અમદાવાદ: હાલ ડૉલર સામે રૂપિયાનો ભાવ 95.70ની આસપાસ છે. ડૉલર મજબૂત થતાં વિદેશમાં રહેતા ગુજરાતીઓએ મોટી સંખ્યામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ વાર્ષિક ધોરણે 12.4 ટકા વધીને રૂ. 1,22,363.74 કરોડે પહોંચી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો રૂ. 1,08,897.99 કરોડ હતો, જેમાં આશરે રૂ. 13,466 કરોડનો વધારો નોંધાયો છે.
કુલ એનઆરઆઈ ડિપોઝિટમાં અમદાવાદનો 20 ટકાથી વધુ હિસ્સો
રાજ્યની કુલ એનઆરઆઈ ડિપોઝિટમાં 22.3 ટકા હિસ્સા સાથે રૂ. 27,326.02 કરોડનું યોગદાન આપીને અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું હતું. વડોદરા રૂ. 19,447.11 કરોડ સાથે બીજા અને કચ્છ રૂ.18,212.65 કરોડ સાથે ત્રીજા સ્થાને હતા. આ ત્રણેય જિલ્લાઓ મળીને ગુજરાતની કુલ એનઆરઆઈ ડિપોઝિટનો અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆરઆઈ ડિપોઝિટમાં થયેલો વધારો વિદેશમાં વસતા ગુજરાતીઓનો રાજ્યમાં નાણાં રોકવા પ્રત્યેનો સતત રસ દર્શાવે છે. આ ભંડોળનો મોટો હિસ્સો ખાસ કરીને અમદાવાદમાં હાઇ-એન્ડ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં જઈ રહ્યો છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ પણ અન્ય એક રોકાણ વિકલ્પ તરીકે ઊભર્યું હતું.
આણંદ રૂ. 9746.58 કરોડ સાથે ચોથા ક્રમે રહ્યું હતું, જ્યારે સુરત અને રાજકોટમાં અનુક્રમે રૂ. 9480.82 કરોડ અને રૂ. 9368.49 કરોડની ડિપોઝિટ નોંધાઈ હતી. બંને જિલ્લામાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જૂન 2025માં સુરતમાં રૂ. 8268.46 અને રાજકોટમાં રૂ. 8597.65 કરોડની ડિપોઝિટ નોંધાઈ હતી.
નવસારી રૂ. 6928.78 કરોડ સાથે સાતમા ક્રમે હતું. ગાંધીનગરે રૂ. 5353.23 કરોડ સાથે ટોપ-10માં નવો પ્રવેશ કર્યો છે. ગાંધીનગરે જામનગરનું સ્થાન લીધું હતું. જામનગર એક વર્ષ અગાઉ રૂ. 2171.69 કરોડની ડિપોઝિટ સાથે 10મા ક્રમે હતું. ખેડા રૂ. 3138.04 કરોડ અને પોરબંદર રૂ. 2805.37 કરોડ સાથે ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા