Wed Jun 10 2026

Logo

સેલફોન: એક હાથવગી દુનિયા, પણ કેટલી આઝાદીના ભોગે?

2026-06-10 10:31:00
Author: Deval Shashtri
Article Image

ઔર યે મૌસમ હંસીં... - દેવલ શાસ્ત્રી

સવાર પડે ને આંખ ઉઘડતાંની સાથે જ આપણી આંખ અને હાથ સૌથી પહેલાં શું શોધે છે? 

પત્ની, સંતાનો કે પરિવારનો ચહેરો નહીં, પણ ચાર્જિંગ માટે પાસે પડેલો ‘મોબાઇલ ફોન’...  આપણી જિંદગીના 24 કલાક 5-6 ઇંચની સ્ક્રીનમાં કેદ થઈ ગયા છે. આજે વિશ્ર્વમાં 8.6 અબજથી વધુ સેલ ફોનનાં કનેક્શન્સ છે, જે પૃથ્વીની કુલ માનવ વસ્તી કરતાં વધારે છે! ભારતમાં 1.2 અબજથી વધુ લોકોના હાથમાં આ જાદુઈ યંત્ર છે.

મોબાઇલ આપણો કીમતી સમય ખાઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે તેનાથી એકાગ્રતા ઘટે છે છતાં આપણે તેને છોડી શકતા નથી. આ વિરોધાભાસ પાછળ માત્ર આપણી નબળાઈ નથી, પણ ટેક્નૉલૉજીની એવી ‘ડિઝાઇન કરામત’ છે જેણે માનવ મગજને ગીરવે મૂકવા મજબૂર કરી દીધું છે.

મોબાઇલને સમજવા તેના ઇતિહાસની ગલીઓમાં લટાર મારતા રહેવું જોઈએ. 1973માં માર્ટિન કૂપરે કરેલો પહેલો કૉલ કર્યો હતો. તે સમયે ફોનનું વજન એક કિલો હતું અને તેની કિંમત મોંઘીદાટ કાર જેટલી હતી! એ ફોનને લોકો ‘બ્રિક ફોન’ એટલે કે ઈંટ કહેતા. કોને ખબર હતી કે આ ઈંટ એક દિવસ આખું વિશ્ર્વ પોતાનામાં સમાવી લેશે? 

1992માં પહેલો મેસેજ ‘મેરી ક્રિસમસ’ ગયો ત્યારે કોઈને ખબર નહોતી કે SMS ક્રાંતિ લાવશે. સાદા મોબાઇલથી માંડીને લેટેસ્ટ ટચસ્ક્રીન (અને હવે તો AIની કરામતવાળા!) સુધીની સફર ટેક્નૉલૉજીના વિકાસની પરાકાષ્ઠા છે. માનવજાત માટે પ્રશ્ર્ન એ છે કે આ વિકાસે આપણને આપ્યું શું? જ્ઞાનનો દરિયો કે પછી માહિતીનો કચરો?

તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કેમ સોશ્યલ મીડિયાના આઇકોન કયા રંગના હોય છે? ‘લાઇક’ બટન દબાવતી વખતે કેમ નાનો અવાજ આવે છે? આને ‘પર્સ્યુએઝિવ ડિઝાઇન’ કહેવાય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ જેવી ઍપ બનાવનારા મનોવિજ્ઞાનની મદદ લે છે, જેથી માનવમગજને ‘હૅક’ કરી શકાય. આપણે સતત ‘સ્ક્રોલ’ કરીએ છીએ, કારણ કે આપણને સતત એવી આશા હોય છે કે હવે કંઈક નવું આવશે. સ્ક્રોલનો કોઈ ‘અંત’ જ નથી. તમે જેટલું સ્ક્રોલ કરશો એટલું જ તે નવું પીરસશે. આપણું મગજ અંત વગરની રમતમાં ખોવાઈ જાય છે.

મોબાઇલના નૉટિફિકેશન મગજમાં એ જ ‘ડોપામાઇન’ રસાયણ પેદા કરે છે, જે ડ્રગ્સ લેતી વખતે અનુભવાય છે. એક અભ્યાસ મુજબ વ્યક્તિ દિવસમાં 2,600થી વધુ વાર પોતાનો ફોન ટચ કરે છે! આ એક પ્રકારનું બાયોલૉજિકલ હાઇજેક છે, આપણી એકાગ્રતાનો ગ્રાફ એટલો નીચે ગયો છે કે આપણે 30 સેક્ધડથી વધુ કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આપણે માહિતીના મહાસાગરમાં ડૂબી રહ્યા છીએ, પણ જ્ઞાનના એક ટીપા માટે તરસ્યા છીએ. આપણી યાદશક્તિ હવે મોબાઇલની મેમરીમાં ટ્રાન્સફર થઈ ગઈ છે, પરિણામે આપણું મગજ સાવ આળસુ અને નિષ્ક્રિય બનતું જાય છે.

