Mon Jul 13 2026

Logo

ગુજરાતમાં ફરી ચોમાસું ક્યારે સક્રિય થશે? જાણો પરેશ ગોસ્વામીની તારીખવાર આગાહી

2026-07-13 08:36:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળબંબાકાર થયા હતા. સુરતમાં પૂરથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જેના કારણે બિયારણ તો નિષ્ફળ ગયું છે સાથે જમીન ધોવાણનું પણ મોટું નુકસાન થયું છે. હાલ વરસાદ ખેંચાયો છે. આ સ્થિતિમાં રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે તે જાણવા ખેડૂતો સહિત તમામ લોકો આતુર છે. આ અંગે મુંબઈ સમાચારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી.

પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું, નૈઋત્યનું ચોમાસું આ વર્ષો થોડુંક અનબેલેન્સ તો છો અને એના ઉપર પણ અલનીનો પ્રભાવ છે ભલે ઓછો વધતો જોવા મળી રહ્યો છે પરંતુ ઈન્ડિયન ઓશન ડાયપોલ (IOD) પોઝિટિવ હોવાના કારણે શરૂઆતમાં અરબ સાગરમાંથી સારો વરસાદ મળ્યો હતો. અરબ સાગર અને બંગાળની ખાડી બંને નિષ્ક્રિય થતાં ચોમાસું ધરી ઉત્તર ભારત અને હિમાલય તરફ ખસી ગઈ છે. પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું શક્તિશાળી વાવાઝોડું બાવી બંગાળની ખાડીના ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડી સિસ્ટમ બનાવવા નિષ્ક્રિય થઈ છે. 

ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ

પરેશ ગોસ્વામીએ કહ્યું, પ્રશાંત મહાસાગરનું વાવાઝોડું શાંત થતાં જ અરેબિયન સી અને મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ ફેઝમાં આવશે. જેના કારણે 15 થી 20 જુલાઈના સમયગાળામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત (સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ) માં છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી લઈ મધ્યમ વરસાદની શરૂઆત થશે. જો કે આ વરસાદ સાર્વત્રિક કે ખૂબ શક્તિશાળી નહીં હોય.

22 થી 24 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. આ સિસ્ટમના કારણે 25 જુલાઈથી 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદનો બીજા રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના વંચિત વિસ્તારોને સારો લાભ મળશે તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.

 

આ ઉપરાંત ઑગસ્ટની શરૂઆતના દિવસોમાં મધ્ય વરસાદ રહેશે. પરંતુ 26 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. જેમાં ડેમ ઑવરફ્લો થઈ શકે છે.


પરેશ ગોસ્વામીએ કહ્યું, રાજ્યના લગભગ 20% વિસ્તારો (જેમ કે કચ્છના રાપર સિવાયના તાલુકા, દ્વારકા, જામનગર, પોરબંદર અને ભાવનગરનો કેટલોક ભાગ) હજુ પણ વાવણી લાયક વરસાદથી વંચિત છે અથવા ત્યાં ખૂબ ઓછો વરસાદ છે. જ્યાં પિયત આપીને કે શરૂઆતના ભેજથી વાવણી થઈ ગઈ છે, ત્યાં ઉપરથી ગરમી અને નીચેથી ભેજ મળવાના કારણે મગફળીના પાકમાં ફૂગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પાકમાં કાળી અને સફેદ ફૂગ જોવા મળી રહી છે. જ્યાં સુધી આગામી દિવસોમાં ધોધમાર વરસાદ ન પડે ત્યાં સુધી માત્ર ઝાપટાં પડવાથી ભેજ અને ગરમી વધશે, જેનાથી ફૂગ વધી શકે છે. તેથી ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના તાત્કાલિક ઓર્ગેનિક કે કેમિકલ પેસ્ટીસાઈડનો એક ડોઝ આપીને આ ફૂગને નિયંત્રિત કરી લેવી જોઈએ જેથી મોટું નુકસાન ન થાય.

વાવણી બાકી હોય તેવા ખેડૂતો માટે 'ક્રોપ પેટર્ન ચેન્જ' કરવાની સલાહ 

પરેશ ગોસ્વામીએ  જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદ નથી થયો અને વાવણી બાકી છે, તેવા ખેડૂતોને  પરંપરાગત પાકની પેટર્ન બદલવા સલાહ આપી હતી. તેમણે કહ્યું, જો વરસાદ 25 જુલાઈ પછી આવે તો મગફળી અને કપાસનું વાવેતર કરવું ઘણું મોડું ગણાશે. ખેડૂતોએ ટૂંકા ગાળામાં (80-90 દિવસમાં) પાકી જતા પાક પસંદ કરવા જોઈએ. અડદ, મગ અથવા તુવેર તેવા કઠોળ તથા એરંડા (દિવેલા), સોયાબીન અથવા તલ જેવા તેલીબિયાંનું વાવેતર કરવું જોઈએ. આ વૈકલ્પિક પાકો લેવાથી ખરીફ સીઝન સમયસર સચવાઈ જશે અને ખેડૂતો આર્થિક નુકસાનથી બચી શકશે.