Sun Jun 21 2026

Logo

ટૅક વ્યૂહ: ‘ઇન્સ્ટાગ્રામ’ને રી-સેટ કરો ને કૉન્ટેન્ટનું વૈવિધ્ય માણો

2026-06-21 10:17:00
Author: Viral Rathore
Article Image

 

 

 

એક જ વિષયના બહુવિધ ફોટો-વીડિયો જોવા કરતાં આખો વિષય જ બદલી દો... 

 

- વિરલ રાઠોડ

 

સોશ્યલ મીડિયા પર દરરોજ નવું-નવું પોસ્ટ થતું રહે છે. પહેલીવાર જ્યારે સોશ્યલ મીડિયા પર ખાતું ખોલાવ્યું એ સમયે પહેલી ફીડ-ફોટો કે કૉન્ટેન્ટ શું હતું એ કોઈને યાદ નહીં હોય. એ પછી દરેકે પોતાની પસંદ અનુસાર કૉન્ટેન્ટ જોવા માટે કંઈક તો સર્ચ કર્યું હશે. જે વૉલ પર કે સ્ક્રીન પર દેખાયું એને લાઇક્ કર્યું હશે અથવા કૉમેન્ટ કરી  હશે. આમ દરેકના મોબાઇલમાં કે સોશ્યલ મીડિયામાં સૌથી વધારે જુદી પડતી વસ્તુ કોઈ હોય તો એ કૉન્ટેન્ટ છે, જે તે એકાઉન્ટથી કોને ફૉલો કરો છો અને કોને લાઇક્સ કે કૉમેન્ટ કરો છો એના ઉપર પણ સતત આવતા કૉન્ટેન્ટનો આધાર રહેલો હોય છે, જેમ કે ટ્રાવેલ્સ ડેસ્ટિનેશન, સિટી સ્ટોરીઝ, દેશ-વિદેશના ફૂડવ્લૉગર્સ, હેલ્પફુલ ટિપ્સ, સામાન્ય જ્ઞાન વગેરે વગેરે. આ પ્રકારના સતત અને સખત રીતે સ્ક્રીન પર ઠલવાતા કૉન્ટેન્ટને બદલી શકાય છે. આવા એકના એક વિષયોથી સમય જ્તા કંટાળો આવી જાય.

 

એમેઝોનની નદી જેવા વિશાળ અને વૈવિધ્યથી ભરપૂર એવી કૉન્ટેન્ટ સામગ્રીને યાદ રાખવી શક્ય નથી અને એક દિવસમાં એને બદલવી પણ શક્ય નથી. ઇન્સ્ટાગ્રામ પર રી-સેટ કરવાથી પ્રોફાઇલ પિક્ચર કે હોમ સ્ક્રીન તદ્દન નવી થઈ જશે એવું પણ થવાનું નથી. ઇન્સ્ટાગ્રામ પર તેને બદલવાની પ્રક્રિયા થોડી ટેક્નિકલ છે અને થોડો સમય માગી લે એવી છે. ઇન્સ્ટાગ્રામ રી-સેટ એટલે બધું એકડે એકથી આવશે એવું બિલકુલ નથી. બધું જ નવું દેખાશે એવું પણ નથી, પણ આ ધીમે-ધીમે વિષયોને બદલતી કૉન્ટેન્ટ સામગ્રી છે. દુનિયાભરની વેબસાઇટ અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર, પેજ પર રહેલા લોકોને પોતાનું કૉન્ટેન્ટ બતાવવુું છે અને યુઝર્સ પાસે કસ્ટમાઇઝથી લઈને આવા વિષય પસંદ કરવા સુધીનો ઑપ્શન છે. કૉન્ટેન્ટનો ઢગલો અને ગમતા વિષયો ખરા પણ ત્યારે પસંદગીમાં માથું ખંજવાળવું પડે.

