Mon Aug 17 2026

Logo

સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ, ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહો અનિશ્ચિતકાળ માટે સ્થગિત

2026-08-13 14:08:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર હોબાળા અને વિરોધ બાદ આજે પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન સદનમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સતત ટકરાવ થયો. સત્ર દરમિયાન અનેક બિલ પાસ પણ કરવામાં આવ્યાં પરંતુ નીટ પેપર લીક, વિદ્યાર્થીઓનું આંદોલન અને વિદેશી રકમ અંગે સદનમાં સતત હોબાલો ચાલ્યો હતો. આજે આ છેલ્લા દિવસે વંદે માતરમ સાથે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 

નીટ પેપર લીક અને વિરોધ પ્રદર્શનો વચ્ચે ચોમાસું સત્ર પૂર્ણ

રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તે પહેલાં લોકસભામાં 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા સાંસદો હાજર રહ્યા હતા. સંસદમાં વિપક્ષનો હોબાળો પણ જોવા મળ્યો હતો. છેલ્લા દિવસ પણ વિપક્ષ દ્વારા હોબાળો ચાલુ રાખવામાં આવ્યો હતો. વિપક્ષે છેલ્લા દિવસે પણ ‘અમિત શાહ સદનમાં આવો’ના નારા સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો. આ તમામ બાબતો વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થઈ ગયું છે. 

સંસદના ચોમાસુ સત્ર અંગે કિરેન રિજિજુ શું કહ્યું?

ચોમાસુ સત્રના કાર્યકાળની વાત કરવામાં આવે તો, 20 જુલાઈથી લઈને આજે 13 ઓગસ્ટ દરમિયાન કુલ 19 બેઠકો યોજાઈ હતી. મડાગાંઠ અને હોબાળાના કારણે, લોકસભાની ઉત્પાદકતા આશરે 19 % રહી, જ્યારે રાજ્યસભાની ઉત્પાદકતા 39% રહી હતી. સંસદમાં કુલ 12 બિલ પસાર થયા, જ્યારે માત્ર એક બિલ પર ચર્ચા થઈ શકી તેવું સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું છે. 

 

વિદ્યાર્થીઓના વિરોધ, NEET પેપર લીક અને પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહી જેવા મુદ્દાઓ પર શાસક સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. ભારે વિક્ષેપો વચ્ચે, ખાણ અને ખનિજ (સુધારા) બિલ જેવા કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યો પૂર્ણ થયા, અને સત્ર આખરે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું!

લોકસભામાં કાર્યવાહી ફક્ત 15 કલાક ચાલી

મીડિયા અહેવાલો અનુસાર, લોકસભામાં વાસ્તવિક કાર્યવાહી ફક્ત 15 કલાક ચાલી, જેમાં બંને ગૃહોમાં કુલ 19 થી 30 કલાકનું કામ થયું હતું. જો કે, આ કાર્યવાહી 100 કલાકથી વધુ ચાલવી જોઈએ, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતા સંસદની કાર્યવાહી સાવ ઓછી રહી છે. વિક્ષેપોને કારણે, લોકસભાની કાર્યવાહી ફક્ત 15 કલાક અને રાજ્યસભાની કાર્યવાહી માત્ર 30 કલાક ચાલી છે.