- સંજય છેલ
અનોખો દાનવીર ચક ફીને
ટાઇટલ્સ:
સલાહ ને સ્નેહ આપવામાં જ મજા છે. (છેલવાણી)
કલકત્તાનો એક રિક્ષાવાળો રોજ ફક્ત 2 રૂ. બચાવતો ને 20 વર્ષ પછી પૂરગ્રસ્તો માટે 50,000 દાનમાં આપ્યા! એક પત્રકારે પૂછ્યું: ‘તમને આવું કરવાનું કેમ સુઝ્યું?’
રિક્ષાવાળાએ કહ્યું: ‘કારણ કે ભૂખ શું હોય છે, એ મને ખબર છે.’
તો મહારાષ્ટ્રના નિવૃત્ત પોસ્ટમેને પોતાની મરણમૂડી જેવી પ્રોવિડંટ ફંડની રકમ ગામમાં શાળા બનાવવા દાનમાં આપી દીધી. કોઈએ પૂછ્યું, ‘તમે નિવૃત્તિ સમયે આટલું બધું દાન કેમ આપ્યું?’
‘હું જિંદગીભર પત્રો વહેંચતો રહ્યો. હવે ભવિષ્ય વહેંચું છું.’ પોસ્ટમેને હસીને કહ્યું.
..,,અને મુંબઈનો એક ટેક્સીવાળો દરરોજ ભૂલાઈ ગયેલા મોબાઇલ, પર્સ ને દસ્તાવેજો મુસાફરોને શોધી શોધીને પરત આપવા જાય છે. આની પાછળ એનો અદ્ભુત તર્ક છે:
સારા કર્મનું માઈલેજ વધારે મળે છે!
ચલો, આ બધા નાના લોકો છે, જેનું મોટું દિલ છે, પણ મોટે ભાગે પૈસાવાળા દાતાઓ પોતાના નામની તક્તી સ્માશાનની બેંચ પર પણ મૂકવાનું ભૂલતા નથી જ્યાં રોજ અનેક લોકો ધુમાડો બનીને વિસરાઇ જાય છે. ભાગ્યે જ દાતાઓ યશ કે પુણ્યની લાલસા વિના આપી શકે છે, પણ એક એવા અબજોપતિની વાત હમણાં જાણી કે જે જગભરના મહાન દાતાઓના ઇતિહાસમાં સાવ અદૃશ્ય છે!
એક એવો અબજોપતિ જે ગગનચુંબી ઇમારત ખરીદી શકે એ ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા, પોતાનો સામાન પ્લાસ્ટિક બેગમાં રાખતો, મોંઘી ગાડીઓ ખરીદી શકવા છતાં એની પાસે એક કાર પણ નહોતી. માત્ર 1000-1500 રૂપિયાની મામૂલી ઘડિયાળ પહેરતા. બિઝનેસ મુસાફરીમાં દસ્તાવેજો બ્રીફકેસને બદલે પ્લાસ્ટિકની શોપિંગ બેગમાં રાખતા. એ મહાન વ્યક્તિ ‘ચક ફીને’ હતા.
ચક ફીને 1980ના દાયકામાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક હતા. જગતભરના એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી સામાનની દુકાનોના સહ-સંસ્થાપક હતા. 1982માં એમણે ‘એટલાન્ટિક ફિલાન્થ્રોપીઝ’ નામના સખાવતી ફાઉંડેશનની સ્થાપના કરી. 1984માં, એમણે જીવતે જીવત ધંધામાંથી અબજો ડૉલરનો હિસ્સો ફાઉંડેશનને દાનમાં આપી દીધો!
આપણે ત્યાં દરેક ધર્મમાં અપરિગ્રહ કે ત્યાગ, ભલાઇ કે સદકાર્યની વાતો બહુ થાય છે, પણ પૈસો છૂટતો નથી. ચક ફીનીએ ચાર દાયકાઓ દુનિયાભરમાં લગભગ 800 કરોડથી વધુનું દાન આપ્યું. યુનિવર્સિટીઓને ભંડોળ આપ્યું જેથી સામાન્ય વિદ્યાર્થીઓ પણ ભણી શકે. એવા દેશોમાં હોસ્પિટલો બનાવી જ્યાં ચારેકોર ગરીબી ને ભૂખમરો હતો. મેડિકલ સંશોધનમાં દાન આપ્યું, જેનાથી લાખોના જીવ બચ્યા. વિયેતનામથી લઇને દક્ષિણ આફ્રિકા સુધી માનવઅધિકારો માટે ધંધાના ભોગે અમેરિકન સરકાર સામે લડત પણ કરી.
ઇન્ટરવલ:
યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ? (સાહિર)
એક દાતાએ કહ્યું: ‘મેં મારી અડધી સંપત્તિ દાનમાં આપી દીધી.’
‘કેમ?’
‘કારણ કે બાકીની સંપત્તિ તો મારો અહંકાર હતીને?’