 

રી-સેટ કરતાં પહેલાં  એ વાત  સમજવી અને સ્વીકારવી પડે કે ઇન્સ્ટાગ્રામ યુઝરે સર્ચ કરેલા વિષયની સામગ્રી સૌથી વધારે જે તે એકાઉન્ટની સ્ક્રીન પર ઠલવે છે. આની પાછળ એક અલ્ગોરિધમ કામ કરે છે પછી જે તે ફોટો, વીડિયો કે પોસ્ટને લાઇક્સ કે કૉમેન્ટ કરી હોય એવા વિષયનો રીતસર મારો જે તે એકાઉન્ટમાં ફેંકે છે. આ પ્રવૃત્તિને કંટ્રોલ કરાવાનું કામ એટલે રી-સેટ. ગેરલાભ ક્યારેક એ થાય કે સતત એક જ પ્રકારના કૉન્ટન્ેટથી સ્ક્રીન ભરાઈ જાય અને બોર થઈ જવાય. આ માટે ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ પેજ પર જઈ, સેટિંગમાં જઈ કૉન્ટેન્ટ પ્રેફરન્સિસમાં જવાનું છે, ત્યાં રીસેટ સજેસ્ટેડ કૉન્ટેન્ટ દેખાશે. આનાથી જૂનું પર્સનલાઇઝેશન ભૂંસાઈ જશે. પછી નવું શરૂૂ થશે. રી-સેટ કરતા પહેલા જે એકાઉન્ટ કે પેજને ફોલો કરતા હશો એનો રીવ્યૂ પણ કરી શકાશે. હવે જે એકાઉન્ટ કે પેજના કોન્ટેટથી કંટાળ્યા હોવ એને અહીંયાથી અનફોલો કરી દો. રી-સેટ કરતા પહેલા તે પૂછશે કે નવું અને ફ્રેશ કૉન્ટેન્ટ જોવાનું શરૂ કરવું છે? યોગ્ય વિકલ્પની પસંદગી બાદ જ સ્ક્રીન નવી દેખાશે.

 આના પરથી એ નક્કી કરી શકાશે કે ક્યા પ્રકારનું કૉન્ટેન્ટ વધુ જોવા માગીએ છીએ. ગમતા વિષયની વાત હોય ત્યાં આપણે એકસાથે ઘણાં બધાં પેજ ફૉલો કરી દઈએ છીએ. આના કારણે સ્ક્રીન પર વિષયોની ભેળ પીરસાતી હોય એવું લાગ્યા કરે. આ માટે રી-સેટ કરવાની જરૂર પડે. આ રી-સેટ કરવાથી અત્યાર સુધી જે લાઈક્સ, કૉમેન્ટ અને સજેસ્ટ કરેલા કૉન્ટેન્ટની જે યાદી છે ઇન્સ્ટાગ્રામની લોકલ મેમરીમાંથી ભૂંસાઈ જાય છે અને નવી યાદી તૈયાર થાય છે. આવું કરવાથી યુઝરે કરેલી પોસ્ટ, કોલાબ કે રીલ્સમાં કંઈ ફેર પડતો નથી કારણ કે આ સેટિંગ હોમ સ્ક્રીન પર કામ કરે છે પ્રોફાઈલ પર નહીં.

 

 આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામે વધુ એક ઑપ્શન શરૂ કર્યો છે  : ‘ઈનટ્રેસ્ટ,’  આનાથી જે વિષયમાં રસ હોય એને ફૉલો કર્યા વગર જસ્ટ એના પેજ પર આંટો મારી આવો. ઓટોમૅટિક એ વિષય તમારી સ્ક્રીન સુધી પહોંચી જશે. હા, જરૂરી અને લાઇવ અપડેટ્સ માટે એને ફૉલો કરવું અનિવાર્ય છે. આ સિવાય આ સેટિંગમાં ન પડવું હોય તો હોમ સ્ક્રિન પર આવતા કૉન્ટેન્ટને એક દિવસ પૂરતું નિરીક્ષણ કરો. એ પછી ડાયરેક્ટ એ પેજ પર જઈને અનફૉલો કરી દો અથવા એ કૉન્ટેન્ટને ઝડપથી સ્કિપ કરવાનું ચાલુ કરી દો. આનાથી સ્કિપિંગે રેશિયો વધશે તો એ સામગ્રી સ્ક્રીન પરથી ખસી જશે.       

              

આઉટ ઓફ બોક્સ

 

ફેસબુકની વીડિયો ગૅલેરીમાં ગમતા વીડિયોની લિંક સેવ કરી રાખી શકાય. લાંબો વીડિયો હોય તો એ લિંક ફરી પ્લે કરવાથી જ્યાંથી અધૂરું હશે ત્યાંથી જ તે ચાલુ કરશે.