અંગ્રેજો ગયા પણ તેમની ક્લબ સંસ્કૃતિ છોડતા ગયા, જેમકે જિમખાના ક્લબ એટલે એવી જગ્યા જ્યાં દેશના ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, બ્યૂરોક્રેટ, સેનાના નિવૃત્ત અધિકારીઓ બેસીને વ્હિસ્કી પીતાં-પીતાં દેશનું ભવિષ્ય નક્કી કરે. દિલ્હી અને મુંબઈના જિમખાનાઓ પર ભાજપની રાજ્ય સરકારોએ નિશાન તાક્યું છે.
સિક્કાની ત્રીજી બાજુ - જયવંત પંડ્યા
દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા ઢાંચાને મજબૂત કરવા માટે જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. કેસ ઉચ્ચ ન્યાયાલયમાં ગયો છે. જિમખાનાના વકીલ તરીકે અભિષેક મનુ સિંઘવી સાથે કપિલ સિબલ પણ છે. આ બેમાંથી માત્ર એક જ કોર્ટમાં ઊભા રહે તો પોતાના ગ્રાહક તરફીનિર્ણય મેળવી શકે, પણ અહીં તો કાયદાના બબ્બે મહારથી સાથે ઊભા છે... પ્રશ્ન એ થાય કે દિલ્હી જિમખાના ક્લબનું એવું શું મહત્ત્વ છે કે આ બે મોટા વકીલ તેના માટે કેસ લડવા પહોંચી ગયા?
મુંબઈમાં પણ 16 જિમખાનાંને કહી દેવામાં આવ્યું છે કે તમારા બોર્ડમાં કલેક્ટરનો સમાવેશ કરો, નહીંતર....
એ તો સુવિદિત છે કે મોદી સરકાર અને એટલે રાજ્યોની ભાજપ સરકારો પણ અંગ્રેજોની અને મોગલોની દાસતાનાં પ્રતીકો ક્રમશ: મિટાવી રહી છે. દિલ્હી કે મુંબઈનાં જિમખાના પણ કોલોનિયલ માઇન્ડસેટ (ગુલામીની માનસિકતા) નાં મોટાં પ્રતીક છે.
દિલ્હી જિમખાનાની વાત કરીએ તો, ક્લબની સ્થાપના 3 જુલાઈ 1913એ થઈ હતી. તેનું નામ ‘ઇમ્પિરિયલ દિલ્હી જિમખાના ક્લબ’ હતું. આ ક્લબ ભારતીયોને નીચું દેખાડવા માટે હતી. આ ક્લબ માત્ર બ્રિટિશ અધિકારીઓ અને અન્ય ગણમાન્ય (સેલિબ્રિટી) માટે જ હતી. જોકે ક્લબ ચલાવવા માટે કેટલાક મહારાજાઓને તેમાં સભ્ય બનાવાયા હતા, કારણકે તે લોકો જ ભંડોળ પૂરું પાડી શકે તેમ હતા. તેના પહેલા અધ્યક્ષ સ્પેન્સર હારકોર્ટ બટલર હતા જે તે સમયના અગ્રગણ્ય અધિકારી હતા. 1947માં સ્વતંત્રતા પછી પણ પરંતુ ગુલામીનાં પ્રતીકો એમને એમ રહ્યા.
ક્લબના નામમાંથી માત્ર ‘ઇમ્પિરિયલ’ શબ્દ હટાવી દઈ સંતોષ માની લેવામાં આવ્યો.
સ્વતંત્રતા પછી આ ક્લબના સભ્યોની માનસિકતા અંગ્રેજોની જ હતી. આ ક્લબમાં રાજનેતાઓ, અગ્રણી આઈએએસ અધિકારીઓ, સેનાના નિવૃત્ત અધિકારીઓ, ન્યાયાધીશો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સભ્યો છે. એક રીતે એમ કહી શકાય કે અહીંથી દેશ ચલાવાય છે. ક્લબનું વર્તમાન ભવન ઈ. સ. 1928માં બનાવાયું હતું. આ ક્લબ લુટિયન્સ વિસ્તારમાં છે. દિલ્હી જિમખાના ક્લબ 27.3 ઍકડ જેટલી વિશાળ ભૂમિમાં પથરાયેલી છે. તેમાં ઘાસનાં 26 ટેનિસ મેદાન (ટેનિસ કોર્ટ) છે. માટીનાં સાત મેદાન (ક્લે કોર્ટ), ત્રણ સ્ક્વોશ મેદાન, બેડમિંટન મેદાન, બાસ્કેટબોલ મેદાન, બિલિયર્ડ્સ રૂમ છે. જિમખાનાં નામ અંગ્રેજ અને ઉર્દૂનું મિશ્રણ છે. આ ક્લબ નામથી પણ ઇસ્લામી અને અંગ્રેજ આક્રાંતાઓની દાસતાનું પ્રતીક છે. નામ જિમખાના છે એટલે તેમાં અત્યાધુનિક કાર્ડિયો અને વેટ ટ્રેનિંગ મશીનો પણ છે. સ્પા સેન્ટર છે.
