Mon Oct 05 2026

Logo

ઓમાન અને ઇઝરાયેલ વચ્ચે કેવા છે સંબંધો, જાણો બન્નેનો ઇતિહાસ

2026-10-04 14:57:00
Author: Mumbai Samachar Team
ઓમાન અને ઇઝરાયેલ વચ્ચે કેવા છે સંબંધો, જાણો બન્નેનો ઇતિહાસ

તારીખ 30 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહી હતી. વિમાનના ઓમાની કો-પાયલોટે કોકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો, જેના કારણે હવામાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ મારામારીના લીધે વિમાન 5,200 મીટર નીચે આવી ગયું હતું, પરંતુ ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોએ સમજદારી દાખવીને હુમલાખોરને ઝડપી લીધો અને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. આ હચમચાવી નાખનાર દુર્ઘટના બાદ ઓમાન અને ઇઝરાઇલના સંવેદનશીલ સંબંધો પર નવા સવાલો ઉભા થવા લાગ્યા છે. આવો બંનેના સંબંધોનો ઇતિહાસ જાણીએ.

ઓમાન અને ઇઝરાઇલ વચ્ચે ક્યારેય ઔપચારિક રાજદૂતોની આપ-લે થઈ નથી, પરંતુ તેમની પડદા પાછળની વાતચીત અડધી સદી જૂની છે. 1970ના દાયકામાં ઓમાનના સુલતાનને ધોફાર વિસ્તારમાં માર્ક્સવાદી વિદ્રોહીઓ તરફથી ભારે પડકાર મળી રહ્યો હતો. પોતાની સત્તા અને દેશની સ્થિરતા બચાવવા માટે મસ્કતે ગુપ્ત રીતે ઇઝરાઇલ પાસેથી લશ્કરી સલાહ અને ગુપ્તચર સહાય લીધી હતી.

ઓસ્લો સમજૂતી પછી બંનેના સંબંધોને મળ્યું મંચ

નેવુંના દશકમાં જ્યારે પેલેસ્ટાઇન અને ઇઝરાઇલ વચ્ચે ઓસ્લો શાંતિ સમજૂતી થઈ, ત્યારે ઓમાને ઇઝરાઇલ સાથેના પોતાના સંબંધોને થોડું ખુલ્લું મંચ આપ્યું. મસ્કતે પોતાની ધરતી પર એક ઇઝરાઇલી વેપારી કાર્યાલય ખોલવાની પરવાનગી આપી, જેનાથી બંને દેશો વચ્ચે કોમર્શિયલ સંવાદ શરૂ થઈ શક્યો.

નેતન્યાહુની મસ્કત મુલાકાત અને ઐતિહાસિક હવાઈ નિર્ણય

વર્ષ 2018માં બંને દેશોના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો જ્યારે ઇઝરાઇલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અચાનક ઓમાનની મુલાકાત લીધી અને સુલતાન કાબૂસ બિન સાયદ સાથે મુલાકાત કરી. કોઈપણ રાજદ્વારી સંબંધ વગર કોઈ અરબ દેશમાં ઇઝરાઇલી વડાપ્રધાનની આ ઉપસ્થિતિ અત્યંત ચોંકાવનારી હતી. આ મુલાકાતની અસર ફેબ્રુઆરી 2023માં ત્યારે દેખાઈ જ્યારે ઓમાને ઇઝરાઇલી નાગરિક વિમાનો માટે પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) ખોલવાની સત્તાવાર જાહેરાત કરી દીધી. આ નિર્ણયથી ઇઝરાઇલથી એશિયા જતી ફ્લાઇટ્સનો સમય અને ઇંધણ ઘણું બચી ગયું, જેનાથી બંને વચ્ચેનો વ્યવહારિક સહયોગ ચરમસીમા પર પહોંચી ગયો.

અબ્રાહમ એકોર્ડસથી અંતર અને ગાઝા તણાવ

વર્ષ 2020માં જ્યારે સંયુક્ત આરબ અમિરાત અને બહેરીને અબ્રાહમ સમજૂતી હેઠળ ઇઝરાયેલની સાથે પૂર્ણ રાજકીય સંબંધ સ્થાપિત કર્યા, ત્યારે ઓમાને આ પગલાની પ્રસંશા તો કરી પરંતુ પોતે આનાથી દૂર રહ્યા. ઓમાને વિદેશ નીતિ હંમેશાથી એ રહી કે જ્યા સુધી એક સ્વતંત્ર અને ન્યાયસંગત ફિલિસ્તીન રાજ્યનું નિર્માણ ન થયું હોત, ત્યાં સુધી ઇઝરાયેલને પૂર્ણ આધિકારીક માન્યતા ન આપી શકાય.