Sun Aug 23 2026

Logo

વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં આગેકૂચ

2026-08-21 19:55:35
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 132 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 59 રિંગિટ વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આજે આયાતી તેલમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં 10 કિલોદીઠ રૂ. 10 વધી આવ્યા હતા તેમ જ આજે મથકો પાછળ સરસવ તેલના ભાવ પણ રૂ. 10 વધી આવ્યા હતા. જોકે, આજે હાજર ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો છૂટાછવાયા રહ્યાના અહેવાલ હતા. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના ઑગસ્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1510 અને સન રિફાઈન્ડના રૂ. 1790 તથા સોયા રિફાઈન્ડના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1490, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1470, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1515, પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1490 અને સન રિફાઈન્ડના રૂ. 1750, જી-વનના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1460, રિલાયન્સ રિટેલના સોયા રિફાઈન્ડના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1505 અને સન રિફાઈન્ડના સપ્ટેમ્બર તથા ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1770 તથા ગોકુલએગ્રોના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1525 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપારો છૂટાછવાયા હતા. તેમ જ આજે બાયબૅકમાં ગોકુલ એગ્રોની સોયા રિફાઈન્ડના સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં લેવાલી નીકળી હોવાના અહેવાલ હતા. 

આજે ગોંડલ મથકે 2000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં અને રાજકોટ મથકે 1200 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં થયા હતા. તેમ જ ગોંડલ મથક પર 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1640થી 1650 અને કપાસિયા રિફાઈન્ડના રૂ. 1690ના મથાળે રહ્યા હતા. રાજકોટ મથકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2700માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1700માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. 

વધુમાં મધ્ય પ્રદેશનાં મથકો પર આજે સોયાસીડની 60,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 6000થી 6200માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 6200થી 6300માં થયા હતા.
આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1510, સોયા રિફાઈન્ડના રૂ. 1500, સન રિફાઈન્ડના રૂ. 1765, સિંગતેલના રૂ. 1750, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1700 અને સરસવના રૂ. 1780ના મથાળે રહ્યા હતા.