Sun Jun 21 2026

Logo

કેનવાસ: સનાતન જખમ વત્તા અધૂરાં વચનોનો દસ્તાવેજ: ઇતિહાસના પાને નોંધાયેલા શબ્દો - ‘મેં વાપસ આઉંગા’

2026-06-21 09:12:00
Author: Abhimanyu Modi
Article Image

 

 

 

- અભિમન્યુ મોદી

 

  ‘હું પાછો આવીશ...’ આ માત્ર થોડા શબ્દો નથી, પણ મનુષ્ય જાતિએ ઉચ્ચારેલી સૌથી મોટી, સૌથી આશાવાદી અને કેટલીકવાર સૌથી પીડાદાયક પ્રાર્થના છે. જ્યારે કોઈ વ્યક્તિ ઘરના ઉંબરેથી વિદાય લે છે ત્યારે આ શબ્દો પાછળ ઊભેલા સ્વજનને એક હૂંફ આપે છે કે દીવો બળતો રાખજો, જમવાની થાળી પર મારો હક્ક અકબંધ રાખજો, આ અંતર માત્ર સમય પૂરતું છે... પણ ઇતિહાસ સાક્ષી છે કે 1947માં લાખો લોકોએ પોતાના આંગણાને ભીની આંખે આ વાક્ય કહ્યું હશે, પણ  સમયના ક્રૂર ચક્રએ તેમને આ વચન ક્યારેય પાળવા દીધું નહીં.  

  

આ જ અધૂરાં વચનોની વેદના એટલે હાલમાં ચર્ચામાં રહેલી ફિલ્મ ‘મેં વાપસ આઉંગા’.

 

મુંબઈના સિનેમા વર્તુળોમાં આ ફિલ્મની ભારે ચર્ચા છે, પણ એક સમીક્ષકની તટસ્થ નજરે જોઈએ તો ફિલ્મમાં કેટલીક ત્રુટિઓ ઊડીને આંખે વળગે તેવી છે. દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની પોતાની એક બીબાંઢાળ દુનિયા છે, જેમાંથી તે હજુ પણ સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી. બૌદ્ધિક ચાળણીમાંથી પસાર કરીએ તો ફિલ્મની માવજત સામે કેટલાક સ્પષ્ટ પ્રશ્રો ઊભા થાય છે, જેમકે 

 

હીરોનું સાઇકલ ચલાવવું એ હવે દિગ્દર્શકનું સિગ્નેચર ઓછું અને એકવિધતા વધુ લાગે છે. ‘લવ આજ કલ’માં  સૈફ અલી ખાનના પાત્રની જે છાંટ અને ઊર્જા હતી તેનો સ્પષ્ટ પ્રભાવ અહીં પણ જોવા મળે છે. તે પાત્ર પણ સાઇકલ ચલાવતું. કંઈ નવું સર્જવાને બદલે જૂના જાદુને અહીં ફરી જીવંત કરવાનો મોહ વારંવાર ડોકિયાં કરે છે. ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાતી વાર્તા અને ટ્રેનની લાંબી મુસાફરીઓ 

 

આ બધું ઇમ્તિયાઝના સિનેમામાં એક કરતાં  વધુ વખત આવી ગયેલાં તત્ત્વ છે. આ ઉપરાંત ફિલ્મનું સંપાદન વધુ ચુસ્ત અને ધારદાર હોઈ શક્યું હોત. અમુક દૃશ્યો બિનજરૂરી રીતે ખેંચાયેલા લાગે છે, જે વાર્તાની ગતિને ધીમી પાડે છે. જો તમે માત્ર સિનેમેટિક માપદંડો પર આ ફિલ્મને તોલશો તો તે ક્યાંક ને ક્યાંક ઢીલી પુરવાર થઈ શકે છે.

 

જોકે સિનેમા હંમેશાં માત્ર મગજથી કે તર્કના ત્રાજવે નથી જોવાતું. અમુક ફિલ્મ્સ  માત્ર સેલ્યુલોઇડ પર ચીતરેલી વાર્તા નથી હોતી, પણ એક ‘વિશુદ્ધ જખમ’ હોય છે. જ્યારે તમે સમીક્ષકનાં ચશ્માં ઉતારીને હૃદયથી આ ફિલ્મને જુઓ ત્યારે તેની તમામ ખામીઓ ગૌણ બની જાય છે અને તે એક કરુણ કવિતાનું સ્વરૂપ ધારણ કરે છે.

