Mon Aug 24 2026

Logo

પરીક્ષા વચ્ચે પ્રશ્નપત્રો ફોટો પાડી બહેનને મોકલ્યો: સુપરવાઈઝર સહિત પાંચની ધરપકડ

2026-08-23 20:15:43
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: પરભણીમાં નર્સિંગ સ્કૂલમાં પરીક્ષા શરૂ થયાની થોડી મિનિટોમાં જ મહિલા સુપરવાઈઝરે તેના મોબાઈલ ફોનથી પ્રશ્ર્નપત્રનો ફોટો પાડી બહેનને મોકલાવ્યાની ઘટનામાં પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કથિત ગેરરીતિ પરભણીની ઈન્દિરા ગાંધી એ.એન.એમ. નર્સિંગ સ્કૂલમાં શુક્રવારે પ્રથમ વર્ષના જનરલ નર્સિંગ ઍન્ડ મિડવાઈફરી કોર્સની પરીક્ષામાં થઈ હતી.

આ પ્રકરણે પોલીસે પરીક્ષાની સુપરવાઈઝર રાખી ચવાણ, તેની બહેન રાણી ચવાણ સહિત પ્રતીક્ષા કિરણ ખિલ્લારે, ઈશ્ર્વર બારાબોઈના અને દિલીપ બોરકરની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રાખીને પરભણી ખાતે પરીક્ષા કેન્દ્રમાં ફરજ સોંપાઈ હતી. પરીક્ષા સવારે 10.30 વાગે શરૂ થયા પછી ગણતરીની મિનિટમાં જ તેણે પોતાના મોબાઈલ ફોન પર પ્રશ્ર્નપત્રનો ફોટો પાડી લીધો હતો. પછી એ વૉટ્સઍપથી પોતાની બહેનને મોકલી દીધો હતો.

દરમિયાન સેન્ટ્રલ ઈન્સ્પેક્ટર્સ દ્વારા કરાયેલા નિરીક્ષણમાં આ ગેરરીતિ પકડાઈ ગઈ હતી.પરીક્ષા ચાલુ હતી ત્યારે પ્રશ્ર્નપત્ર પરીક્ષા સેન્ટરમાંથી બહાર લઈ જવામાં આવ્યું હોવાની શંકા પરથી સેન્ટ્રલ ઈન્સ્પેક્ટર વિશ્ર્વજિત મથાપતિએ મહિલા સુપરવાઈઝરની પૂછપરછ કરી હતી. પછી તેનો મોબાઈલ ફોન તપાસતાં તેમાંથી પ્રશ્ર્નપત્રનો ફોટો મળી આવ્યો હતો. એ ફોટો તેણે પોતાની બહેનને મોકલ્યો હોવાનું પણ દેખાયું હતું. આ અંગે તરત જ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ફરિયાદને આધારે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)