Sun Sep 06 2026

Logo

પશ્ચિમ એશિયાના વિવાદ સમયે ભારતે એલપીજીની આયાત વિકેન્દ્રિત કરી

2026-06-20 20:49:42
Author: Ramesh Gohil
પશ્ચિમ એશિયાના વિવાદ સમયે ભારતે એલપીજીની આયાત વિકેન્દ્રિત કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વિવાદના સમયગાળામાં ભારતે એલપીજી (લિક્વિફાઈડ નેચરલ ગૅસ)ના સ્રોત માટે અખાતી દેશો તરફની આયાત નિર્ભરતા ઘટાડીને અમેરિકા, ઈરાન અને અન્ય દેશોથી આયાત વધારી હતી, જ્યારે ઘરગથ્થુ વપરાશકારોને રાહત થાય તે માટે જાહેર ક્ષેત્રના ઈંધણના રિટેલરોએ વૈશ્વિક સ્તરે જોવા મળેલો ભાવવધારો ખમી લીધો હતો. 

નોંધનીય બાબત એ છે કે આ વિવાદ પૂર્વે દેશમાં એલપીજીની આયાત 90 ટકા આયાત પશ્ચિમ એશિયાના પુરવઠાકારો તરફથી આવતી હોવાથી પશ્ચિમ એશિયા તરફથી આયાતનિર્ભરતા વધુ રહી હતી. જોકે, એપ્રિલ,2026થી દેશમાં અમેરિકાથી થતી એલપીજીની આયાતનો હિસ્સો જે ફેબ્રુઆરીમાં આઠ ટકાનો હતો તે વધીને એક તૃતિયાંશ થઈ ગયો હોવાનું ક્રિસિલે એક અહેવાલમાં જણાવ્યું હતું. 

વર્ષ 2025ના અંતમાં અમેરિકા સાથે પ્રત્યેક વર્ષે 22 લાખ ટન (વાર્ષિક આવશ્યકતાના 10 ટકા) એલપીજીના પુરવઠા માટે કરાર કરવામાં આવ્યા હોવાથી તેનો લાભ લેવામાં આવ્યો હતો. તેમ જ એપ્રિલમાં થયેલી આયાત પૈકી ઈરાનથી પણ  છ ટકા જેટલી આયાત થઈ હતી. આ સિવાય આર્જેન્ટિના, ચીલી, ફ્રાન્સ અને નેધર્લેન્ડથી પણ આયાત થઈ હતી. 

આ વિકેન્દ્રિકરણને કારણે વિવાદના સમયગાળામાં પણ પુરવઠો જળવાઈ રહ્યો હતો, પરંતુ આ પુરવઠો લાંબા સમયગાળાની પુરવઠાચેઈન અને ભાવવધારાને ભોગે ઉપલબ્ધ થયો હતો. પુરવઠો વિક્ષેપિત થવાની માગ પર કોઈ અસર નહોતી પડી અને એપ્રિલ મહિનામાં એલપીજીનો વપરાશ જે ફેબ્રુઆરીમાં 32 લાખ ટનનો હતો તે ઘટીને 24.7 લાખ ટનના સ્તરે રહ્યો હતો. 

ગત નાણાકીય વર્ષ 2026માં દેશમાં એલપીજીનો વપરાશ વર્ષાનુવર્ષ ધોરણે છ ટકા વધીને 3.32 કરોડ ટનની સપાટીએ રહ્યા બાદ ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં 13 ટકા ઘટ્યો હતો અને મે મહિનામાં 20 ટકાનો ઘટાડો થયો હતો. 

વિવાદના સમયગાળામાં વેપારી અને ઔદ્યોગિક વપરાશકારોને ઘરગથ્થુ ધોરણ કરતાં ઓછો પુરવઠો મળતા વપરાશમાં ઘટાડો થયો હતો અને બજાર સાથે સંકળાયેલા વર્ગે પુરવઠાખેંચને પગલે ભાવમાં વધારો કર્યો હતો. વધુમાં ક્રિસિલે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે એલપીજીની કિંમતમાં તીવ્ર વધારો થયો છે. બજારમાં પુરવઠાનાં જોખમો અને નૂર ભાડાં વધી આવ્યા હોવાથી ભારતીય આયાત માટેના બૅન્ચમાર્ક સાઉદી આરામકોના કોન્ટ્રાક્ટ ભાવમાં ફેબ્રુઆરીથી જૂન દરમિયાન 46 ટકાનો વધારો થયો હતો. જોકે, આ વધારો માત્ર આંશિક ધોરણે ગ્રાહકો પર પસાર કરવામાં આવ્યો હતો.