 

આ ફિલ્મ માત્ર એક પ્રેમી, એક વૃદ્ધ કે સરહદ પાર રહી ગયેલા કોઈ ખંડેર ઘરની વાત નથી. આ એ સનાતન જખમની કથા છે, જેમાં ચામડી નથી કચરાતી, પણ આત્મા ચગદાઈ જાય છે. એવો જખમ જેમાં આખું આયખું નિરંતર પીડામાં કાઢવાનું હોય. છલ્લા શ્ર્વાસ ચાલતા હોય ત્યારે પણ પેલો જખમ જમરાજ સાથે લડાઈ કરે, કારણ કે જમીનના જે ટુકડામાં હૃદય દટાયેલું પડ્યું છે તેને મળ્યા વિના જીવ કઈ રીતે છૂટે?

 

 1947નું વિભાજન એ માત્ર નકશા પર દોરાયેલી કોઈ નવી રેખા નહોતી. એ અધૂરા રહી ગયેલા સંવાદોનું એક ભયાવહ કારખાનું હતું. એક જ શરીરના જમણા હાથે ડાબા હાથને છૂંદી નાખ્યો. કોઈ પોતાની દુકાન એવું વિચારીને છોડી ગયું કે રમખાણો શાંત થતાં જ પાછા ફરીશું... કોઈ સ્ત્રીએ પોતાનાં ઘરેણાં ટ્રંકમાં મૂકીને વિચાર્યું કે થોડા દિવસોની જ તો વાત છે. માનવીય ઇતિહાસનો સૌથી ખતરનાક શબ્દ જો કોઈ હોય તો તે છે : ‘કદાચ’ 

 

કદાચ આપણે પાછા ફરીશું... કદાચ પડોશી ઘર સાચવી લેશે...  કદાચ આ હિંસા  અટકી જશે. આ અવાસ્તવિક  ‘કદાચ’ની ક્રૂરતાએ જ લાખો લોકોને કાયમ માટે નિર્વાસિત કરી દીધા.

 

માણસ મૃત્યુને પચાવી શકે છે, કારણ કે તેમાં એક ભયંકર નિશ્ર્ચિતતા છે, પણ અચોક્કસતા માણસને જીવતેજીવ મારી નાખે છે. વિભાજને લોકોને એ ખબર જ ન પડવા દીધી કે તેઓ કાયમ માટે ઘરવિહોણા થઈ ગયા છે.

 

સૌથી દુ:ખદ વચનો એ નથી હોતાં જે માણસ તોડે છે, પણ એ હોય છે જે ઇતિહાસ માણસને પાળવા દેતો નથી. આજે પણ જ્યારે કોઈ વૃદ્ધ એ જૂના ઘરની વાત કરે છે ત્યારે તેમની આંખોમાં જે શૂન્યતા છવાય છે, તે કોઈ સરકારી દસ્તાવેજમાં નોંધાઈ શકતી નથી. ખિસ્સામાં પડેલી એ જૂના ઘરની કાટ ખાધેલી ચાવી માત્ર ધાતુનો ટુકડો નથી, પણ ઇતિહાસ સામે નોંધાવેલો એક મૂગો વિરોધ છે. એ ચાવી જાણે ચીસો પાડીને કહી રહી છે કે ’મારું પણ એક ઘર હતું... મારું પણ એક આંગણું હતું... હું હંમેશાંથી શરણાર્થી નહોતો.’ 

 

ફિલ્મ  ‘મેં વાપસ આઉંગા’  ભલે દિગ્દર્શકની ગૂંચવણોનો શિકાર બની હોય, પણ તે એ  સનાતન દર્દને વાચા આપે છે, જે આજે પણ ઉપખંડની છાતીમાં દબાયેલું છે. વિભાજન માત્ર 1947માં પૂરું નહોતું થયું. તે નિર્વાસિત છાવણીઓમાં, બદલાયેલી અટકોમાં, વિઝા ઑફિસની બહાર લાગતી લાઇનોમાં, ઉતાવળમાં લેવાયેલા નિર્ણયોમાં અને ગૂગલ મૅપ પર પોતાના વડવાઓનું ગામ શોધતા યુવાનોની આંગળીઓમાં આજે પણ ધબકે છે.

 

અઢી કલાકની આ સિનેમેટિક યાત્રા અંતે તો આપણને એ જ નગ્ન સત્યની સામે  ખડા કરી  દે છે કે કાગળ પર રાતોરાત લીટીઓ દોરી શકાય છે, પણ આત્મા પર પડેલા જખમને 

 

રૂઝાતા સદીઓ વીતી જાય છે. જે લોકોની અંદર હજુ પણ સંવેદનાનો અવાજ જીવતો છે, તેમને પાર્ટિશનની કહાની અને પ્રેમવાર્તાનો કરુણરસ રડાવશે.