સંયુક્ત કુટુંબનાં ઘરોમાં હવે પાંચ વ્યક્તિ સાથે બેઠા હોય છે, પણ પાંચેય પોતપોતાના ફોનમાં મગ્ન હોય છે. ડિજિટલ સાક્ષરતાના અભાવે અફવાઓ અને ખોટી માહિતી ઇવન ભણેલા અને સમૃદ્ધ લોકોમાં આસાનીથી ફેલાય છે. પરંપરાગત જ્ઞાન અને લોકસંસ્કૃતિ ધીરે ધીરે વર્ચ્યુઅલ દુનિયામાં ઓગળી રહી છે. જે સંબંધો રૂબરૂ મળવાથી જીવંત રહેતા હતા, તે હવે વ્હોટ્સએપ મેસેજ પૂરતા મર્યાદિત થઈ ગયા છે.

આવતી કાલના મોબાઇલ કદાચ હાથમાં પણ નહીં હોય! મોબાઇલ સાથેના ફોટા જોઈને વીસ વર્ષ પછી મજાક ઉડાવશે. વિચારથી ચાલતા ફોન અને તમારી તબિયતનું પળ-પળ ધ્યાન રાખતા નવા AI સાથીઓ આવી રહ્યા છે,  પણ આ ટેક્નૉલૉજી જ્યારે આપણા વિચારો પર જ નિયંત્રણ મેળવશે ત્યારે આપણું કહી શકાય એવું બચશે શું? જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નક્કી કરશે કે આપણે શું ખરીદવું, શું વિચારવું અને કોને પ્રેમ કરવો તો માણસ હોવાની વ્યાખ્યા નવેસરથી ઘડવી પડશે? આપણે એક એવા યુગ તરફ જઈ રહ્યા છીએ જ્યાં માણસ પોતાનો નિર્ણય લેવાની ક્ષમતા પણ બહુ ઝડપથી ગુમાવી દેશે.

આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં માણસ કરતાં ડેટાની કિંમત વધી ગઈ છે. સવાર પડે અને આપણી આંખો ખૂલે એ પહેલાં આપણે આપણા મગજને ડિજિટલ ખોરાક આપવાનું શરૂ કરી દઈએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે છેલ્લા એક કલાકમાં તમે કેટલી વાર ફોન ચેક કર્યો? જો આ આંકડો દશથી વધુ હોય, તો સાવધાન થઈ જજો.

પહેલાં માણસ સારા કામ કરતો અને સંતોષ મેળવતો. હવે માણસ એ કામની લાઇક્સ અને કૉમેન્ટ્સ પર ધ્યાન આપતો થયો છે. એનો અર્થ એ થયો કે આપણી ખુશીનું રિમોટ કંટ્રોલ અજાણ્યા લોકોના હાથમાં છે. જો પોસ્ટ પર લાઇક્સ ઓછી આવે તો આપણે ઉદાસ થઈ જઈએ છીએ... આ તો ડિજિટલ ભીખ છે.! 

ટેક્નૉલૉજીનો વિરોધ કરવાને બદલે તેનો સ્વીકાર કરતા શીખવું પડશે. ભવિષ્યમાં AI તમારી સાથે એક સાથીની જેમ કામ કરશે, તેને શત્રુ ગણવાને બદલે તમારા કામમાં વધુ કાર્યક્ષમ કેવી રીતે બની શકાય તે શીખો. આપણે હવે ગણતરીઓ મગજમાં કરવાની જરૂર નથી, પણ ગણતરીઓનો ઉપયોગ કરીને જીવનમાં કયા નિર્ણયો લેવા તે શીખવાની જરૂર છે. ભવિષ્યમાં ડેટા બધા પાસે હશે, પણ એ ડેટાનો ઉપયોગ કરીને સફળ થતા શીખવું પડશે.

આપણે એવી દુનિયા તરફ જઈ રહ્યા છીએ જ્યાં રોબો અને સૉફ્ટવેર બધાં જ કામ કરી લેશે. પ્રશ્ર્ન એ છે કે તો પછી માણસ કામ શું કરશે? માણસનું કામ હશે પ્રેમાળ બનવું, લાગણીશીલ હોવું. ટેક્નૉલૉજી પાસે બધું જ હશે, પણ તેની પાસે કરુણાનો અભાવ હશે. ભવિષ્યમાં સફળતા તમારા ટેક્નિકલ નૉલેજ પર નહીં, પણ તમારા ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર રહેશે. તમે લોકો સાથે કેવી રીતે વર્તો છો, તમે મુશ્કેલીમાં કેટલા શાંત રહી શકો છો અને તમે બીજાના દુ:ખને કેટલું સમજી શકો છો જેવા ગુણો જ વ્યક્તિને બનાવશે.

છેલ્લી વાત, ટેક્નૉલૉજી જ પૃથ્વી પર સહુને એકઠા રાખશે, દુનિયાને નાની કરશે. ટેક્નૉલૉજી વાપરનારા એક નહીં થાય તો નુકસાન થશે. ભવિષ્ય માટે તૈયાર થવાનો અર્થ એ છે કે તમે આજે જ નક્કી કરો કે મોબાઇલ તમારા ખિસ્સામાં હોવો જોઈએ, તમારા મગજમાં નહીં.        
                                                                           
ધ એન્ડ  

તમે એકલા બેઠા હો અને ફોન વગર કંટાળો ન આવે. બસ.. તે દિવસે સમજજો કે ડિજિટલ ગુલામીમાંથી મુક્ત થયા છો. જો હવે નહીં જાગીએ, તો ભવિષ્યમાં આપણે માણસ હોવાના પુરાવા પણ સોશ્યલ મીડિયા પાસે માગવા પડશે!