સ્વિમિંગ પૂલનું નામ હજુ પણ અંગ્રેજ સમયનું છે : લેડી વિલિંગડન પૂલ, કારણકે તે સમયના વાઇસરોયનાં પત્નીએ સ્વિમિંગ પૂલ બનાવવા તે સમયે રૂ. 21,000નું દાન આપ્યું હતું. અહીં એક બોલરૂમ છે, જેમાં નૃત્યના કાર્યક્રમો થાય છે. ટહેલવા માટે અહીં થોડાં મેદાન છે.
ક્લબમાં ત્રણ મુખ્ય બાર (દારૂના અડ્ડા) છે. અહીં મોંઘામાં મોંઘો વિદેશી દારૂ મળે છે. અહીં ભારતીય અને વિદેશી (વધુ તો વિદેશી) વ્યંજનોવાળાં ડાઇનિંગ રૂમ્સ છે. બ્લુ ટોકાઈનો વિશેષ કોફી બાર અને ક્લબની પોતાની પેસ્ટ્રી અને બેકરી દુકાન પણ છે. ક્લબમાં 43 ભવ્ય (લક્ઝરિયસ) કોટેજ (નિવાસ) છે. ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલ જેવા જ ભવ્ય રૂમ આ કોટેજમાં આવેલા છે. ઓરડાઓમાં ખાનગી બાલકની, કનેક્ટિંગ રૂમ અને 24 કલાક ખાનગી બટલર સેવા છે.
અહીં એક ઐતિહાસિક પુસ્તકાલય છે, જે ઈ. સ. 1930ના દાયકાથી શરૂ થયું હતું અને દિલ્હીનું સૌથી સમૃદ્ધ પુસ્તકાલય મનાય છે. તેમાં 35,000થી વધુ પુસ્તકો, દુર્લભ દસ્તાવેજો, ડઝનથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેગેઝિન, અત્યાધુનિક સાઇબર સેન્ટર અને બાળકો માટે અલગ વાંચન કક્ષ છે.
દિલ્હી જિમખાના ક્લબને જગ્યા ખાલી કરવાની નોટિસ સામે કૉંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કારણ એ છે કે સામાન્ય માણસને આ ક્લબમાં સભ્ય બનવું હોય તો લાંબો સમય પ્રતીક્ષા કરવી પડે છે એટલે સુધી કે ચાલીસ ચાલીસ વર્ષ રાહ જોવી પડે છે. અને લાખો રૂપિયાની ફી ભરવી પડે છે. એટલે સમજી શકાય કે આ ક્લબ કેવા લોકો માટે છે. આ ક્લબના એક સભ્ય કૉંગ્રેસના શીર્ષ નેતા રાહુલ ગાંધી પોતે પણ છે એટલે કૉંગ્રેસ માટે વટનો પ્રશ્ન બની જાય કારણ કે આ ક્લબ વડા પ્રધાન નિવાસની એકદમ નજીક જ આવેલી છે. આમ એ વડા પ્રધાનની સુરક્ષા માટે જોખમી છે. 2022માં અહીં એક રેલીનું આયોજન થયું ત્યારે ડ્રોન ઉડાડાયું હતું.!
આ ઉપરાંત આ ક્લબમાં નાણાકીય ગોટાળાઓના પણ આક્ષેપ ક્લબનાં પૂર્વ બોર્ડ સભ્ય નિજી સુપરાએ કર્યા છે.
બ્રિટિશરોના સમયમાં ફેબ્રુઆરી 1928માં આ ક્લબ માટે આટલી વિશાળ જમીન લીઝ પર અપાઈ હતી. લીઝની પૂર્ણ થવાની કોઈ અવધિ નથી. દાયકાઓ સુધી આટલી 27.3 ઍકડ જેટલી વિશાળ ભૂમિમાં પથરાયેલી ક્લબ માત્ર રૂ. 409.50 ભાડું ચૂકવતી હતી. તે પછી તેને વધારી રૂ. 1000 કરાયું, પરંતુ 2023માં મોદી સરકારે તેને વધારી રૂ. 4.10 કરોડ કર્યું છે ... પરંતુ કલબના અમુક પહોંચતા લોકોની દાદાગીરી જુઓ. તેમણે ભાડું નથી ચૂકવ્યું. હજુ રૂ. 47.59 કરોડ જેટલું બાકી છે! દેશમાં સૌથી વધુ કમાતા લોકોની ક્લબ આટલું ભાડું પણ ન ભરી શકે? ભરી જ શકે, પરંતુ તેમના માટે આ વટનો પ્રશ્ન છે. એવું નથી કે ક્લબને કોઈ આવક નથી. ક્લબના સભ્ય બનવાની ફી ઉપરાંત ક્લબની જગ્યા આ જગ્યા માલેતુજારોને લગ્ન માટે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે ભાડે પણ અપાય છે. છતાંય સરકારી ભાડું ન ચૂકવીને થતી લુખ્ખાગીરીરૂપી દાદાગીરી!
જો સામાન્ય માણસનું આટલું સરકારી દેવું બાકી હોય તો?