કવિ હરીન્દ્ર દવેની ભાષા ઊર્મિ પ્રાણિત છે અને અભિવ્યક્તિમાં નજાકત છે
- રમેશ પુરોહિત
હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવે આપણી ભાષાના નોખા - અનોખા સર્જક છે. એ એમ કહી શકાય કે મબલખ સર્જક છે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપો એમણે આસાનીથી અજમાવ્યાં છે. આસાનીથી અજમાવ્યાં છે એ તો કહેવાની રીત છે બાકી એની પાછળ કેટલો બધો પુરુષાર્થ, કેટલો શ્રમ અને સર્જક તરીકેનું અગાધ તપ એ બધું હોય છે. હરીન્દ્ર દવેએ નવલકથાઓ, નાટકો, વાર્તાસંગ્રહો આપ્યાં છે. નિબંધો તો એમને કવિતાની જેમ જ સહજ છે. પત્રકારત્વ ક્ષેત્રે એમનું પ્રદાન પ્રસિદ્ધ છે. એમના નિબંધોમાં સમુચિત દૃષ્ટાન્તો, આધ્યાત્મિકતાની અસર વગેરે આપો આપ આવે છે. શબ્દથી ભીતર સુધીના હરીન્દ્ર પાસેથી આપણને જે મળ્યું છે એમાંના અનેક હરીન્દ્રને કમને જતા કરીને અહીં આપણે કવિ હરીન્દ્ર દવેની જ વાત કરીશું.
હરીન્દ્ર વિવેચક ખરા પણ સહૃદયી વિવેચક છે. ‘શરદની ચાંદની’ નામના કવિતા આસ્વાદના પુસ્તકમાં હરીન્દ્રે પોતે કહ્યું છે કે, ‘અહીં વિવેચનનો કોઈ આયાસ નથી. ગમતી જતી કૃતિને ભાવકો સાથે માણવાની’ ‘ગમતાનો ગુલાબ કરવાની આ કેવળ આસ્વાદ પ્રવૃત્તિ છે.’ એમણે અનેક કાવ્યો લખ્યાં. એલિયટની ‘વેસ્ટ લેન્ડ’ જેવી કૃતિનો અનુવાદ આપ્યો, કાવ્ય સ્વાદો કર્યા. આમ હરીન્દ્રના અનેક પાસા છે.
ફક્ત કવિતાની વાત કરીએ તો કાવ્યનાં અનેક સ્વરૂપો એમણે અજમાવ્યા છે. ગીત, ગઝલ, સોનેટ, અછાંદસ તેમજ આધ્યાત્મિક શ્ર્લોકનો સંગ્રહ આપ્યો છે. સુરેશ દલાલે એમના ઉત્તમ કાવ્યનો સંચય ‘હયાતી’ સંપાદિત કર્યો અને હરીન્દ્રની કાવ્યસર્જન પ્રક્રિયાનો સમગ્ર ચિતાર આપતી 60 પાનાની વિશદ પ્રસ્તાવના લખી. આ સંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે, અને આપણે જાણીએ છીએ એમ આ સર્જકને યોગ્ય રીતે દરિયામાં ભરતી આવે એમ એવોર્ડ પર એવોર્ડ અનેક ક્ષેત્રથી મળતા રહ્યા છે. એમના પ્રખ્યાત શેરમાં હરીન્દ્ર દવેએ કહ્યું છે કે પ્રેમની ભરતી હશે તો બાકીનું બધું આવી મળશે:
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ
હરીન્દ્રનાં 50 પુસ્તકોનો સંપુટ પ્રગટ થયો છે. આ વિરલ ઘટના ગણી શકાય. આપણે એમનાં 50 પુસ્તકોમાંથી બે કાવ્ય સંગ્રહો: ‘તમે યાદ આવ્યા’ અને ગઝલ સંગ્રહ ‘મનન’ પર અછડતી નજર નાખીએ. ‘મનન’ એ હરીન્દ્રની નવી ગઝલો સંગ્રહ છે. ‘તમે યાદ આવ્યા’ એ એમનો કાવ્ય સંગ્રહ છે. સંગ્રહનું નામ જે ગીતને આધારે છે એ ગીત લોકો કંઠે અને કાનમાં વસી ગયું છે: ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા.’