ચક ફીનેએ આ ત્યાગના અહંકાર પર વિજય મેળવેલો. લગભગ 15 વર્ષ સુધી આટલું બધું ગુપ્ત દાન કર્યું. કરોડનું ડોનેશન મેળવતી યુનિવર્સિટીઓને ખબર નહોતી કે પૈસા ક્યાંથી આવે છે. જગતના સૌથી મોટા દાતા વિશે વિશ્વને એમના અસ્તિત્વનો કોઈ ખ્યાલ નહોતો કારણકે હોસ્પિટલ કે કોલેજ ક્યાંય ચકના નામની તકતીઓ નહોતી.
એકવાર ચક એક યુનિવર્સિટીમાં ગયા, જેમાં લાખોનું દાન કર્યું હતું. એમણે બાથરૂમ જવું હતું એટલે એમણે સ્ટાફને પૂછ્યું તો એણે પબ્લિક ટોઇલેટ દેખાડ્યું. ચક, ચૂપચાપ પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરીને બહાર નીકળી ગયા. ધારત તો પ્રાઇવેટ ટોઇલેટની માંગ કરી શક્યા હોત, પણ ચક માટે અબજોપતિ હોવું એ અભિમાન કે સ્વાર્થ નહીં પણ માત્ર જવાબદારી હતી.
છેક 1997માં ચકની ઇચ્છા વિરુદ્ધ એમની ઓળખ જાહેર થઈ. લોકોને નવાઈ લાગી કે કોઈ માણસ અબજો રૂપિયા દાન કેવી રીતે આપી શકે ને પૈસા હોવા છતાં આટલું સાધારણ જીવન કેવી રીતે જીવી શકે? ચક બહુ પહેલાં એક એવી વાત સમજી ચૂકેલા કે સંપત્તિ એ નથી કે તમે શું સંઘરી રાખો છો પણ તમે જીવતા હો ત્યારે તમે એનું શું કરો છો જેથી અસર જોવા મળે. ‘ૠશદશક્ષલ ૂવશહય હશદશક્ષલ’ એટલે કે જીવતા હોઈએ ત્યારે જ દાન આપવું. પુણ્યની લાલચમાં કે સ્વર્ગના ખ્વાબમાં તમે મૃત્યુ પામો ત્યાં સુધી કેમ રાહ જોવાની? ચકની ફિલસૂફીએ દાન કે પરોપકારની વિચારધારા સાવ બદલી નાખી. ચક ફીનેના આવા અભિગમથી અન્ય એક અબજપતિ બિલ ગેટ્સ બદલાયા. બીજા એક અબજપતિ વોરેન બફેટે એમને હીરો કહ્યા.
એ બધાએ ચક સાથે મળીને ‘ગિવિંગ પ્લેજ’ નામે ભંડોળ શરૂ કર્યું. આજે 240થી વધુ અબજોપતિઓ એમાં શામિલ છે. એક વિચાર, એક માણસનો ત્યાગ અનેક અબજોપતિના ઇગોને ઓગાળી શકે છે!
2020 સુધીમાં ચકના એટલાન્ટિક ફિલાન્થ્રોપીઝ ફાઉંડેશને ડોનેશન લેવાનું બંધ કરી દીધું. ફાઉન્ડેશને ભેગા કરેલા એક એક પૈસો ખર્ચ કરી નાખ્યો ને મિશન પૂરું થયું. ચક ફીનેએ પોતાના માટે 20 લાખ ડૉલર રાખ્યા, જે એમની પત્ની હેલ્ગા સાથે જીવવા માટે પૂરતા હતા. અબજોપતિમાંથી મધ્યમ વર્ગના નિવૃત્ત લોકો કરતાંયે ઓછા પૈસા સાથે અંત સુધી જીવ્યા. ચકની એક જ ફિલોસોફી: ‘તમારે તમારી સંપત્તિનો ઉપયોગ લોકોને મદદ કરવા માટે કરવો જોઈએ’ ચક ફીનેએ સાબિત કર્યું કે વારસો છોડવા માટે તમારે સ્મારકોની જરૂર નથી. દુનિયા બદલવા માટે તમારા નામવાળી ઇમારતોની જરૂર નથી. માત્ર ઉદારતાથી આપવાની ને નમ્રતાથી જીવવાની વાત છે.
ઓક્ટોબર 2023માં ચક ફીનેનું 92 વરસે અવસાન થયું. ત્યાં સુધી એમણે ડોનેશન આપેલી યુનિવર્સિટીઓમાંથી અનેક વિદ્યાર્થીઓ સ્નાતક થતા જોયા. પોતાની હોસ્પિટલોમાં લાખો દર્દીઓને સ્વસ્થ થતા જોયા. આજે એ ગુમનામ દાતા ચક ફીનેના માન-સન્માનનું સ્મારક કે તક્તી લાખો લોકોના દિલમાં વસે છે.
એંડ ટાઇટલ્સ:
આદમ: તું ગુપ્ત દાનમાં માને?
ઇવ: તને દિલ આપ્યા બાદ ખાસ!