નર્મદાઃ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકર સિંહ વાઘેલા ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત થઈ હતી. જોકે બીજી ઑક્ટોબર અને ગાંધી જયંતિનો દિવસ હોવા છતાં પક્ષમાં તેમના જોડાવાની સત્તાવાર જાહેરાત નહોતી થઈ. જોકે તેમ છતાં બાપુએ કૉંગ્રેસના કાર્યક્રમોમાં હાજરી આપવાનું શરૂ કરી દીધું છે. નર્મદા જિલ્લામાં જંગલ જમીન મુદ્દે યોજાયેલી કૉંગ્રેસની સભામાં શંકરસિંહ વાઘેલાએ સરકાર જ બદલી નાખવા હાકલ કરી હતી.
મળતી વિગત પ્રમાણે જંગલ જમીનના અધિકારોને લઈને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે યોજાયેલી જાહેરસભામાં વિપક્ષી નેતાઓ એકમંચ પર આવ્યા હતા. પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય અનંત પટેલ અને મહેશ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર ઉદ્યોગપતિઓને નજીવા ભાવે હજારો એકર જમીન આપી રહી છે, જ્યારે સાગબારાના આદિવાસી ખેડૂતો વર્ષોથી ખેતી કરતા હોવા છતાં પોતાના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
કૉંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે રાજ્યના વન પ્રધાને અગાઉ ખેડૂતોને પારણાં કરાવી જમીનની સનદ આપવાની ખાતરી આપી હતી, પરંતુ તે માત્ર પોકળ આશ્વાસન જ સાબિત થયું છે. ખેડૂતો 25 વર્ષથી જે જમીન ખેડી રહ્યા છે, ત્યાં વન વિભાગ પ્લાન્ટેશનના બહાને કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વનકર્મીઓ દ્વારા સ્થાનિક ખેડૂતોને વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાનો ગંભીર રોષ વ્યક્ત કરાયો હતો.
जल, जंगल, जमीन और वन अधिकार के हक के लिए सागबारा में आयोजित पुनः वन अधिकार सत्याग्रह जनसभा में उपस्थित रहकर आदिवासी समाज के हक और अधिकारों की लड़ाई को मजबूत करने का संकल्प लिया।
— Amit Chavda (@AmitChavdaINC) October 2, 2026
आदिवासी समाज के संवैधानिक और कानूनी अधिकारों के साथ कोई अन्याय नहीं होना चाहिए। आदिवासी समाज के हक और… pic.twitter.com/Ho8fpqPXZI
પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે, સરકાર કે વન વિભાગ માત્ર એક વ્યવસ્થા છે. તેમણે આંદોલનોમાં સમય વેડફવાના બદલે સીધી સરકાર જ બદલી નાંખવાની હાકલ કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, અમે તીર-કામઠાં બુઠાં નથી કર્યા. તેમણે જેલભરો આંદોલનની ચીમકી આપતાં ભાજપના સ્થાનિક નેતાઓની ગેરહાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
અત્યાર સુધી શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરવા છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતાં, ખેડૂત આગેવાનોએ આગામી દિવસોમાં સેંકડો બળદગાડાં સાથે ગાંધીનગર તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.