‘હયાતી’માં સુરેશ દલાલે હરીન્દ્રની કવિતાની જે વ્યાપક અને ઊંડાણભરી ચર્ચા કરી છે એટલે આપણે વિગતોમાં નહીં જઈએ, બાકી હરીન્દ્રની કવિતા કોઈ પણ વિવેચકનું ધ્યાન દોરે તેવી છે.
હરીન્દ્ર દવેની કવિતામાં સૌથી પહેલી વાત તે અભિવ્યક્તિની નજાતક છે, એમની ભાષા ઊર્મિપ્રાણિત છે. આપણે એમના કાવ્યસર્જનનો ભાવાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરીએ એ જ ઉચિત છે. એમના અનુભવ લોકને ભાવક અનુભવે અને ભાવ સંક્રમણ સધાય એ આપણો આશય છે.
પચાસ વર્ષની સર્જનયાત્રામાં હરીન્દ્રભાઈએ ગીત અને ગઝલ બન્નેમાં પરંપરા નિભાવીને નવીનતાનો આદર કર્યો છે અને નવીનતાના માહોલમાં પરંપરાને વિસારે પાડી નથી. પરંપરાગત પ્રતીકોના જમાનામાં અને નવી ગઝલનો યુગ શરૂ થયાના એક દાયકા અગાઉ એમણે નવો જ વિચાર આપ્યો:
એણે લીધું જ્યાં ચાર દિનની ચાંદનીનું નામ
મુજને ફરી સ્મરણમાં ચડ્યું જિંદગીનું નામ
પરંપરામાં જે ભાવ છે, ભાષા છે અને રંગ છે તેનો લોકોએ સ્વીકાર કર્યો છે અને તેથી જ પરંપરાના શાયરોના હજારો શેર આજે પણ લોકોના હૈયે અને હોઠે રમતા રહે છે. હરીન્દ્રનો પરંપરાનાં પ્રતીકો સાથેનો ‘મત્લા’ જોઈએ:
આમ મન્સૂર અને મજનૂની કથા એક જ છે,
વિશ્ર્વથી તૃપ્ત અને તરસ્યાની દશા એક જ છે.
હરીન્દ્ર કહે છે કે, ‘મન્સૂર પૂર્ણતાના કેફમાં
હતા, મજનૂમાં તડપન હતી. તૃપ્તિ અને તરસના આ બંને અંતિમો મને આકર્ષતા રહ્યા છે. મૃત્યુ અને જિંદગીના અંતિમો સાથે પણ નાતો છે અને એથી જ ગવાઈ જાય છે:
મોત મોં ફેરવી જો સામી દિશાએ ચાલે
ને મને જિંદગી સાથે કોઈ અંજળ તો નથી.
હરીન્દ્રને ગઝલનો પરંપરાગત રંગ ગમે છે. એના લયનું સંગીત એમના ચિત્તમાં વસી ગયું છે. ગાલિબ, ઈકબાલ, જિગર, ફિરાક અને ફૈઝ એમના પ્રિય ગઝલકારો હતા.
આપણે હરીન્દ્રની અભિવ્યક્તિની નજાકતની વાત કરતા હતા. ગુજરાતી ગીતનું સ્વરૂપ નાજુક છે. સુરેશ જોષીએ કહ્યું હતું તેમ એ વિચારનો અને ચિંતનનો બોજો સહન કરી ન શકે, કથાનો ભાર ઉપાડી ન શકે. ગીત તો કવિના આગવા મિજાજનું પરિણામ છે. જેને ‘મૂડ’ સાથે નિસ્બત છે. ગીતમાં મિજાજ પ્રસન્નતાનો કે ઉદાસીનો પણ હોઈ શકે. ગીતમાં કોઈકવાર કોઈક પરિસ્થિતિની સંવેદના રણઝણતી હોય છે. કોઈ પણ કવિ જુદો પડે છે અભિવ્યક્તિને કારણે. કવિ નવું કહેવા માટે જાણીતો નથી હોતો પણ નવી રીતે કહેવા માટે જાણીતો હોય છે. ‘તમે યાદ આવ્યા’ એ સંગ્રહના પહેલા કાવ્યની પ્રથમ પંક્તિ જોઈએ તો ખ્યાલ આવશે:
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!
વાદળને વાવવાની કલ્પના અને અઢળક વરસાદની તાજગી કેટલી બધી છે એ ભાવકને અનુભવવાની વાત છે. હરીન્દ્રની નજાકત માટે આ પંક્તિ જુઓ:
પાંદડામાં થોડો થોડો તડકો ભર્યો
ને પછી માળામાં પંખીને પાયો
આંખ ભલે નીંદરનું વેન લઈ જાગે
કે ચાંચમાં ઉજાગરો લપાયો.
હરીન્દ્ર પ્રેમની પ્રસન્નતાનો અને પ્રેમના વિષાદનો કવિ છે. જગતમાં બે મહાન વિષયો છે: મૃત્યુ અને પ્રેમ. કવિ આ બન્ને વિષયોને પોતાની પ્રતિભાના આશ્ર્લેષમાં લે છે. ડાળ પર ફૂલ ફૂટે એટલે સ્વાભિવિકતાથી કવિને ગીતો ઊગે છે. કવિના ગીતમાં કયારેક એવો અહેસાસ થાય કે પ્રકૃતિનું વર્ણન છે પણ પ્રકૃતિનું વર્ણન તો ઉપાદાન સામગ્રી છે.
એમના ગીતતા વહેતા લયમાં પ્રેમનો ધબકારો અનુભવી શકાય છે. અહીં વરસાદના પણ અઢળક કાવ્યો છે. પ્રકૃતિ કાવ્ય તરીકે એ બધ્ધાં કાવ્યોને મૂલવવા જઈએ તો વિવેચક તરીકે ભોંઠા પડીએ. એ વરસાદની પાછળ પ્રિય વ્યક્તિનું અને પ્રિય વ્યક્તિ માટેનું વહાલ-હેત પણ નીતરતું હોય છે. કેટલીક કલ્પનાઓ આપણને તાત્કાલિક સ્પર્શી જાય છે:
વીજળી લખે છે કંકોતરી
કે મેઘરાજા આવો, આવો ને મારે આંગણે!
શણગારી આભની અટારી પૂરા કોડથી,
થોડાઘણા તારા ઝળકે છે મારા મોડથી,
હૈડું વાદળમાં દીધું કોતરી
ઓ મેઘરાજા
આવો, આવો ને મારે આંગણે
આપણા મોટાભાગના કવિઓના લોકગીતના લય અને લહેકા જોવા મળે છે. પ્રત્યેક કવિ પોતાની આ પરંપરાનો ઋણી હોય છે. પણ દરેક નવો કવિ એ ઋણને પોતાની રીતે ચૂકવી દેતો હોય છે. હરીન્દ્રનાં ગીતોમાં પણ તળપદાં ગીતોનો લય અને લહેકાઓ જોઈ શકાય છે.
શગને સંકોરી શિરે ગરબો મૂકું
ને જ્યોત ઘૂમી રહે છે તેજ રાત્રે
વાંસળીને સૂર મારા ઝમકે નેપુર
સર પ્રજળે ને માંહી લેહ લાગે
ખાલી ગાગર લઈ હું પાછી આવી છું, માડી
આંખડીમાં દરિયો જો જાગે
હરીન્દ્રની કવિતા સાથે રાધા અને કૃષ્ણ તો જાણે કે પોતાના હક્કદાવે સંકળાયેલા છે. કૃષ્ણને દ્વારકાના મહેલમાં અધરાતે રાધાની યાદ સતાવે છે એ કલ્પના જ સાવ નવી છે અને હરીન્દ્ર એ કલ્પનાને કેવી રીતે શબ્દોમાં મૂકે છે એ જાણવું અને માણવું જરૂરી છે.
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં
રાધાનું નામ યાદ આવ્યું
રુકમણિની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું...
કેદ આ અજાણી દીવાલોમાં, જાણીતી
કુંજગલી: કેમ કરી જાવું?
હરીન્દ્રના ગીત અને ગઝલમાં સામ્ય હોય તો એ છે વેદનાનું. આપણે આગલા સપ્તાહે આ વાત આગળ વધારીશું.
ક્રમશ: