Sat Sep 05 2026

Logo

યુવતી સાથે 'ઈમોશનલ' મુલાકાતનો શોખ 9.50 લાખમાં પડ્યો! અમદાવાદનો યુવાન સાયબર ગઠિયાઓનો શિકાર

2026-08-22 18:56:04
Author: Devayat Khatana
યુવતી સાથે 'ઈમોશનલ' મુલાકાતનો શોખ 9.50 લાખમાં પડ્યો! અમદાવાદનો યુવાન સાયબર ગઠિયાઓનો શિકાર

અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એ માત્ર કમ્યુનિકેશન કે મનોરંજનનું માધ્યમ નથી રહ્યું પણ સાયબર ગઠિયાઓ માટે હવે તે આકડે મધ બની રહ્યું છે. અમદાવાદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર યુવતીઓ સાથે 'ઈમોશનલ' વાતચીત અને મુલાકાતની લાલચમાં યુવાનને છેતરવામાં આવ્યો છે. શહેરમાં એકલા રહેતા યુવાનોને નિશાન બનાવતી સાયબર ગઠિયાઓની ટોળકીએ પાલડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેની તરીકે નોકરી કરતા 24 વર્ષીય યુવાનને પોતાની જાળમાં ફસાવી તેની પાસેથી અધધ રૂપિયા 9.50 લાખ પડાવી લીધા હોવાનું ખૂલ્યું છે. આ મામલે યુવાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, આ ઘટનાની શરૂઆત ગત 25 જુલાઈના રોજ રાત્રે થઈ હતી, જ્યારે પીજીમાં રહેતો યુવાન ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહ્યો હતો. ત્યારે તેને એક સ્પોન્સર્ડ જાહેરાત દેખાઈ જેમાં 'અમદાવાદમાં તમારી નજીકમાં રહેતી યુવતી સાથે ઈમોશનલ વાતચીત અને મુલાકાત કરવી હોય તો અત્યારે જ કોલ કરો' તેમ લખેલું હતું. પીજીમાં એકલા રહેતા યુવાને જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતા હુકમસિંગ લોધી નામના શખ્સે વાત કરી હતી અને 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરાવી હતી. ત્યારબાદ તેને વોટ્સએપ પર પાંચ-છ યુવતીઓના ફોટા મોકલી તેમાંથી એક યુવતી પસંદ કરવા કહેવામાં આવ્યું હતું.  

યુવાને ફોટો પસંદ કર્યા બાદ ગઠિયાઓએ તેને મુલાકાત માટે પાલડી ખાતેની માર્શલ ધી ગ્રાન્ડ હોટલમાં મોકલ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ યુવાન પાસે હોટલ રૂમ ભાડું, મુલાકાત ચાર્જ, વેરીફીકેશન ચાર્જ, મેડિકલ ચાર્જ, એક્ટિવેશન ચાર્જ અને રેસ્ક્યુ ચાર્જના નામે ઓનલાઈન હજારો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. યુવાને કંટાળીને રાત્રે સર્વિસ કેન્સલ કરવાનું કહેતા, ગઠિયાઓએ તેને બીજા દિવસે રિફંડ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ વીર ઠાકોર અને અન્ય શખ્સોએ રિફંડના બહાને કેન્સલેશન ચાર્જ, બેન્કિંગ પ્રોસેસ ચાર્જ, જીએસટી અને આઈટીઆરના નામે તેની પાસે સતત વધુ પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું હતું.  

આ રીતે યુવતી સાથે ઈમોશનલ મુલાકાત અને ત્યારબાદ નાણાં રિફંડ મેળવવાની લાલચમાં ૨૫ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધીમાં યુવાન પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ.9,50,092 ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. છેવટે લાખો રૂપિયા ગુમાવ્યા બાદ પણ કોઈ રિફંડ ન મળતા પોતાની સાથે ઓનલાઇન વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો યુવાનને અહેસાસ થયો હતો. જે બાદ તેણે સાયબર હેલ્પલાઇન પર જાણ કરી હતી અને 22 ઓગસ્ટના રોજ સાયબર ક્રાઈમ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.