલિવૂડની મોટાભાગની ફિલ્મો સિક્વલ છે. અગાઉ આવી ચૂકેલી ફિલ્મમાં નવા વિષય સાથે સિક્વલ ફિલ્મો આવી રહી છે. જુન મહિનામાં આ સિક્વલ ફિલ્મોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. કેટલીક ફિલ્મના ફર્સ્ટલૂક આવ્યા છે તો કોઈ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 'ધમાલ', 'બટવારા', 'આલ્ફા' અને 'આવારપન-2' જેવી ફિલ્મો આવી રહી છે. 'ધમાલ-4'ની વાત કરીએ તો આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં અજય દેવગન, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી જેવા કોમેડી કલાકાર લીડ રોલ પ્લે કરી રહ્યા છે. પહેલા ભાગમાં સંજય દત્તના રોલના સૌથી વધારે વખાણ થયા હતા, એ ફિલ્મમાં અસરાનીએ પણ સારી એવી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું ટ્રેલર 12 જુને રિલીઝ થઈ રહ્યું છે. 

કોમેડી ફિલ્મનો ડોઝ
પોસ્ટર તો સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947'નું પણ જોવા મળ્યું છે. દેશભક્તિના રંગને ફરી રંગાવતી ફિલ્મમાં જુની જોડી જોવા મળશે. સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા. આ ફિલ્મ આમીર ખાન પ્રોડ્યુસ કરે છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે એટલે આ ફિલ્મનું ટ્રેલર ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આલિયા ભટ્ટની ફિલ્મ 'આલ્ફા' 10 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આલિયા સાથે શરવરી વાઘ લીડ પાત્ર પ્લે કરી રહી છે. અક્ષય કુમારની કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ જંગલ' 26 જુને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર 11 જુને રિલીઝ થશે. અહમદ ખાને આ ફિલ્મ બનાવી છે. ખૂબ મોટી સ્ટારકાસ્ટ જંગલની થીમ અને એમાં પણ ભોજપુરી તડકો એક અલગ અદાજ રજૂ કરશે. 'ભારત ભાગ્ય વિધાતા' સત્ય ઘટનાથી પ્રેરિત કંગના રનૌટની ફિલ્મ 12 જુને રિલીઝ થઈ રહી છે. 

આવારાપન-2માં શું હશે?
આ ફિલ્મમાં કંગના નર્સનો રોલ પ્લે કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ દમદાર છે. 26/11ના મુંબઈ હુમલા વખતે કામા હોસ્પિટલમાં બનેલી ઘટનાની ફિલ્મી રજૂઆત છે. જોવાનું એ રહે છે કે, નર્સના પાત્રને ન્યાય આપવમાં કંગનાની મહેનત ફેન્સને મોહિત કરી શકે છે કે નહીં. આ સિવાય ઈમરાન હાશમીને એક નવા અવતારમાં લાવતી ફિલ્મ 'આવારપન-2'પણ આવી રહી છે. આ ફિલ્મ અગાઉ આવેલી ફિલ્મ આવારાપનની સિક્વલ ફિલ્મ છે. આ વખતે ફિલ્મની વાર્તા પર સૌની નજર છે, જોકે આ પહેલા ઈમરાને 'તસ્કરી' નામની વેબ સીરિઝથી દર્શકોના દિલ જીતી લીધા હતા. અર્જુન મીણાના પાત્રમાં તેમણે કસ્ટમ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.