Sun Jun 21 2026

Logo

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ: અમદાવાદમાં અમિત શાહની હાજરી, રાજકોટમાં 365 દિવસ યોગની જાહેરાત

2026-06-21 09:29:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં યોગ દિવસની ઉજવણી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર ખાતે પણ આવા કાર્યક્રમ રાખવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વિગતે જોઈએ તો, અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યાં હતાં. અમિત શાહે પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગ કર્યા હતાં. 

ભારતમાંથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ

તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ભારતની પહેલથી થઈ હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “સ્વસ્થ બુઢાપા માટે યોગ” રાખવામાં આવી છે. યોગ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે અને તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરી શકે છે તે આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

અમદાવાદમાં 48થી વધુ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસ યોજાયો

અમદાવાદમાં એક બે જગ્યાએ નહીં પરંતુ અલગ-અલગ 48થી વધુ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો. રાજકોટની વાત કરવામાં આવે તો, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતો. અહીં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. રાજકોટના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાએ હાજરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન રાજકોટના મેયરે કહ્યું કે, રાજકોટમાં 365 દિવસ યોગ થશે, મનપા દ્વારા 400 કરતા વધુ સેન્ટર ઉભા કરાશે. 

રાજકોટમાં માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટમાં આવેલા  માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે પણ યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને મેયર ડો. નેહલ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાના આધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

રાજ્યમાં અનેક જગ્યાએ નાના-મોટા કાર્યક્રમો યોજાયા

વડોદરા શહેરમાં પણ અલગ-અલગ સ્થળોએ નાના-મોટા અનેક કાર્યક્રમોનું આયોજન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શહેરના સમા વિસ્તારમાં આવેલું ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ખેલાડીઓ, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકો પણ યોગ કરવા હાજર રહ્યાં હતાં.