Mon Oct 05 2026

Logo

શેરબજારની નજર આરબીઆઇ પર રહેશે, જોકે, દિશાનો આધાર ક્રૂડ ઓઇલના ભાવની ભરતી-ઓટ નક્કી કરશે

2026-10-04 19:29:10
Author: Nilesh Waghela
શેરબજારની નજર આરબીઆઇ પર રહેશે, જોકે, દિશાનો આધાર ક્રૂડ ઓઇલના ભાવની ભરતી-ઓટ નક્કી કરશે

શેરબજાર- નિલેશ વાઘેલા
મુંબઇ:
ભારતીય શેરબજારો માટે સમીક્ષા હેઠળનું પાછલસું સપ્તાહ ખૂબ જ જટીલ અને નિરાશાજનક સંકેત આપનારું નિવડ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરની વિપરીત પરિસ્થિતિ અને પરિબળોને કારણે બંને મુખ્ય બેન્ચમાર્ક મુખ્ય મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે સરકી ગયા હતા. વૈશ્ર્વિક સ્થિતિ એવી વણસી છે કે, બજાર પર જીએસટી કે જીડીપી કે પીએમઆઇના પ્રોત્સાહક આંકડાની કોઇ અસર જોવા મળી નહોતી અને એફઆઇઆઇની વેચવાલી એવી વધી છે કે સ્થાનિક સંસ્થાઓની લેવાલીનો ટેકો પણ ટૂંકો પડ્યો હતો.

એકંદરે વિદેશી રોકાણકારોની વેચવાલી, રૂપિયામાં નબળાઈ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે ભારતીય શેરબજારમાં નકારાત્મક માહોલ સર્જાયો હતો, જેના પરિણામે બજાર સતત આઠમા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયું હતું.

ગયા સપ્તાહે સેન્સેક્સમાં ૧,૯૮૬.૦૪ પોઈન્ટ (અથવા ૨.૬૮ ટકા) અને નિફ્ટીમાં ૭૧૮.૫૫ પોઈન્ટ (અથવા ૩.૧૦ ટકા)નો કડાકો નોંધાયો હતો. સપ્ટેમ્બર મહિના દરમિયાન, બીએસઇ બેન્ચમાર્ક સૂચકાંકમાં ૪,૪૭૬.૯૮ પોઈન્ટ (અથવા ૫.૮૧ ટકા) અને નિફ્ટીમાં ૧,૪૫૯.૯૫ પોઈન્ટ (અથવા ૬ ટકા)નો કડાકો થયો હતો.

હાલ તો સંકેત સારા નથી જણાતાં પરંતુ વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે શેરબજારની ચાલ નક્કી કરવામાં રિઝર્વ બેન્કનો વ્યાજ દર અંગેનો નિર્ણય, ટીસીએસની કમાણી, ક્રૂડ ઓઈલના ભાવ અને ગ્લોબલ બોન્ડ યીલ્ડ મહત્વના પરિબળો બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર અર્થતંત્રને લગતા આંકડાઓની જાહેરાત અને વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ પણ બજારના વલણને દિશા આપશે.

પાછલા સપ્તાહના વિશ્ર્લેષણમાં જીઓજિત ઇન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયર જણાવે છે કે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા સાથે, યુએસ ટ્રેઝરી યીલ્ડ બે દાયકાના ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી ગઈ, ફેડરલના વધુ કડક વલણની અપેક્ષાઓ, યુએસ ટ્રેઝરી યીલ્ડ વધવા અને રૂપિયો વધુ નબળો પાડવાની ધારણાંએ બજારના સેન્ટિમેન્ટને ફટકો માર્યો હતો.

એફઆઇઆઇએ અઠવાડિયા દરમિયાન વેચાણ વધાર્યું, જ્યારે સ્થિર ડીઆઇઆઇની ખરીદીએ મોટાભાગનો આઉટફ્લો શોષી ટેકો આપ્યો, પરંતુ તેનાથી બજારની પડતી અટકી નહીં. નોંધવું રહ્યું કે,  ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને બોન્ડ યીલ્ડના દબાણને કારણે સપ્ટેમ્બરમાં એફપીઆઇએ ભારતીય ઇક્વિટીમાંથી રૂ. ૩૬,૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા છે. સીડીએસએલના ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) ફરીથી નેટ સેલર્સ બન્યા અને રૂ. ૩૫,૮૬૦ કરોડના શેર વેચી નાંખ્યા.

આ વેચાણ અગાઉ જુલાઈમાં એફપીઆઇ દ્વારા રૂ. ૨૦,૨૦૦ કરોડ અને ઓગસ્ટમાં રૂ. ૨૯,૬૩૧ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બરના આ આઉટફ્લો સાથે, ૨૦૨૬માં ભારતીય ઇક્વિટીમાંથી વિદેશી ફંડો દ્વારા પાછી ખેંચાયેલી કુલ રકમ રૂ. ૨.૬૯ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે સમગ્ર ૨૦૨૫ દરમિયાન નોંધાયેલા રૂ. ૧.૬૬ લાખ કરોડના આઉટફ્લો કરતાં પણ વધુ છે.

વ્યાપક બજારો ફ્રન્ટલાઇન બેન્ચમાર્ક સાથે ગબડ્યા, જ્યારે આઇપીઓની વણઝારને કારણે લિસ્ટેડ ઇક્વિટીમાંથી તરલતા દૂર થઈ ગઈ. સેકટરલ નબળાઈ વ્યાજદર અને કોમોડિટી સેન્સિટિવ સેગમેન્ટમાં કેન્દ્રિત હતી, જેમાં ક્ધઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટી અને મેટલ્સ સ્ટોક્સ દબાણ હેઠળ હતા, જ્યારે નબળા જથ્થાબંધ વેચાણ ડેટાને કારણે ઓટો શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. એકમાત્ર આઇટી સેકટરના શેરોમાં સુધારો હતો, કારણ કે તેને રૂપિયાના અવમૂલ્યનથી ફાયદો થઇ રહ્યો હતો.

આગળ જોતાં, રિઝર્વ બેન્કની નીતિ નિર્ણય મુખ્ય સ્થાનિક ટ્રિગર હશે, જેમાં રૂપિયાને ટેકો આપવા અને આયાતી ફુગાવાને રોકવા માટે દબાણ હશે, જે દર વધારાની અપેક્ષાઓને મજબૂત બનાવે છે. આ નીતિ સાતમી ઓકટોબરે જાહેર થશે. દરમિયાન, ભારતના પીએમઆઇ ડેટા પરથી, સ્થાનિક પ્રવૃત્તિ વૈશ્ર્વિક અવરોધો સામે કેટલી સક્ષમ છે તેનો ખ્યાલ આપે છે, જ્યારે યુએસ પેરોલ, પીએમઆઇ ડેટા અને એફઓએમસી મિનિટ્સ ફેડરલની અપેક્ષાઓ અને ગ્લોબલ યિલ્ડની દિશાને આકાર આપશે.

કોર્પોરેટ ક્ષેત્રે બીજા ક્વાર્ટરની કમાણી પ્રથમ ક્વાર્ટર કરતા નરમ રહેવાની અપેક્ષા સાથે, સેન્ટિમેન્ટ નાજુક રહેવાની શક્યતા છે. પશ્ર્ચિમ એશિયામાં અર્થપૂર્ણ ઘટાડો તીવ્ર રાહત રેલીને ઉત્તેજિત કરી શકે છે. ત્યાં સુધી, રોકાણકારોએ પસંદગીયુક્ત રહેવું જોઈએ, કમાણીની દૃશ્યતા અને બેલેન્સ શીટ મજબૂતાઈની તરફેણ કરવી જોઈએ. આ સપ્તાહે ટીસીએસ અને ડી માર્ટ સહિતની કંપનીઓ પરિણામ જાહેર કરશે.

શેરબજારના સેન્ટિમેન્ટને અસર કરી શકે એવા ડેટાના મોરચે, સપ્ટેમ્બર મહિના માટે ભારતના અંતિમ એચએસબીસી સર્વિસીસ પીએમઆઇ અને કમ્પોઝિટ પીએમઆઇના આંકડા છઠ્ઠી ઓક્ટોબરે જાહેર થવાના છે. ટીસીએસ તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો આઠમી ઓક્ટોબરે જાહેર કરશે. આરબીઆઇના નીતિ નિર્ણય સાતમી ઓક્ટોબરે જાહેર થશે.

અત્યારે ભારત માટે ક્રૂડ ઓઈલ એ સૌથી તાત્કાલિક મેક્રો-ઇકોનોમિક ચિંતાનો વિષય છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર રહેવાથી ભારતીય અર્થતંત્રની બાહ્ય સંતુલન સ્થિતિ અને ફુગાવાના દૃષ્ટિકોણ પર દબાણ વધી રહ્યું છે. એકધારી ભૌગોલિક-રાજકીય અનિશ્ર્ચિતતાને કારણે ઇંધણના ભાવમાં રિસ્ક પ્રીમિયમ ઊંચું રહેવાનું જોખમ છે. આ ઉપરાંત બોન્ડ યીલ્ડ, રોકાણકારોની જોખમ લેવાની વૃત્તિ નક્કી કરનાર અન્ય એક મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે.

યુસ  ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થવાથી ઉભરતા બજારોની સંપત્તિ પરનું દબાણ હળવું થઈ શકે છે અને વિદેશી મૂડીના પ્રવાહ માટે વધુ અનુકૂળ વાતાવરણ સર્જાઈ શકે છે. તેનાથી વિપરીત, યીલ્ડમાં વધુ વધારો થવાથી યુએસ એસેટ્સનું આકર્ષણ વધી શકે છે અને ઉભરતા બજારોમાંથી પોર્ટફોલિયોને અન્યત્ર ખસેડવાની પ્રક્રિયાને વેગ મળી શકે છે.

સ્થાનિક સ્તરે રિઝર્વ બેન્કનો નીતિગત નિર્ણય શેરબજારને અસર કરનાર મુખ્ય પરિબળ હશે. ત્યારબાદ, યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકની વિગતો પરથી એ જાણી શકાશે કે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારા બાદ, નાણાકીય નીતિને વધુ કડક બનાવવા અંગે અમેરિકાના નીતિ ઘડવૈયાઓનું કેટલું સમર્થન છે!