Wed Jun 10 2026

Logo

બ્રાન્ડ વેલ્યુમાં વિરાટ કોહલી બન્યો 'ધુરંધર': બચ્ચનથી લઈ શાહરુખ-ધોનીને પાછળ મૂક્યા!

2026-06-09 16:47:39
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ કોઈપણ સેલેબ્સ સમયાંતરે એવું સાહસ કરે છે જેનાથી એમના ફેન્સને આશ્ચર્ય થાય છે. ક્રિકેટસ્ટાર હોય કે સિનેસ્ટાર, સમયાંતરે એમની બ્રાન્ડ વેલ્યુનું મૂલ્યાંકન થતું હોય છે. ઘણીવાર લોકોની પસંદ પરથી તો ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના ફોલોઅર્સ પરથી. ક્યારેક આ આંકડો બ્રાંડ પ્રમોશન માટે આશીર્વાદ સમાન બની જાય છે તો ક્યારેક આ જ આંકડાથી એમને માર્કેટમાંથી કોઈમોટી કમર્શિયલ ડીલ મળતી હોય જેનો આર્થિક ફાયદો કરોડોમાં થાય છે. આ સેલેબ્સમાં આ વખતે કોહલીએ 'વિરાટ' ડંકો વગાડીને ધોની, સચીન અને કિંગ ખાન જેવા માઈલસ્ટોન પર્સનને પાછળ મૂકી દીધા છે. 

કોહલીની 'વિરાટ' વેલ્યું
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ક્રિકેટ પીચ રનનો રેકોર્ડ કર્યા બાદ હવે બ્રાંડ વેલ્યું બાબતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બિઝનેસ, પેઈડ પ્રમોશન, પ્રમોશન પોસ્ટ, એડ વીડિયો અને એડ પોસ્ટની દુનિયામાં એક એવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે જે અતુલ્ય અને અસાધારણ છે. દેશના 25 સૌથી વેલ્યુએબલ સેલેબ્સની યાદી તૈયાર કરવામાં આવી ત્યારે વિરાટનું નામ પહેલા ક્રમ હોવાનું જાણવા મળ્યું છે. ફોર્ચ્યુન ઈન્ડિયા અને ગ્લોબલ બ્રાંડ જેવી રિસર્ચ ફર્મ એ એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને કેટલીક આંકડાકીય માહિતી જાહેર કરી છે, જેમાંથી આ વાવડ મળ્યા છે. આ રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી ₹ 3,542 કરોડની બ્રાંડ વેલ્યું સાથે સૌથી વધારે વેલ્યુએબલ પર્સનાલિટીની યાદીમાં ટોપ પર છે. પ્રથમ ક્રમે વિરાટ કોહલીનું નામ સામે આવતા ઘણાને આશ્ચર્ય થયું છે. 

કિંગખાન પણ પાછળ
કોહલીએ આ રેસમાં બોલિવૂડના કિંગ ખાન-શાહરૂખ ખાનને પણ પાછળ મૂકી દીધા છે. ક્રિકેટની દુનિયાના ભગવાન સચીન તેંડુલકરને પણ પાછળ રાખ્યા છે. આ રિપોર્ટમાં ટોપ-10ની જે યાદી તૈયાર કરવામાં આવી છે એમાં 3 ક્રિકેટરનો સમાવેશ થાય છે અને 7 ફિલ્મસ્ટાર છે. શાહરૂખ ખાન બ્રાંડવેલ્યુની યાદીમાં બીજા ક્રમે છે. વૈશ્વિક સ્તર પર ભારતનું નામ રોશન કરનારી પ્રિયંકા ચોપરા આ યાદીમાં ત્રીજા ક્રમે છે, જે મહિલા સેલેબ્સની કેટેગરીમાં સૌથી આગળ છે. વિરાટ કોહલી, શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા એ સેલેબ્સમાંથી એક છે જેના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ કરોડોમાં છે. સૌથી વધારે અને ટોપ ફોલોઅર્સની યાદીમાં પ્રિયંકા અને કોહલીને સૌથી આગળ છે. 

MS Dhoni

માપદંડ શું હોય છે?
ચોથા ક્રમે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે એ પછી બોલિવૂડની ફિલ્મ 'ધુરંધર' ફેમ એક્ટર રણવીર સિંહનું નામ છે. કોઈપણ સેલેબ્સની બ્રાંડવેલ્યું માટે કેટલાક માપદંડ હોય છે. આ માપદંડમાં વાર્ષિક ધોરણે મૂલ્યાંકન કરવામાં આવતા સોશિયલ મીડિયાના ફોલોઅર્સ, વાર્ષિક કમાણી અથવા બોક્સ ઓફિસ પર સફળતા (અહીંયા ફી મેટર કરતી નથી જે મેચ કે ફિલ્મ માટે આ સેલેબ્સ લે છે), બ્રાંડ પ્રમોશન પણ આ વખતે સેલેબ્સ એઝ બ્રાંડ પર રિસર્ચની પદ્ધતિ અગાઉ કરતા તદ્દન અલગ હતી. આ વખતેના રીસર્ચમાં સેલેબ્સની સ્ટ્રેન્થ પારખવા છ માપદંડ નક્કી કરાયા હતા, જેમાં સેલેબ્સની વિશ્વસનીયતા, લોકો સાથે એની ક્નેક્શન, લોકો સાથેની એની વર્તણૂક, લોકપ્રિયતા (સોશિયલ મીડિયાના દાયરાથી નહીં), જવાબદારી અને જે તે બ્રાંડ પર તે કેટલા ફીટ બેસે છે એ. આ માપદંડને ધ્યાને રાખીને રેન્ક આપવામાં આવ્યા હતા. 

યાદીમાં અન્ય કોણ?
ટોપ-25 સેલેબ્સની યાદી પર નજર કરીએ તો મહિલા કેટેગરીમાં પ્રિયંકા બાદ દીપિકા પાદુકોણ, નેશનલ ક્રશ રહેલી રશ્મિકા મંદાના, કૃતિ સેનન અને સાઉથ સ્ટાર નયનતારાનો સમાવેશ થાય છે. સૌથી મોટી અને ખાસવાત એ છે કે, ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. મનોરંજન અને સ્પોર્ટ્સ ફિલ્ડની જાણીતી હસ્તીની સાથે સંગીતકાર-ગાયક દિલજીત દોસાંજ, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી તથા વિક્કી કૌશલને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. બ્રાંડ વેલ્યુના લીસ્ટમાં નામ આવતા હવે એમને વધારે બીજી કમર્શિયલ ડીલ મળે એવી સંભાવનાઓ વધી ગઈ છે. ખાસ કરીને સિનેસ્ટાર અને સ્પોર્ટ્સ સ્ટારને લઈને કર્મશિયલ સેક્ટરમાં પ્રાયોરિટી વધે એવું રિપોર્ટમાંથી જાણવા મળે છે. 

ટોપ-10માં કોણ
1 વિરાટ કોહલી, 2 શાહરૂખ ખાન, 3 પ્રિયંકા ચોપરા, 4 મહેન્દ્ર સિંહ ધોની, 5 રણવીર સિંહ, 6 અક્ષય કુમાર, 7 અમિતાભ બચ્ચન, 8 સચિન તેંડુલકર, 9 આલિયા ભટ્ટ, 10 અલ્લુ અર્જુન.