જામનગર-રાજકોટઃ સૌરાષ્ટ્રના બે મહત્વના જિલ્લા જામનગર અને રાજકોટમાં નકલી દૂધ સામે તંત્રએ કાર્યવાહી કરી હતી. જામનગરના કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજકોટ રેન્જ ટીમે હરિપર ગામમાં છ શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓના ઘર અને ડેરીઓ પર દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન અલગ-અલગ મકાનો અને ડેરીઓમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કામ ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ ૭૧૫૦ લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, ૧૨૦ કિલો વનસ્પતિ ઘી અને ૧૫ કિલો દૂધ બનાવવાનો પાવડર ઝડપી પાડ્યો હતો.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શંકાસ્પદ ભેળસેળયુક્ત બનાવટી દૂધ, વનસ્પતિ ઘી અને દૂધ બનાવવાના પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે સંબંધિત દૂધના ધંધાર્થીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે રાજકોના કાથરોટા ગામનો રહેવાસી ભાવેશભાઈ ભીખાભાઈ ભારાઈ પોતાના રહેણાંક મકાનમાં વધુ નફો કમાવવાની લાલચે ભેંસોના અસલી દૂધમાં પામ તેલ અને દૂધનો પાવડર મિક્સ કરી નકલી દૂધ બનાવી રહ્યો છે. આ મિશ્રણથી તે દૂધની ક્વોન્ટિટી અને ફેટનું પ્રમાણ વધારી દેતો હતો. બાતમીના આધારે પાટણવાવ પોલીસે પંચો અને ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને મકાન પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે ૮૦૦ લીટર બનાવટી દૂધ (કિંમત રૂ. ૩૨,૦૦૦/-), ૨૦૦ કિલોગ્રામ દૂધનો પાવડર (કિંમત રૂ. ૭૦,૦૦૦/-) અને પામ તેલના ખાલી ડબ્બા નંગ-૭ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૧,૦૨,૦૦૦ નો મુદ્દામાલ આંકીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ઘટનાસ્થળેથી દૂધ, પાવડર અને તેલના સેમ્પલ લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.