મુંબઈ: ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે મુંબઈ એરપોર્ટ પર સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો અને ચાર બાંગ્લાદેશી નાગરિક સહિત આઠ જણની ધરપકડ કરીને 13.74 કરોડ રૂપિયાનું સોનું અને હીરા જપ્ત કર્યા હતા.
ડીઆઆઇએ ધરપકડ કરેલા આઠ જણની ઓળખ કર્ણાટકના રહેવાસી એમ.એસ. લોના બલ્લી, ભિવંડીના એસ.કે. અન્સારી, બાંગ્લાદેશના નાગરિકો શહાદત હુસેન, મુબારક હુસેન, મોહમ્મદ જુઆળ, મોહમ્મદ મિજાનુદ્દીન અને શ્રીલંકાના નાગરિક મોહમ્મદ રિફાસ તથા મોહમ્મદ અનવર આશિક હસન તરીકે થઇ હતી. તમામને કોર્ટમાં હાજર કરાયા ત્યારે મોહમ્મદ રિફાસ અને મોહમ્મદ અનવરના વકીલ તરીકે અરુણ ગુપ્તા, આશિષ સિંહ અને બિરેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી. કોેર્ટે આઠેય જણને જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
ડીઆરઆઇની ટીમે વિશ્ર્વસનીય માહિતીને આધારે ગુરુવારે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિપાર્ચર ગેટ નજીક વોશરૂમમાંથી બલ્લી અને અન્સારીને પકડી પાડ્યા હતા. અન્સારી એરપોર્ટ પર ફૂટ ઇટરીમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કામ કરતો હતો. બંને જણ પાસેથી કૅપ્સ્યૂલ્સમાંથી મીણના સ્વરૂપમાં સોનું મળ્યું હતું.
પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે વધુ પાંચ પ્રવાસી સોના સાથે ટ્રાન્ઝિટ એરિયામાં વાટ જોઇ રહ્યા છે, જે વોશરૂમમાં અન્સારી અને હીરા ભરેલી કૅપ્સ્યૂલ્સ આપવાના હતા. આ માહિતીને આધારે અધિકારીઓએ બાદમાં પાંચેય પ્રવાસીને પણ પકડી પાડ્યા હતા. તેઓ દુબઇથી હીરા અને સોનુ લાવ્યા હતા. આ કામ તેમણે કમિશન પર કર્યું હોવાનું પણ સામે આવ્યુ હતું. પકડાયેલા આઠેય જણ પાસેથી 1.11 કરોડના હીરા અને 12.65 કરોડનું સોનું જપ્ત કરાયું હતું.