Sun Sep 06 2026

Logo

બ્રિટનના PM સ્ટાર્મરના રાજીનામાની અટકળો, પક્ષના 100થી વધુ સાંસદોએ બળવો પોકાર્યો, સરકારે દાવો ફગાવ્યો

2026-06-21 10:48:00
Author: Mumbai Samachar Team
બ્રિટનના PM સ્ટાર્મરના રાજીનામાની અટકળો, પક્ષના 100થી વધુ સાંસદોએ બળવો પોકાર્યો, સરકારે દાવો ફગાવ્યો

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની ખુરશી પર છેલ્લા કેટલાક મહિનાઓથી સંકટ મંડરાઈ રહ્યું હતું. ત્યારે હવે સમાચાર એવા છે કે સ્ટાર્મર પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તેઓ પોતાના રાજીનામાની જાહેરાત કરવાની સાથે પદ છોડવાની સંપૂર્ણ ટાઇમલાઇન પણ દેશ સામે પ્રસ્તુત કરી શકે છે.

બ્રિટનના પ્રખ્યાત અખબાર 'દ ઓબ્ઝર્વર'ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. જોકે, બીજી તરફ સરકારી સૂત્રોએ આ દાવાઓને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે પીએમ સ્ટાર્મરનું પૂરું ધ્યાન અત્યારે દેશ ચલાવવા અને પોતાના કામ પર કેન્દ્રિત છે.

વાસ્તવમાં, પીએમ સ્ટાર્મરની ખુરશી પર પહેલેથી જ મંડરાઈ રહેલું સંકટ શુક્રવારે વધુ ઘેરું બન્યું હતું. 19 જૂને તેમના કટ્ટર વિરોધી નેતા એન્ડી બર્નહેમે સંસદની ચૂંટણી જીતી લીધી હતી. આ જીત પછી બર્નહેમને સ્ટાર્મર સામે નેતૃત્વનો પડકાર ફેંકવાની તક મળી ગઈ છે.

જોકે, સ્ટાર્મરે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નેતૃત્વ અંગેના કોઈપણ પડકારનો સામનો કરશે અને પાર્ટીએ અંદરોઅંદરની ખેંચતાણથી બચવું જોઈએ.

અંતિમ નિર્ણય લેતા પહેલા પત્ની સાથે ચર્ચા કરી

વડાપ્રધાન સ્ટાર્મર આ સમયે પોતાના સત્તાવાર ગ્રામીણ આવાસ 'ચેકર્સ' માં અંતિમ નિર્ણય લેતા પહેલાં પોતાની પત્ની સાથે આ આખા મુદ્દા પર ચર્ચા કરી હતી. લેબર પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓનું પણ માનવું છે કે સોમવાર સુધીમાં સ્ટાર્મરના ભવિષ્યને લઈને સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.

એક સરકારી સૂત્રએ વડાપ્રધાનનો બચાવ કરતા કહ્યું કે સ્ટાર્મર પોતાના કામમાં વ્યસ્ત છે. સૂત્રએ તેમના જૂના નિવેદનોનો હવાલો પણ આપ્યો. ખુદ સ્ટાર્મરે પણ શુક્રવારે કહ્યું હતું કે તેઓ પોતાની ખુરશી બચાવવા માટે કોઈપણ પડકારનો મક્કમતાથી સામનો કરશે. તેમણે પોતાની લેબર પાર્ટીના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ આંતરિક કલહ અને અંદરોઅંદરની લડાઈમાં પડીને પાર્ટીને બરબાદ ન કરે.

પોતાની જ પાર્ટીના 100 થી વધુ સાંસદો વિરોધમાં

સ્ટાર્મર માટે પોતાની જ પાર્ટીની અંદર પણ રસ્તો આસાન નથી દેખાઈ રહ્યો. હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના લગભગ ચોથા ભાગના સાંસદો, એટલે કે 100 થી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જાહેરમાં તેમની સામે મોરચો ખોલી ચૂક્યા છે. આ તમામ સાંસદોની માંગ છે કે સ્ટાર્મર કાં તો તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે અથવા તો સન્માનજનક વિદાય માટે એક નક્કી સમયસીમા (ટાઇમલાઇન) જાહેર કરે.

હવે આગળ શું થશે?

આવા સંજોગોમાં, હવે એન્ડી બર્નહેમની સંસદમાં વાપસીથી બ્રિટનની સરકારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. હવે બર્નહેમ પોતાની જ પાર્ટીના વડાપ્રધાન કીર સ્ટાર્મરને પદ પરથી હટાવવા માટે પોતાની આગામી ચાલ એટલે કે 'લીડરશિપ ચેલેન્જ' ની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે રાજકીય પંડિતોનું માનવું છે કે આગામી દિવસો બ્રિટનની સત્તા માટે ખૂબ જ ઉથલપાથલભર્યા હોઈ શકે છે.