Mon Oct 05 2026

Logo

જાહેર શૌચાલયમાં બે યુવકનાં મોતના કેસમાં કારખાનાનો માલિક ઉત્તર પ્રદેશમાં પકડાયો

2026-10-04 18:39:11
Author: Yogesh C. Patel
જાહેર શૌચાલયમાં બે યુવકનાં મોતના કેસમાં કારખાનાનો માલિક ઉત્તર પ્રદેશમાં પકડાયો

મુંબઈ: ગોરેગામ નજીક જાહેર શૌચાલયમાં ઝેરી કેમિકલને કારણે ગૂંગળામણથી બે યુવકે જીવ ગુમાવ્યાની ઘટનામાં કથિત રીતે જવાબદાર ફરાર કારખાનાનો માલિક આખરે ઉત્તર પ્રદેશમાં પકડાયો હતો.વનરાઈ પોલીસે ઘટનાના પાંચ દિવસ બાદ શુક્રવારે યુપીના જૌનપુરથી રામધની યાદવ (45)ને તાબામાં લેવાયો હતો. કાનૂની પ્રક્રિયા પૂરી કરીને યાદવને શનિવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો.

રામમંદિર પૂર્વમાં પારસી પંચાયત ગેટ નજીકના જાહેર શૌચાલયમાં 27 સપ્ટેમ્બરના મળસકે ભાવિક દેસાઈ (18) અને પ્રભાકર ધિવાર (24)નાં મૃત્યુ થયાં હતાં. ગણપતિ વિસર્જન પછી મંડપ છોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બન્ને જણ શૌચાલયમાં ગયા હતા, જ્યાં શ્ર્વાસ રુંધાવાને કારણે તેમનાં મોત નીપજ્યાં હોવાનું તપાસમાં જણાયું હતું.તપાસમાં જણાયું હતું કે શૌચાલય પાસેના પ્લૅટિંગના કારખાનામાંથી ઝેરી કૅમિકલ ગટર લાઈનમાં ગયું હતું, જેને કારણે આ ઘટના બની હતી. આ કારખાનું રામધની યાદવ ભાડેથી ચલાવતો હતો. બે જણનાં મૃત્યુના સમાચાર ફેલાતાં જ તે ફરાર થઈ ગયો હતો. વનરાઈ પોલીસ 28 સપ્ટેમ્બરથી તેને ટ્રેસ કરી રહી હતી.

ધરપકડ ટાળવા યાદવ વારંવાર તેનું ઠેકાણું બદલતો હતો. આખરે તે જૌનપુરમાં એક સગાને ઘેર સંતાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. યુપી પહોંચેલી વનરાઈ પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.આ કેસમાં પોલીસે અગાઉ કારખાનું જે સ્થળે હતું તે જમીનના માલિક નવીન ચાવડાની ધરપકડ કરી હતી. ચાવડા હાલમાં અદાલતી કસ્ટડીમાં છે. યાદવના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા બે પર પહોંચી હતી.