ઢાકા: બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શેખ હસીનાના પીએમ પદ પરથી રાજીનામાં બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ સામાન્ય નહિ બન્યા, પણ આ વખતે વિરોધ કટ્ટરપંથીઓ દ્વારા બાંગ્લાદેશના રંગપુરમાં બની રહેલ ભગવાન શ્રીરામની સૌથી ઊંચી મૂર્તિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના દ્વારા કરવામાં આવેલા કથિત અપમાનના વિરોધમાં હિન્દુઓ રસ્તા પર ઊતરી આવ્યા છે. કટ્ટરપંથીઓ દ્વારા મૂર્તિના નિર્માણનું કાર્ય અટકાવી દેવામાં આવ્યું હોવાથી તેના વિરોધમાં હજારો હિન્દુઓએ મશાલ રેલી કાઢી હતી અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, બાંગ્લાદેશમાં આ નવો વિવાદ ઉત્તરી ગાયબંધા જિલ્લાના પલાશબારીમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાનું બાંધકામ અટકાવ્યાના થોડા દિવસો પછી ઉભો થયો છે. આ પ્રોજેક્ટ ચલાવતી શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિનો દાવો છે કે અધિકારીઓને ઇસ્લામિક જૂથો તરફથી ધમકીઓ મળી રહી છે.

વળી આ મામલે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી હોવા છતાં હજુ કોઈપણની ધરપકડ કરવામાં આવી નથી. આથી તેના વિરોધમાં ઘણા હિન્દુ સંગઠનો અને વિદ્યાર્થીઓ મુખ્ય શાહબાગ સ્ક્વેર પર ભેગા થયા અને નેશનલ પ્રેસ ક્લબ તરફ કૂચ કરી હતી. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ હિન્દુ મહાજોટ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગઠને નેશનલ પ્રેસ ક્લબની સામે માનવ સાંકળ પણ બનાવી હતી તેમજ અન્ય એક જૂથે ઢાકા રિપોર્ટર્સ યુનિટી બિલ્ડિંગ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ સાથે જ જ્યાં આ મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે તે રંગપુરમાં હિન્દુઓને પ્રદર્શન કરતા પોલીસે અટકાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ મહિનાની શરૂઆતમાં ગાયબંધામાં એક પ્રદર્શન દરમિયાન એક ઇસ્લામિક ટોળાએ ભગવાન રામની છબી પર જૂતું મૂકીને તેનું અપમાન કર્યું હતું.
લોકોએ તારિક રહેમાનની આગેવાની હેઠળની BNP સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો અને સરકાર આ મુદ્દે આંખ આડા કાન કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પ્રદર્શન કરી રહેલા લોકોએ આ વિવાદમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાની માંગણી સાથે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હિન્દુ સમુદાયે ધમકી આપી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો રેલીઓ અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.