રોજિંદા આહારમાં ચા, કોફી અને મીઠાઈઓ માટે અત્યંત આવશ્યક એવી ખાંડના ભાવ વિશ્વના અલગ-અલગ દેશોમાં મોટા પ્રમાણમાં બદલાય છે. કોઈપણ દેશમાં ખાંડની કિંમત કેટલી હશે તેનો આધાર ત્યાંના સ્થાનિક શેરડી ઉત્પાદન, સરકારી સબસિડી, ટેક્સ સિસ્ટમ અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પોલિસી પર રહેલો છે.
ભારત વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદકો અને વપરાશકારોમાં મોખરે હોવાથી અહીં સામાન્ય નાગરિકોને ખાંડ પ્રમાણમાં ખૂબ સસ્તા ભાવે ઉપલબ્ધ થાય છે. પરંતુ પશ્ચિમી દેશો કે યુરોપની વાત કરીએ તો ત્યાં ખાંડના ભાવ સાંભળીને કોઈપણ ચોંકી જાય તેવા છે.
વિશ્વના પ્રમુખ દેશોમાં એક કિલો ખાંડના ભાવની વિગતવાર સરખામણી પર એક નજર...
ભારત (India): ભારતમાં એક કિલો ખાંડનો સરેરાશ રિટેલ ભાવ રૂપિયા 40થી રૂપિયા 45ની આસપાસ રહે છે. દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યોમાં મોટા પાયે શેરડીનું વાવેતર થાય છે, જેના કારણે સ્થાનિક સ્તરે પૂરતો પુરવઠો જળવાઈ રહે છે અને સામાન્ય પરિવારને મોંઘવારીનો માર સહન કરવો પડતો નથી.
પાકિસ્તાન: આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં ખાંડનો ભાવ સ્થાનિક ચલણમાં અંદાજે 140થી 160 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો ચાલે છે. ભારતીય ચલણ (INR)ના મૂલ્ય પ્રમાણે ગણતરી કરીએ તો આ કિંમત રૂપિયા 45થી રૂપિયા 52 પ્રતિ કિલો જેટલી થાય છે.
અમેરિકા: અમેરિકામાં ગ્રાહકોએ ખાંડ માટે ભારતના મુકાબલે ત્રણ ગણાથી પણ વધુ નાણાં ચૂકવવા પડે છે. યુએસ માર્કેટમાં એક કિલો ખાંડનો સરેરાશ ભાવ $1.30થી $1.60 ડોલર છે, જે ભારતીય રૂપિયામાં આશરે રૂપિયા 110થી રૂપિયા 135 પ્રતિ કિલો થાય છે.
બ્રિટન: યુનાઇટેડ કિંગડમમાં એક કિલો ખાંડની કિંમત લગભગ £1.10થી £1.30 પાઉન્ડ છે. ભારતીય રૂપિયામાં આ ભાવ આશરે રૂપિયા 120થી રૂપિયા 140 પ્રતિ કિલો બેસે છે. યુરોપિયન યુનિયનના દેશો (European Countries): જર્મની, ફ્રાન્સ અને ઈટાલી જેવા યુરોપિયન દેશોમાં ખાંડનો ભાવ € 1.20 થી € 1.50 યુરોની આસપાસ રહે છે, જે ભારતીય રૂપિયામાં ગણતાં આશરે રૂપિયા 115થી રૂપિયા 145 પ્રતિ કિલો થાય છે.
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં એક કિલો ખાંડ માટે ગ્રાહકોએ ઓસ્ટ્રેલિયન ડોલર 2.20થી ઓસ્ટ્રેલિયન ડોલર 2.50 ચૂકવવા પડે છે, જે ભારતીય ચલણમાં આશરે રૂપિયા 125થી રૂપિયા 1450 પ્રતિ કિલોની આસપાસ રહે છે.
શ્રીલંકા: શ્રીલંકામાં આર્થિક સંકટ અને આયાત નિર્ભરતાને કારણે એક કિલો ખાંડનો ભાવ 280થી 320 શ્રીલંકન રૂપિયા છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે રૂપિયા 80થી રૂપિયા 90 પ્રતિ કિલો થાય છે.
ભારતમાં ખાંડ સસ્તી અને પશ્ચિમી દેશોમાં મોંઘી કેમ છે?
ભારતમાં ખાંડ સસ્તી મળવા પાછળનું મુખ્ય કારણ દેશની આત્મનિર્ભરતા છે. ભારતીય ખેડૂતો મોટા પાયે શેરડી પકવે છે અને સરકાર દ્વારા ખાંડના ભાવ સામાન્ય વર્ગની પહોંચમાં રહે તે માટે બફર સ્ટોક તેમજ એક્સપોર્ટ ક્વોટા નિયંત્રણમાં રાખવામાં આવે છે. ઉપરાંત, ભારતને ખાંડની આયાત કરવા માટે ભારે કસ્ટમ ડ્યુટી કે શિપિંગ ચાર્જ ચૂકવવો પડતો નથી.
બીજી તરફ, અમેરિકા, બ્રિટન અને યુરોપના મોટાભાગના દેશોમાં ખેતી અને મજૂરી ખર્ચ (લેબર કોસ્ટ) ખૂબ ઊંચો હોય છે. ઘણા યુરોપિયન દેશો શેરડીને બદલે બીટરૂટમાંથી ખાંડ બનાવે છે, જેની પ્રોસેસિંગ કોસ્ટ ઘણી વધારે આવે છે. સાથે જ ત્યાંના કડક ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ, પેકેજિંગ ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉમેરાતાં રિટેલ માર્કેટમાં ગ્રાહકો સુધી પહોંચતા ખાંડના ભાવ રૂપિયા 120થી 145 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે.