Wed Jun 10 2026

Logo

રાજ્યસભાની ચૂંટણી બાદ મોદી સરકારની નવી ટીમ બને એવા એંધાણ, બંગાળ પછી પંજાબને લઈ તૈયારીઓ શરૂ

2026-06-10 08:55:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના ચાર નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ બાદ પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ તથા મોદી સરકારની ટીમમાં મોટા ફેરફાર થઈ શકે છે. પંજાબ, હરિયાણા, ત્રિપુરા અને નવી દિલ્હીમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીને ડિસેમ્બર 2025માં ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. જાન્યુઆરી મહિનામાં પદભાર સંભાળનારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમ આ મહિને તૈયાર થઈ શકે છે. 

ભાજપ પક્ષમાં નિયુક્ત થઈ શકે નવા પદાધિકારી
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારમાં મોટા પદ પર રહેલા નેતાઓને પાર્ટીના કોઈ મોટા સંગઠનની જવાબદારી સોંપાઈ શકે છે. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને જોર્જ કુરિયનને 18 જુનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ કોઈરીતે ઉમેદાવાર બનાવવામાં નહીં આવે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ભાજપની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં હવે આ ચૂંટણીમાં મોદી સરકારની નવી ટીમ તૈયાર થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. પંજાબની સ્થિતિને ધ્યાને લેતા અને ભાજપ માટે પંજાબ પ્રાથમિકતા હોવાના નેતા બિટ્ટુને જવાબદારી સોંપાઈ શકે છે. ભાજપ પંજાબને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય કરે છે તો એમાં બિટ્ટુની પ્રાથમિકતા રહેશે. આમ પણ એમનો કાર્યકાળ આ મહિને જ સમાપ્ત થઈ રહ્યો છે. 

મંત્રી મંડળમાં થશે મોટા ફેરફાર
મંત્રી મંડળમાં પણ ફેરફારની શક્યતાઓને નકારી શકાય એમ નથી. રાજ્યસભાની ચૂંટણી બાદ મોદી સરકારની નવી ટીમ જોવા મળે તો નવાઈ નહીં. સંખ્યાબળને કારણે ભાજપ રાજ્યસભામાં પણ જ્વલંત વિજય પ્રાપ્ત કરે એવું હાલ તો નક્કી મનાય રહ્યું છે. રાજ્યસભામાં ચાર બેઠક ગુજરાતની છે. જ્યારે 2-2 બેઠક રાજસ્થાન અને મધ્ય પ્રદેશની છે. 1-1 સીટ મણિપુર અને અરૂણાચલ પ્રદેશની છે. આ દ્રષ્ટિકોણથી ભાજપનો વિજય નક્કી મનાય રહ્યો છે. સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યાં અત્યારથી ઉમેદવારની શોધ ભાજપે ચાલું કરી દીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર સર્વે શરૂ થઈ ચૂક્યા છે. 

ફોક્સ પંજાબ રહેશે
રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આ જ મહિનામાં પંજાબની મુલાકાત લઈને જરૂરી જવાબદારીઓ સોંપી શકે છે. આ માહોલમાં નવા મંત્રીમંડળ માટે ચહેરાઓ પણ નક્કી થઈ શકે છે. આ બન્ને પરિબળ વચ્ચે પક્ષની નવી ટીમ અને સરકારની નવી ટીમ જોવા મળી શકે છે. કેવલ સિંહ ઢિલ્લોનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઢિલ્લોન બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. એ સમયે તેઓ કોંગ્રેસમાંથી હતા. એ પછી તેઓ 2022માં તેઓ ભાજપમાં જોડાયા હતા. પંજાબમાં અકાલી દળના પ્રભાવ વચ્ચે ભાજપ મેદાને પડશે, આમ આદમી પાર્ટીની સરકારની અનેક એવી યોજનાઓ સામે પ્રજાને રીઝવવા માટે પ્રયાસ કરશે. ભાજપ અને અકાલી દળનું એક સમયે ગઠબંધન હતું પણ કૃષિ સંબંધીત કાયદાઓને લઈને પક્ષમાં તિરાડ પડી ગઈ. 

સરકારની નવી ટીમ આવશે
વિવાદ એટલો વકર્યો હતો અને ખેડૂતોની તીવ્રતા એટલી હતી કે, આ કાયદો પાછો લેવો પડ્યો હતો. વર્ષ 2027માં પંજાબ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. ભાજપ ડ્રગ્સનું દૂષણ, રોજગારી, સુરક્ષા વ્યવસ્થા, બોર્ડર વિસ્તારના ગ્રામ્યોના પ્રશ્નો અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને ઊઠાવી શકે એમ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની સરકારમાં થયેલી ગેરરીતિ, હત્યાની ઘટના, ફાયરિંગ તથા ગુંડાગીરીને લઈને બની રહેલી ઘટનાઓને મુદ્દો બનાવીને લડત આપી શકે એમ છે. પશ્ચિમ બંગાળમાં જીત બાદ હવે પાર્ટીનું સંપૂર્ણ ફોક્સ પંજાબ પર છે જ્યારે કેન્દ્રીય સ્તરે પાર્ટીનું ફોક્સ નવા મંત્રીમંડળ તરફ છે. આ માટે વડા પ્રધાન મોદી તથા અમિત શાહ બંધ બારણે કોઈ મહત્ત્વની બેઠક યોજી શકે છે, જોકે આ બેઠકનો વિષય હજુ સુધી સ્પષ્ટ નથી પણ સૂત્રોના જણાવ્યા અનુસા બેઠકનો મુદ્દો મંત્રીમંડળ તરીકે સરકારની નવી ટીમનો હોઈ શકે છે.