મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ શુક્રવારે અભિનેતા ડિનો મોરિયાની લગભગ છ કલાક સુધી પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધ્યું હતું.
ડિનો મોરિયાને પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા, જેને પગલે તે શુક્રવારે મુંબઈ આર્થિક ગુના શાખાના અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ દરમિયાન મળેલી કેટલીક કડીઓના આધારે તેની પૂછપરછ કરવામાં આવી હતી અને સાંજેના તેને જવા દેવાયો હતો. જરૂર પડયે તેને પૂછપરછ માટે ફરી બોલાવવામાં આવી શકે છે.
મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કૌભાંડ સાથે જોડાયેલી કંપની સાથેના સંભવિત સંબંધો તથા આ કેસમાં ધરપકડ કરાયેલા વચેટિયા કેતન કદમ સાથેના ગાઢ સંબંધોને લઇ મે, 2025માં પણ ડિનો મોરિયા અને તેના ભાઇ સેન્ટિનોની કલાકો સુધી પૂછપરછ કરાઇ હતી.
કેતન કદમના કૉલ ડિટેઇલ રેકોર્ડસ (સીડીઆર)ની તપાસ કદમ, અભિનેતા અને તેના ભાઇ વચ્ચે અનેકવાર વાતચીત થઇ હોવાનું જાણવા મળ્યા બાદ તપાસ દરમિયાન ડિનોનું નામ સામે આવ્યું હતું. તપાસ અધિકારીઓને શંકા છે કે અંગત પરિચય ઉપરાંત ડિનો અને કદમ વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા, જેને પગલે આ કેસ સાથે અભિનેતાની કડીઓની તપાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં મુંબઈ મહાનગરપાલિકાને 65.54 કરોડ રૂપિયાનું નુકસાન કરવા બદલ પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત રામુગડે, ડેપ્યુટી ચીફ એન્જિનિયર ગણેશ બેન્દ્રે અને તાયશેટ્ટી, પાંચ ખાનગી કોન્ટ્રેક્ટરો સહિત 13 લોકો વિરુદ્ધ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઇડી) પાલિકાના અધિકારીઓ તથા કોન્ટ્રેક્ટરો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી, જેમાં મીઠી નદીમાંથી ગાળ કાઢવાના આ કૌભાંડ સાથે સંકળાયેલી નાણાકીય ગેરરીતિઓમાં તેમની ભૂમિકાનો આરોપ છે.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પાલિકાના અધિકારીઓએ ડિસિલ્ટિંગ કોન્ટ્રેક્ટ માટે ટેન્ડર એવી રીતે તૈયાર કર્યું હતું કે તેનાથી કામ માટે જરૂરી મશીનરીના ચોક્કસ સપ્લાયરને ફાયદો થયો. વધુમાં કોન્ટ્રેક્ટરોએ ગાળને મુંબઈ બહાર લઇ જવા બોગસ બિલ બનાવ્યા હતા.
તપાસ મુજબ મેટપ્રોપ કંપનીના દીપક મોહન અને કિશોર મેનને પાલિકાને 3.09 કરોડ રૂપિયાના ખર્ચે સિલ્ડ પુશર, મલ્ટિપર્પસ એમ્ફિબિયસ પેટૂન મશીનો ઓફર કર્યાં. પાલિકાના અધિકારીઓની એક ટીમે કેરળમાં પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને બાદમાં બરાબર એ જ સ્પષ્ટીકરણ સાથે ટેન્ડર બહાર પડાયા, જેથી કોઇ પણ કોન્ટ્રેક્ટરને ફક્ટ મેટપ્રોપ મશીનો ખરીદવા અથવા ભાડે રાખવાની જરૂર પડે.